ટેકનોલોજીના સથવારે ખેતી કરતા વીરપુરના ડીજીટલ ખેડૂત અરવિંદભાઈ ગાજીપરા

અમદાવાદ,તા.26 

આજે પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવષ્કાર થઈ રહ્યો છે ત્યારે આ દેશના અર્થતંત્રમાં જેનો અગત્યનો હિસ્સો છે તે કૃષિ ક્ષેત્ર પણ આમાથી બાકાત નથી. આજે ખેડૂત ખેતીમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ તરફ વળતો થયો છે. માત્ર કાંડાની મહેનત જ નહી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સથવારે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક કરતો થયો છે.  આધુનિક માર્કેટ યાર્ડ, માર્કેટના રોજેરોજના ભાવ વગેરે દૈનિક પેપર, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ દ્વારા જાણતો થયો છે. તેનામાં ખેત પેદાશોની મૂલ્યવૃદ્ધિ અને તેની સમજ વિકસી છે. ટેકનોલોજીના સથવારે ખેતી કરીને સારી આવક મેળવતા આવા જ એક ખેડૂત છે અરવિંદભાઈ ગાજીપરા. સૌરાષ્ટ્રમાં જલારામ બાપાની જગ્યાથી પ્રખ્યાત બનેલા વિરપુરના આ પ્રગતિશીલ ખેડૂતે જો આવડત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણયુકત કોઠાસુઝ હોય તો કેવી રીતે ઉતમ ખેતી થઈ શકે તેનું ઉદાહરણ પુરુ પાડયું છે. 

 ડીજીટલાઈઝેશન સંશોધનથી ઘર બેઠા જ ખેતર પર નજર

Read More

અરવિંદભાઈ ગાજીપરાની ટેકનોલોજી આધારિત ખેતીમાંથી અન્ય ખેડૂતોને પણ એક નવો રાહ મળી શકે તેમ છે. તેમની ખેતીની વિશીષ્ટતા એ છે કે ખેતરમાં તેણે એક એવી વ્યવ્સ્થા ગોઠવી છે કે જેનાથી તેઓ ઘરે બેઠા જ પોતાના ખેતરમાં બાજ નજર રાખી શકે છે. ખેતરમાં કિંમતી સાધન સામગ્રી પર નજર રાખવા તેઓએ ખેતરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે. અરવિંદભાઈ મોબાઈલની એક ઘરે બેઠા જ મોબાઇલથી ખેતરમાં પાણીની મોટર ચાલુ કરીને પાકને પિયત કરાવી શકે છે.  ખેતરમાં વિજળીની સમસ્યાને કારણે તેમણે ખેતરમાં ગોઠવેલી સોલાર સીસ્ટમને પણ મોબાઈલ સાથે કનેકટ કરી દીધી છે. આમ સમગ્ર ખેતરનું કામકાજ તેઓ એક મોબાઈલથી કરે છે.

શું કહે છે અરવિંદભાઈ?

આ ટેકનોલોજીયુકત ખેતી અંગે જનસતાએ અરવિંદભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મોબાઈલ વડે ટીવી, લાઈટ વગેરે ચાલુ કરવા માટેની મોબાઈલ એપ્લીકેશન મે રાજકોટના મારા એક મિત્ર પાસેથી જ ખરીદી લીધી હતી. આ એપ્લીકેશન માટે જરુરી એવી ઈલેકટ્રોનીક સર્કિટ મે તેલંગણા રાજયમાંથી મંગાવી હતી. રાજકોટમાં છ હજારમાં મળતી આ સર્કિટ ત્યાથી માત્ર રુ.1200માં મને મળી ગઈ હતી. છ હજારની સર્કીટમાં માત્ર એક જ સાધન ચાલી શકે ત્યારે સસ્તા દરની  આ એક જ સર્કીટમાં હું અત્યારે બે મોટર, વાડીની લાઈટ, ઝટકા મશીન સહિતના આઠ સાધનો ચલાવુ છું. આ ઉપરાંત આ સીસ્ટમથી હું સોલારની મોટરને પણ ગમે તે સ્થળેથી ચાલુ કે બંધ કરી શકુ છું.

સમય અને નાણાની બચત

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે હાલ ચાલીસ વિઘાના કપાસના ખેતરમાં હું એકલો કામકાજ સંભાળી શકુ છું. આ સીસ્ટમથી ઘર બેઠા કોઈ પણ સ્થળેથી જરુરી કલાકો મુજબ પાકમાં પિયત પણ કરી શકુ છું.  મારે વાડીએ આવવાની કોઈ જરુર પણ રહેતી નથી. આ વર્ષે ખેતરમાં 300 થી 400 મણ કપાસનું ઉત્પાદન થઈ શકયુ છે. આમ સમય અને નાણાના બચાવ સાથે મબલખ પાક પણ મેળવી શકાય છે.  આ સાથે તેમણે ખેતરમાં સોલાર સીસ્ટમના ઉપયોગ પર પણ ભાર મુકતા જણાવ્યુ હતુ કે જયારે નિશુલ્ક ધોરણે સોલાર ઉર્જા મળતી હોય તો પછી તેનો ઉપયોગ ખેડૂત કેમ નથી કરતો?

જો ખેડૂત આવી રીતે થોડુ વિચારશે તો જ તે આગળ આવશે.

સન્માન

અરવિંદ ભાઈએ કૃષિ ક્ષેત્રમાં અપનાવેલી ડીજીટલ ટેકનોલોજીમાંથી અન્ય ખેડૂતોને પણ નવી રાહ મળી છે. સ્માર્ટ વર્કથી અન્ય ખેડૂતોને પ્રેરણા આપતા અરવિંદભાઈને જેતપુરમાં આયોજીત કૃષિ મહોત્સવમાં ડીજીટલ ખેડૂતથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Bottom ad