ઝોમેટોમાંથી પિઝા રિફંડની લાલચ આપી ગઠિયાએ સેરવી લીધા રૂ.60,885

અમદાવાદ, તા.8

‘ખરાબ થયેલા પિઝા બદલી નહીં આપીએ રિફંડ આપીશું’ તેમ કહીને એક ગઠિયાએ યુવકને એક નહીં બબ્બે વખત છેતર્યો છે. સાણંદ ખાતે જય હિંદ રેસ્ટોરન્ટ ચલાવતા ઋષભ શાહના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ.60,885 ગઠિયો સેરવી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીના ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
થલતેજ સુરધારા બંગલોઝમાં રહેતા ઋષભ વરાંગભાઈ શાહે ગત શુક્રવારે ઝોમેટોમાં પિઝા ઓર્ડર કર્યા હતા. પિઝા ખરાબ હોવાથી હેલ્પલાઈન પર ઋષભ શાહે કોલ કર્યો હતો, બાદમાં ફોનનો રિપ્લાય આવ્યો હતો. સાડા નવ વાગ્યે ઋષભ શાહ પર એક કોલ આવ્યો હતો, જે વ્યક્તિએ ઝોમેટોમાંથી બોલું છું અને ફોન કરવા અંગે કારણ પૂછ્યું હતું. જેને જવાબ આપતાં ઋષભ શાહે પિઝાની ફરિયાદ કરી હતી અને સામે બીજા પિઝાની માગણી કરી હતી. સામા છેડેથી વાત કરનારા શખ્સે બીજા પિઝા ન આપી રિફંડ આપવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તે અજ્ઞાત વ્યક્તિએ એક લિન્ક મોકલી હતી, જેમાં ઋષભભાઈનાં નામ, મોબાઈલ નંબર, કારણ અને ગૂગલ આઈડી લખીને મોકલવા જણાવ્યું હતું. જે લિન્ક મળી તેમાં ઋષભ શાહે તમામ વિગતો ભરીને સબમિટ કરતાં ફોન કરનારા શખ્સે તેણે મોકલેલો મેસેજ અન્ય એક નંબર પર ત્રણ વખત મોકલવા જણાવ્યું હતું. ઋષભ શાહે ત્રણ વખત એક જ નંબર પર મેસેજ મોકલતાં જ તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.5 હજાર ડેબિટ થઈ ગયા હતા. આ અંગે જાણ કરાતાં તેમ બને નહીં કહીને અજાણ્યા શખ્સે ફોન કટ કરી દીધો હતો.

ગત રવિવારે રાતે 8 વાગ્યે ઋષભ શાહનાં પત્ની ખુશ્બૂબહેન પર અજાણ્યા શખ્સનો ફોન આવતાં તેમણે કોન્ફરન્સ કરીને પતિ સાથે વાતચીત કરાવી હતી. આ સમયે દીપક શર્મા નામથી ઓળખ આપનારે તમારા રૂપિયા ભૂલથી ડેબિટ થઈ ગયા હોવાનું અને તે પરત કરવાના હોવાનું જણાવ્યું હતું. નાણાં પરત કરવા માટે તે વ્યક્તિએ તેણે મોકલેલો મેસેજ ત્રણ વખત મોકલી આપવા જણાવ્યું હતું. ઋષભ શાહે મેસેજ ત્રણ વખત મોકલતા જ એકાઉન્ટમાંથી પાંચ ટ્રાન્ઝેક્શન દ્વારા ફરી રૂ.55,885 ડેબિટ થઈ ગયા હતા. આથી ઋષભ શાહે બેન્કમાં જઈને એકાઉન્ટ લોક કરાવી દીધું હતું.