રાજકોટ,તા:૧૩ યુવાનોમાં ટિકટોક વીડિયો હાલમાં ખૂબ હોટ ફેવરિટ થઈ રહ્યા છે. જેમાં મનોરંજનની સાથે બીભત્સ મેસેજ આપતા વીડિયો પણ જોવા મળે છે. આવા જ એક બીભત્સ વીડિયોના કારણે યુવાનને માર મારવામાં આવ્યો. યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
ટિકટોક વીડિયો જે યુવાનોને મનોરંજન પિરસવાની સાથે બીભત્સ વીડિયો પણ પિરસે છે. માલવિય નગરના યુવક ઋત્વિકને આવા વીડિયોના કારણે પ્રોવિઝન અને પાનના ગલ્લાના માલિકે એટલી હદે માર માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. માલવિયનગરમાં રહેતો 19 વર્ષીય ઋત્વિક મોડીરાત્રે મસાલો ખાવા માટે જીવણભાઈના ગલ્લે ગયો હતો, જ્યાં યુવકે ટિકટોકનો વીડિયો શરૂ કરતાં શરૂઆતમાં ગુજરાતી ગીતો વાગ્યાં હતાં, પરંતુ એકાએક ગાળાગાળી સાથેના વીડિયો શરૂ થઈ જતાં દુકાનમાલિક જીવણભાઈ આ મુદ્દે ઉશ્કેરાયા હતા, અને ઋત્વિક સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
જો કે બાદમાં ભૂલ સમજાતાં સમાધાન માટે માફી માગવા અગાશી પર ગયેલા ઋત્વિક સાથે જીવણભાઈએ ફરીથી ગાળાગાળી કરી છુટ્ટી ઈંટનો ઘા કર્યો હતો, જેમાં ઋત્વિકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઋત્વિકને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં માલવિયનગર પોલીસે ઋત્વિકની ફરિયાદ નોંધી હતી, જેના પગલે દુકાનમાલિક જીવણભાઈ સામે તપાસ હાથ ધરવામાં આવી છે.