ટેટીમાં 10 વર્ષમાં 10 ગણું ઉત્પાદન મેળવતું ડીસા

બનાસકાંઠાના ખેડૂતો બટાટા, પપૈયા, દાડમ, સરગવાની ફળી, તડબુચ, ટેટીની ખેતી કરી સારી એવી કમાણી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ગુજરાતમાં બટાટાના વાવેતરની શરૂઆત ડીસાની બનાસ નદીમાં વિચરતી જાતિ દ્વારા શરૂ થઈ હતી. પહેલા બનાસ નદીમાં શક્કર ટેટી અને તડબૂચ વાવવામાં આવતા હતા. નદી સુકાઈ જતાં નદીની ખેતીની પરંપરા તૂટી અને ખેતરોમાં રોકડીયા પાક શક્કર ટેટીની ખેતીમાં 2011થી થવા લાગ્યું છે. 2008માં અહીંના કેટલાંક ખેડૂતો ઈઝરાયલ ખેતી શિખવા માટે ગયા પછી અહીં થોડા ખેડૂતોએ ટેટીની ખેતી શરૂ કરી હતી. જેના આજે 10 વર્ષ થયા છે અને એક દાયકામાં ટેટીનું વાવેતર વધ્યું છે.

2015માં 467 હેક્ટર વિસ્તારમાં ખેતી થતી જેમાં 5838 ટન ઉત્પાદન થયું હતું. 2018માં તે વાવેતર 10 ગણુ વધીને 5 હજાર હેક્ટર થઈ ગયું હતું. આ વર્ષે તે વધીને 7 હજાર હેક્ટર બનાસકાંઠા અને ગુજરાતમાં 10 હજાર હેક્ટર સુધી પહોંચે એવી ગણતરી કૃષિ બાગાયત વિભાગની છે., સાબરકાંઠામાં 1 હજાર હેક્ટર, જામનગરમાં 1 હજાર હેક્ટર વાવેતર થાય છે. હેક્ટરે 35 થી 40 ટન શક્કરટેટીનું ઉત્પાદન થાય છે. હેકટર  દીઠ વાવેતર ખર્ચ આશરે દોઢ લાખ રૂપિયા  જેટલો ખર્ચ થાય છે.

ડીસાની ટેટીની મીઠાશ હોવાથી તેની માંગ સારી રહે છે. બજાર ગરમ રહે છે. વિદેશમાં નિકાસ થાય છે. 2500 હેક્ટરમાં ટેટીનું વાવેતર માત્ર ડિસામાં જ થાય છે. ઉનાળુ ખેતીમાં શક્કર ટેટીનું વાવેતર માર્ચની શરૂઆતમાં કરી દેવામાં આવ્યું છે. ડીસા તાલુકાના નાની આખોલ ગામના ખેડુત રમશેભાઇએ ઉનાળું સીઝન ગોલ્ડન ગ્લોરી જાતની સક્કર ટેટીનું વાવેતર ટપક સિંચાઈથી કર્યું હતું. ઉનાળાના 60  દિવસમાં 1 વિઘા દીઠ રૂ.70 હજાર જેવું ઉત્પાદન મળે છે. એક બીયાંમાં 3 વેલા નીકળે છે. એક વેલાનું 18થી 20 નંગ ફળ થાય છે. એકરે 18થી 20 ટન સરેરાશ થઈ શકે છે. 1 કિલોના ભાવ રૂ.10થી 30 સુધી મળે છે.

હવે ફરી એક વખત ખેડૂતો બટાટા, બાજરી, મગફળીની ખેતી છોડીને હવે ટેટીની ખેતી તરફ જઈ રહ્યાં છે. ડીસા તાલુકાની જમીન શક્કરટેટીને સારી માફક આવે છે. જૈવિક ખેતી અને દેશી છાણીયું ખાતર વાપરીને ડિસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના ખેડૂત ખેતાજી સોલંકીએ 7 વીઘા જમીનમાં રૂ.1.21 લાખનો ખર્ચ કરી 130થી 140 ટન ગોલ્ડન ગ્લોરી શક્કર ટેટીનું ઉત્પાદન મેળવીને 2018માં રૂ.21 લાખની કમાણી કરી હતી. શક્કર ટેટીના વેચાણ માટે ખેડૂતોનો માલ ખેતરથી જ વેચાઈ જાય છે. અમદાવાદ, જમ્મુ કશ્મીર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને બીજા રાજ્યો તથા દુબઈ સુધી માલની નિકાસ થાય છે. રોજના 200 ટ્રક શક્કરટેટી અને તરબુચના રાજ્યની બહાર ડીસાથી જાય છે. છાણ, ગૌમૂત્ર જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ ડીસામાં થવા લાગ્યો છે. અહીં દૂધ માટે ગાય અને ભેંસની સારી એવી સંખ્યા હોવાથી છાણીયા ખાતરનું સારું ઉત્પાદન થાય છે.

બટાટાની ખેતીમાં 4 વર્ષથી મંદી હોવાથી અને છેલ્લાં 10 દિવસથી બટાટાના ભાવ નીચે જતાં ખેડૂતો ખોટનો ધંધો કરી રહ્યાં છે. તેથી ખેડૂતો હવે બટાટાથી ટેટી તરફ જઈ રહ્યાં છે. બટાટા પકવતા ખેડુતોની હાલત શું છે તેનાં પર ક્યારેય નેતાઓ એ ધ્યાન નથી આપ્યું. સીઝનમાં હંમેશની માફક વેપારીઓએ માંગ ઘટાડી દેતાં  20 કિલો રૂ.40 થી રૂ.80માં માલ ખોટ કરીને વેંચવો પડે છે.