જોરાપુરા ગામે ભેંસ ચોરીની તપાસમાં ગયેલી દાંતા પોલીસને રીંછનો દાટેલો મૃતદેહ મળ્યો

પાલનપુર, તા.૨૪

દાંતા પોલીસ ભેંસોની ચોરી મામલે આરોપીઓની તપાસ દરમિયાન જોરાપુર ગામે ગઇ હતી. તપાસ દરમિયાન એક ખેતર નજીક જમીનમાંથી બહાર કાઢેલી માટી દેખાતા પોલીસે શંકા વ્યક્ત કરી તપાસ કરાવતા અંદરથી ભેંસના મૃતદેહની જગ્યાએ રીંછનો મૃતદેહ મળતાં પોલીસ ચોંકી ઊઠી છે. આ અંગે પોલીસે ત્વરિત વન વિભાગને જાણ કરતાં દાંતીવાડાના વેટરનરી તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવી જે ખેતર નજીક દાટવામાં આવ્યુ હતુ. તે ખેતર માલિકની શોધખોળ હાથ ધરી રીંછની હત્યા કરાઈ છે કે અકસ્માતે મોતને ભેટ્યુ હતુ.

જેસોર અને બાલારામ અંબાજી રીંછ વન્ય અભ્યારણમાં સુરક્ષિત વિહરતા રીંછની દાટેલી હાલતમાં લાશની ઘટનાએ ચોંકાવી દીધા છે. દાંતા પૂર્વ રેન્જ હેઠળના જોરાપુરા ગામની સીમમાં ખેતર નજીક રીંછને દાટવામાં આવ્યું હોવાની વન વિભાગને રવિવારે સાંજે જાણ થઈ હતી. દરમિયાન વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના સ્ટાફે ખોદકામ કરતાં મૃત હાલતમાં રીંછ મળી આવ્યુ હતું.

રીંછના મૃતદેહને જોતા તેને 3 થી 4 દિવસ અગાઉ ખાડો ખોદી દાટવામાં આવ્યુ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે રીંછનુ મોત કેવી રીતે થયું અને રીંછને કોણે દાટી દીધું તે પ્રશ્નોના જવાબો હવે વન વિભાગ શોધી રહ્યું છે. રીંછના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા બાદ દાંતીવાડાના વેટરનરી તબીબો સાથે રાખી રીંછનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. રીંછ જે ખેતર નજીકથી મળી આવ્યું તે ખેતર માલિકની શોધ ખોળ હાથ ધરી છે. અંદાજિત ત્રણથી ચાર દિવસ પહેલાનો મૃતદેહ હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

વન વિભાગે રીંછના અપમૃત્યુના મામલામાં ધોરણસરની કાર્યવાહી કરવા પગલાં લઈ રહી છે જોકે એક આશંકા એવી વ્યક્ત થઈ રહી છે કે કોઈ ખેતરમાં ખેડૂતે પાક બચાવવા ખેતરની વાડ પર વીજપ્રવાહ મૂકી ઝટકા મશીન ચાલુ રાખે છે. જેના સંપર્કમાં આવવાના લીધે પણ મોત થયું હોઇ શકે.