ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસઃ ત્રણથી ચાર વર્ષમાં એક કા ડબલ કરાવી શકે

અમદાવાદ,તા:૧૩

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં છેલ્લા થોડા દિવસથી ખાસ્સી ચર્ચામાં શેર આવી ગયો છે. અત્યારે તેની સ્ક્રિપનો ભાવ 1986-87ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. તેના પરિણામે તગડા આવવાની અપેક્ષા હતી. આ ઊંચી અપેક્ષા પ્રમાણે તેના પરિણામો ન આવતા તેના શેરના ભાવમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવમાં આ ઘટાડો નવા શેર્સ ખરીદવા માટેનો મજબૂત મોકો હોવાનું નિષ્ણાતો માને છે. કંપની સંગીન જ છે. તેનો વાર્ષિ નફો રૂા.30,000 કરોડથી વધારેનો છે. કંપનીએ શેરદીઠ રૂા.5નું ડિવિડંડ અને રૂા.40નું સ્પેશિયલ ડિવિડંડ આપીને કુલ શેરદીઠ રૂા.45ના ડિવિડંડની જાહેરાત કરી છે. હજી ઓક્ટોબરના અંત પૂર્વે વધુ ડિવિડંડની આગામી દિવસોમાં જાહેરાત થવાની સંભાવના છે. પરિણામે તેમાં લેવાલી કરવાની સલાહ તમામ નિષ્ણાતો આપી રહ્યા છે.

તેમની આ સલાહ ખોટી પણ નથી. તેની આર્થિક સ્થિતિની સંગીનતા જોતાં તેમાં દરેક ઘટાડે વધુ ને વધુ રોકાણ કરવાની તક ઝડપી લેવા જેવી છે. છેલ્લા બાવન અઠવાડિયામાં જ ટીસીએસના ભાવ રૂા.2290ના ટોપ અને 1929ના તળિયાને જોઈ ચૂક્યો છે. અત્યારે તેનો ભાવ રૂા.1986-87નો છે, જે તળિયાની સપાટીની નજીક ગણાય. તેનો ભાવ બાવન અઠવાડિયાના તળિયાની સપાટીને તોડે તેવા કોઈ જ નિર્દેશ મળતા નથી. કંપનીના શેરનું બજાર મૂડીકરણ રૂા.7,45,617.60 કરોડનું છે. આઈટી ઉદ્યોગનો પીઈ રેશિયો 21.70નો છે. તેની સામે ટીસીએસનો પીઈ રેશિયો 23.56નો છે. કંપનીની શેરદીઠ કમાણીની તુલનાએ કંપનીના શેરનો વર્તમાન બજાર ભાવ શું છે તેનો નિર્દેશ પીઈ રેશિયો આપે છે. દર વખતે પીઈ રેશિયો ઊંચો હોય તો તે સારો જ ગણાતો નથી. પરંતુ પીઈ રેશિયો સારો હોય તો તે સ્ક્રિપમાં ઇન્વેસ્ટ કરનારાઓ કંપની વધુ સારી કમાણી કરશે તેવી આશા બાંધે છે. આમ ઇન્વેસ્ટર્સની કંપની પાસેની અપેક્ષા ઊંચી જાય છે. બીજું, પીઈ રેશિયો ઊંચો હોય તો શેરનો ભાવ તેના નોર્મલ હોવા જોઈતા ભાવ કરતાં ઊંચો હોવાનો પણ નિર્દેશ આપે છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો પીઈ રેશિયો ઊંચો હોય તો શેર ઓવર વેલ્યુડ હોવાનું પણ માનવામાં આવે છે. કંપનીની શેરદીઠ કમાણી રૃા.84.33ની છે. તેની સામે તેનો બજાર ભાવ રૂા.1987ની આસપાસનો છે. એટલે કે તેની શેરદીઠ કમાણીના 23.56 ગણો છે. કંપનીના શેરની બુક વેલ્યુ રૂા.210.26ની છે. કંપનીની અસ્ક્યામતોના મૂલ્યમાંથી કંપનીના માથા પરની આર્થિક જવાબદારીઓની બાદબાકી કરતાં જે મૂલ્ય જોવા મળે તેને શેરદીઠ વિભાજન કરતાં જે રકમ મળે તેને કંપનીની બુક વેલ્યુ ગણવામાં આવે છે.

