ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું રૂા.111 કરોડના ખર્ચે 520 મિડીબસ ખરીદનું કૌભાંડ
– જીઈએમના ઓનલાઈન ટેન્ડરમાં બતાવેલા સ્પેશિફિકેશન મુજબના એન્જિનને બદલે હલકી ગુણવત્તાનું એન્જિન જોડીને મિડીબસનો સપ્લાય કરતાં ટાટા મોટર્સની બસ રિજેક્ટ કરાઈ અને કૌભાંડ પરથી પડદો ઊંચકાયો
અમદાવાદ,મંગળવાર
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ટાટા પાસેથી રૂા.111 કરોડના ખર્ચે મિનિબસની ખરીદી કરવામાં મસમોટું કૌભાંડ થયું હોવાનું બહર આવ્યું છે. 520 મિનિબસમાંથી 5 મિનિબસનો કાફલો આવતા જીએસઆરટીસીના ટેક્નોલોજિકલ જાણકારી ધરાવતા અધિકારીએ આ બસમાં એન્જિન સ્પેસિફિકેશન પ્રમાણેનું ન હોવાનું જણાવીને આ બસ સ્વીકારવાને પાત્ર ન હોવાનું જણાવતા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો છે. વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ઇ-ટેન્ડરિંગ માટેના પોર્ટલ (જીઈએમ) પર ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. 22મી જાન્યુઆરી 2019ના દિને ઇશ્યૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ટાટા મોટર્સે ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા. ત્યારબાદ તે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી સાથેનું સિલ કવર પણ સબમિટ કરવામાં આવ્યું હતું. તેમાં ટાટા મેક 33એસ ઓન અલ્ટ્રા 7.5 ટી 42 ડબ્લ્યુબીની વિગતો આપવામાં આવી હતી. સાતમી માર્ચ 2019ના દિને ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા મોકલવામાં આવેલા ટેન્ડર ડોક્યુમેન્ટમાં પણ આપવામાં આવ્યા હતા અને તેને ધ્યાનમાં રાખીને સિક્યુરિટી ડિપોઝીટ જમા લેવામાં આવી હતી.
10મી માર્ચ 2019ના દિને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની અગત્યની શરત અને સ્પેશિફિકેશનો સાથે મેસર્સ ટાટા મોટર્સને મિડી બસની ખરીદીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમાં મોડેલ નંબર પણ 33એસ ઓન અલ્ટ્રા 7.5 ટી 42 ડબ્લ્યુબી બીએસઆઈવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 28મી મે 2019ના રોજ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટશન ઓફ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ટાટા મોટર્સના ધારવાડ પ્લાન્ટ પર જઈને મિડી બસનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેમાં પેઢી દ્વારા ઓફર કરવામાં આવેલા મોડેલ પ્રમાણેના પુરાવાઓ આપવામાં આવ્યા હતા. આ ઇન્સ્પેક્શન વખતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને બે અધિકારીઓ પણ મોજૂદ હતા. તેઓ આ મોડેલને ઓકે કરીને આવી ગયા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન ટાટા મોટર્સે એઆરએઆઈ સર્ટિફિકેટ નંબર એએજીએન 0273 આપવામાં આવ્યું હતું. એઆરએઆઈ સર્ટિફિકેટમાં અનુક્રમ નંબર 86માં ટાટા એલપીઓ-7.5 ટી સ્ટાર(એસટીએઆર) બસ અલ્ટ્રા 33 પ્લસ ડી સીટર બીએસઆઈવી મોડેલની વિગતો દર્શાવવામાં આવી હતી. તેમ જ એન્જિનના મોડેલ તરીકે 3એલએનજી ડીઆઈસીઆર 10 બીએસઆઈવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
યંત્રાલય વ્યવસ્થાપકના 7મી જૂન 2019ના પત્ર નંબર સીડબ્લ્યુએ-પીઆરઓડી-એમઆઈબીઆઈ-520-બીએસ- 2240માં ટાટા મોટર્સને આપેલા ડિલીવરી શિડ્યુલ સામે 20 વાહનો તેમના વર્કશોપમાં મોકલવામાં આવ્યા હતા. આ વીસ મિડીબસ ટાટા મેક 335 ઓન અલ્ટ્રા 7.5 ટી 42 ડબ્લ્યુ બી બીએસઆઈવી અને એન્જિન નંબર 3 એલએનજી બીઆઈસીઆર 10 બીએસઆઈવી મુજબ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી 18મ જૂન 2019ના એક પત્ર નંબર સીડબ્લુયએ પીઆરઓડી-એમઆઈડીઆઈ-520-ડીએસ-2399 લખીને કરવામાં આવેલા પ્રોટો ઇન્સ્પેક્શન મુજબના વાહનો સપ્લાય કરવા જણાવવામાં આવ્યું હતું. આ પત્રના જવાબમાં ટાટા મોટર્સે પ્રોટો ઇન્સ્પેક્શન દરમિયાન તેમના દ્વારા શરતચૂકથી એઆરએઆઈનું સર્ટિફિકેટમાં મોડેલ ટાટા અલ્ટ્રા સ્ટાર બસ 33 પ્લસ ડી 497 સીઆર 7.5 બી-42 ડબ્લ્યુબી વિથ પીએસ એબીએસ – બીએસ-આઈવી અને એન્જિન 497 સીઆર બીએસ 4 ઈજીઆર એન્જિન છે તેવું દર્શાવવાને બદલે ટાટા એલપી 075 ટી સ્ટાર બસ અલ્ટ્રા 33 પ્લસ ડી સીટર બીએસઆઈવી તેમ જ એન્જિન મોડેલ તરીકે 3એલએનજી ડીઆઈસીઆર 10 બીએસ આઈવી આપવામાં આવેલ છે. તેમ જ 3એલએનજી તેમ જ એન્જિનનું ઉત્પાદન એપ્રિલ 2019થી બંધ કરવામાં આવ્યું હોવાની કબૂલાત કરવામાં આવી છે.
ત્યારબાદ 20મી ઓગસ્ટે મળેલી ઉચ્ચ કક્ષાની સમિતિની બેઠકમાં મેસર્સ ટાટા મોટર્સના પ્રતિનિધિઓએ ટેન્ડર ડોક્યુમેન્ટમાં દર્શાવવામાં આવેલી હકીકત નો સ્વીકાર કર્યો હતો અને પોતાની ભૂલ સ્વીકારીને ટાટા મેક 335 ઓન અલ્ટ્રા 7.5 ટી 42 ડબ્લ્યુબી બીએસઆઈવી અને એન્જિન 3 એલએનજી ડીઆઈસીઆર 10 બીએસ આઈવી મુજબના વાહનો સપ્લાય કરવાની સહમતી દર્શાવી હતી. તેમ જ તેના પર પેનલ્ટી ન લેવાની વિનંતી કરી હતી. ટાટા મોટર્સે ટેન્ડરમાં દર્શાવેલી વિગતથી હલકી કક્ષાનું એન્જિન સાથેની મિડીબસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથે એફઆઈઆર કરવા વિનંતી સાથેની ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની મધ્યસ્થ કચેરીના ખરીદ નિયામક અમરિશ એ. પટેલે ફરિયાદ કરી છે.