ઝાયડસ વેલનેસઃ લાંબી રેસનો મજબૂત ઘોડો

અમદાવાદ,તા:૧

અમદાવાદના ઝાયડસ ગ્રુપની કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને શેરબજારમાં લાંબી રેસનો ઘોડો માનવામાં આવે છે. હેલ્થ અને વેલનેસમાં મજબૂત રીતે ઊભરી રહેલી કંપની છે. આગામી છથી બાર મહિના સ્ક્રીપનો ભાવ વધીને રૂા.1750થી 1800ની રેન્જમાં પહોંચી જવાની ધારણા નિષ્ણતો મૂકી રહ્યા છે. પરિણામે વર્તમાન બજાર ભાવ રૂા. 1647ની આસપાસના ભાવે તેમાં ખરીદી કરી શકાય છે. ઝાયડસ વેલનેસની સ્ક્રિપનું પરફોર્મન્સ સારુ રહેવાની મજબૂત સંભાવના જોવામાં આવી રહી છે. તેનું કારણ છે કંપનીના સંગીન આર્થિક પરિણામો.

જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાંં કંપનીઓ રૂા.80.40 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. ગયા વર્ષના જૂન માસમાં આ નફો રૂા. 26.35 કરોડનો હતો. આમ વાર્ષિક ધોરણે ત્રિરાશી માંડવામાં આવે તો કંપનીનો નફો 170 ટકાની આસપાસ વધ્યો છે. કંપનીનું વેચાણ પણ ખાસ્સું વધ્યું છે. જૂન 2018માં કંપનીનું વેચાણ 143.05 કરોડનું હતું. તે માર્ચ 2019ના અંતે 416.15 કરોડનું થયું હતું. તેમ  જ જૂન 2019ના અંતે 620.25 કરોડને આંબી ગયું હતું.

કંપની વિકાસના રાજપથ પર સતત આગળ વધી છે. 2009ની સાલમાં કંપનીના વેચાણની આવક રૂા. 1947.3 કરોડ હતી. તે 2019ના માર્ચ સુધીમાં વધીને રૂા. 8423.3 કરોડને વળોટી ગઈ છે. આમ 11 વર્ષનો કંપનીના વેચાણનો સર્વગ્રાહી વિકાસ દર (સીએજીઆર) 15.8 ટકા રહ્યો છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો કંપનીનું વેચાણ દર વર્ષે સરેરાશ 15.8ટકાના દરે વધ્યું છે. તેની સામે વેપાર પૂર્વેનો નફો અનો ચોખ્ખો નફો પણ વધતો જ ગયો છે. 2009ની સાલમાં 388.1 કરોડનો વેરા પૂર્વેનો નફો હતો. ચોખ્ખો નફો રૂા. 237.7 કરોડનો હતો. વેરા પૂર્વેનો નફો 2019માં વધીને ર1743.4 કરોડનો અને ચોખ્ખો નફો રૂા. 1691.3 કરોડનો થયો હતો. આમ કંપનીના ચોખ્ખા નફામાં 11 વર્ષમાં સરેરાશ 21.7 ટકાનો સરેરાશ વધારો જોવા મળ્યો છે. આ બતાવે છે કે કંપનીના ફંડામેન્ટલ્સ સંગીન છે.

પ્રજાના આરોગ્યની જાળવણીમાં અને તેને સુધારવામાં મદદ કરતાં પ્રોડક્ટ્સ સાથે આવતી કંપની તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં નવા નવા ઉમેરો કરતી રહી છે. 2018માં કંપનીએ હેઈન્ઝ ઇન્ડિયાને હસ્તગત કરીને તેના પ્રોડ્ક્ટને પણ પોતાના પોર્ટફોલિયોમાં સમાવી લીધા છે. મે 2019માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે તેમના મર્જર-જોડાણ-વિલીનીકરણને માન્યતા આપી દીધી છે.તેની સીધી અસર હેઠળ તેના વેચાણ અને નફામાં વધારો જોવા મળશે.

ઝાયડસ વેલનેસના એવરયૂથ, ગ્લોકોન-ડી, ન્યુટ્રાલાઈટ, સુગર ફ્રી, કોમ્પ્લાન,નાઈસિલ,સમ્પ્રીતિ ઘી જેવા પ્રોડક્ટ બજારમા ખાસ્સા વેચાઈ રહ્યા છે. તેનું માર્કેટ સતત વધી રહ્યું છે. તેની સાથે સાથે ઝાયડસ વેલનેસે તાજેતરના ભૂતકાળમાં કુવૈત અને મલેશિયાના બજારમાં પ્રવેશ કર્યો છે. તદુપરાંત તે યુએઈ, બહેરિન, શ્રીલંકા, જેવા બજારમાં પ્રવેશ લઈ ચૂકી છે. આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરી વધી રહી છે. કંપનીના ફંડામેન્ટલ્સ સારા હોવાથી તેના શેરના ભાવ પણ સતત સુધારો દર્શાવી રહ્યા છે. છેલ્લા બાવન અઠવાડિયામાં તેના શેરના ભાવે રૂા.1085નું બોટમ અને રૂા.1830નું ટોપ જોયું છે. તેના શેરની બુક વેલ્યુ રૂા. 587.24ની છે. તેના રૂા.10ની મૂળ કિંમતના શેરની શેરદીઠ કમાણી રૂા.40.10ની છે. તેનો પ્રાઈસ અર્નિંગ રેશિયો 42.45નો છે. સૌથી મોટી વાત તો એ છે કે કંપની ડિવિડંડ આપતી કંપની છે. છેલ્લે કંપનીઓ 50 ટકા ડિવિડંડ આપ્યું છે. 2018માં કંપનીએ 80 ટકા અને 2017માં 65 ટકા ડિવિડંડ આપ્યું હતું. પરિણામે શેરના ભાવના વધારા ઉપરાંત ડિવિડંડનો પણ ઇન્વેસ્ટર્સને લાભ મળે છે.

તેથી જ ડીઆઈઆઈ અને એફઆઈઆઈ કંપનીના શેર્સમાં તેનું હોલ્ડિંગ વધારી રહ્યા છે. કંપનીમાં પ્રમોટરનું હોલ્ડિંગ 72.54 ટકા છે. જે જૂન 2019માં ઘટીને 67.62 ટકા થયું છે. પ્રમોટરનું હોલ્ડિંગ ઘટ્યું છે તેની સામે ડીઆઈઆઈ અને એફઆઈઆઈનું હોલ્ડિંગ વધી રહ્યું છે. આ વધારો પણ કંપનીના સંગીન ફંડામેન્ટલ્સને આધીન આવી રહેલા વધારાનો નિર્દેશ આપે છે. બુક વેલ્યુ કરતાં 150થી 160 ટકા ઊંચા ભાવે બજારમાં કંપનીના શેર્સના સોદા પડી રહ્યા છે. શેર્સના પડતા સોદામાંથી અંદાજે 59 ટકા શેર્સની ડિલીવરી થાય છે. આમ રિયલ ઇન્વેસ્ટર્સ તેમાં એન્ટ્રી લઈ રહ્યા છે.