ટીસીએસનો માથે દેવાનો કોઈ જ બોજ નથી તે પણ તેનું એક સૌથી મોટું જમા પાસું છે. આ કંપનીનું બીજું મોટું જમા પાસું હોય તો તે રેગ્યુલર ડિવિડંડ આપતી કંપની છે. જૂન 2019ની સ્થિતિએ કંપનીના પ્રમોટર્સના હાથમાં તેના શેર્સનું 72.05 ટકા હોલ્ડિંગ છે. જૂન 2018માં કંપનીનું હોલ્ડિંગ 71.92 ટકા હતું. જોકે આ ગાળામાં એફઆઈઆઈનું હોલ્ડિંગ ઘટ્યું છે. 16.05થી ઘટીને 15.88 ટકાની સપાટીએ આવ્યું છે. કંપનીનો ત્રિમાસિક ગાળાનો સરેરાશ નફો રૂા.8000 કરોડથી વધુનો રહેતો હોવાનું જૂન 2018થી અત્યાર સુધી જોવા મળ્યું છે. જોકે વિશ્વના દેશોના અર્થતંત્રો મંદીની મજબૂત ગિરફ્તમાં આવી રહ્યા હોવાની બાબત આગામી ત્રિમાસિક ગાળામાં નકારાત્મક જોવામાં આવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરની નકારાત્મક અસર વૈશ્વિક વેપાર પર જોવા મળી શકે છે. સ્થાનિક સ્તરે પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક નબળી પડતાં માહોલ બગડ્યો છે. બીજી તરફ કોર્પોરેટ ડિફોલ્ટર્સ હજીય વધે તેવી ધાસ્તી જોવા મળી રહી છે. સરકારે કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો કર્યો હોવા છતાંય બજારમાં તેની મોટી પોઝિટીવ અસર જોવા મળી નથી. તેમ છતાંય ટીસીએસના એક દસકાના પરફોર્મન્સ જોતાં તેના પર બહુ જ મોટી અસર આવે તેવી સંભાવના જોવા મળતી નથી. હા, તેના નફાનું ધોરણ થોડું નીચે આવી શકે છે. નબળા માહોલ વચ્ચેય ક્વોલિટી કંપનીના પરફોર્મન્સ પર અવળી અસર નહિ આવે તેવું કહી શકાય તેમ છે. હા, ટેક્નિકલ નોલેજ ધરાવનારાઓ માટેના વિઝાના નિયમોને વધુ કડક બનાવવામાં આવતા ટીસીએસ પર થોડી અસર આવી શકે છે. તેના ગ્રોથ અને માર્જિન પર અસર આવી શકે છે. જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનું પરફોર્મન્સ અપેક્ષા કરતાં ઊણું ઉતર્યું છે. તેથી આ કંપનીના ભાવિ પરફોર્મન્સ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2019-20 અને 2020-21ના વર્ષમાં દસ ટકાથી વધુ ગ્રોથ મેળવવો કંપની માટે કઠિન બની શકે છે. ભારતમાં પણ ડિજિટાઈઝેશન વધી રહ્યું હોવાથી આઈટી કંપનીના ગણિતોમાં પોઝિટીવ પરિવર્તન આવી ગયું છે. ડિજિટાઈઝેશનના બિઝનેસમાંથી તેની આવકમાં વધારો થવાનો સારો અવકાશ છે.

ટીસીએસની 2017-18ની વાર્ષિક આવક રૂા.1,03,159 કરોડની થઈ હતી અને ચોખ્ખો નફો રૂા.25,880 કરોડનો થયો હતો. તેની સામે 2018-19ના વર્ષમાં કંપનીની કુલ આવક રૂા.1,30,798 કરોડની થઈ હતી. તેમાંથી ચોખ્ખો નફો રૂા. 31.562 કરોડનો હતો. 2019-20ના વર્ષમાં તેની વાર્ષિક આવક રૂા. 1,40,000 કરોડની નજીક પહોંચી જવાની ધારણા છે. અને નફો રૂા.33,000 કરોડની નજીક પહોંચવાની આપેક્ષા છે. આ સ્થિતિમાં આ કંપનીના શેર્સમાં વર્તમાન બજાર ભાવે અને દરેક ઘટાડો રોકાણ કરી લેવા જેવું છે. આગામી ત્રણ ચાર વર્ષમાં આ રોકાણ પર તગડું વળતર મળવાની સંભાવના રહેલી છે.