દુનિયાભરમાં લોક ચાહના મેળવનારા પીએમ નરેન્દ્ર મોદીનો સમય હવે બદલાઇ રહ્યો છે. એક સમયે વિશ્વ પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને તેમના વખાણ કર્યા હતા અને હવે તે જ મેગેઝિનના કવર પેજ પર મોદીને નિષ્ફળ વડાપ્રધાન બતાવવામાં આવ્યાં છે. 20 મેં ના અંકમાં વડાપ્રધાન મોદીને કવર પેજ પર જગ્યા આપી છે.
મેગેઝીને મોદીને ભારતના મુખ્ય ભાગલા પાડનાર ગણાવ્યાં છે. ટાઈમ મેગેઝિને એશિયા એડિશનમાં લોકસભા ચૂંટણી 2019 અને છેલ્લાં પાંચ વર્ષના મોદી સરકારના કામકાજ પર સ્ટોરી કરી છે. મોદીને “India’s Divider in Chief” એટલે કે ભારતના મુખ્ય ભાગલા પાડનાર કહ્યાં છે. નહેરુના સમાજવાદ અને ભારતની હાલની સ્થિતિની સરખામણી કરીને નિંદા કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, મોદીની હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના વધારવાની કોઈ ઈચ્છા નથી. મોદીએ પાંચ વર્ષમાં ભારતના નહેરુ જેવા મહાન લોકો પર હંમેશા રાજકીય હુમલા કર્યા છે અને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરી છે. ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસ્લિમ વિરોધી ભાવના અને કટ્ટરતા જોવા મળી રહી છે. 1984ના શીખ રમખાણો અને 2002ના રમખાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોદીએ 2014માં નોકરી અને વિકાસની વાતો કરી હતી પરંતુ હવે આ વિશ્વાસે ચૂંટણી લડવી મુશ્કેલ છે.
ટાઈમ મેગેઝિને માર્ચ 2012માં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને મે 2015 માં વડાપ્રધાન પદ પર એક વર્ષ પૂર્ણ કરી લીધું હતું ત્યારે કવર પેજ પર જગ્યા આપી હતી. 2012માં મોદીને એક સારા બિઝનેસમેન અને અર્થશાસ્ત્રી તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હતો. કવર સ્ટોરીમાં મોદી એક વિવાદાસ્પદ અને મહત્વાકાંક્ષી નેતા હોવાનું લખાયું હતુ અને PM પદના દાવેદાર બતાવવામાં આવ્યાં હતા.
2015માં વડાપ્રધાન તરીકે મોદીએ એક વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ટાઈમ મેગેઝીન દ્વારા તેમનો ઈન્ટરવ્યું લેવામાં આવ્યો હતો.કવર પેજ પર ‘WHY MODI MATTERS’ એવી ટેગલાઈન રાખવામાં આવી હતી. ઈન્ટરવ્યુંમાં મોદીએ ભારતના અમેરિકા અને ચીન સાથેના સંબંધો વિશે, દેશના વૈશ્વિક આર્થિક વિકાસ વિશે વાત કરી હતી. વિશ્વશાંતિ અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.