રાજકોટ તા. ૧૯: નાણાનું રોકાણ કરીને તગડા કમિશનની લાલચ આપીને અનેક લોકો સાથે છગાઇ આચરવામાં આવી છે. ઓઇએન ટેલિકોમ કંપનીમાં રોકાણ કરી ૬ ટકા લેખે કમિશન મળવો તેવી મોટીમોટી વાતો કરીને શહેરના ખાદીભવન પાસે ઓફિસ ધરાવતાં બોટાદના તરઘરા ગામના યુવાન સાથે રૂ. 65.75 લાખની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જામનગર રોડ પર રહેતાં શખ્સે છેતરપિંડી કરતાં આ સમગ્ર પ્રકરણની એસઓજીએ તપાસ કરી હતી. હવે આ કેસની ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.
સૌરાષ્ટ્રભરમાં અનેક સાથે કરોડોમાં છેતકરિંડી થઇ હોવાની પણ ચર્ચા છે. બોટાદના તરઘરા ગામે મોબાઇલ ફોનનો વેપાર કરતાં પ્રદિપ ખાચરની ફરિયાદ આધારે જામનગર રોડ પર શ્રીપાર્કમાં રહેતાં દેવાંગ ચુડાસમા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ઠગાઇનો ગુનો નોંધાયો છે. ભોગ બનેલા ફરિયાદી પ્રદિપ ખાચરે ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં સના આર્કેડમાં બેસી મોબાઇલનું કામ કરતાં હોઇ શ્રીપાર્કના દેવાંગ ચુડાસમા સાથે ઓળખાણ થઇ હતી. દેવાંગે પોતાની ઓઇએન ટેલિકોમ કંપનીમાં પૈસા રોકાણ કરવાથી અને સાથે ધંધો કરવાથી કમિશન પેટે રોકાણના ૬ ટકા જેવી રકમ મળશે તેવી લોભામણી લાલચ આપી હતી. વાતોમાં ભોળવીને વિશ્વાસ ઉભો કરતાં પ્રદિપભાઇએ પોતાના તથા સગા સંબંધીઓના અને પરિચીતો પાસેથી કુલ રૂ. ૬૫,૭૫,૦૦૦ દેવાંગ ચુડાસમાને આપ્યા હતાં. આ રકમ તેણે ઓઇએન ટેલિકોમના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તેમજ કટકે કટકે રોકડા સ્વરૂપે આપી હતી. પરંતુ કમિશન આપવાનો સમય થયો ત્યારે દેવાંગ ચુડાસમાએ પોતાનો ધંધો બંધ કરી દીધો હતો અને પ્રદિપભાઇએ રોકાણ કરેલી રકમ પરત ન આપતાં અંતે પોલીસને જાણ કરવામાં આવતાં ઠગાઇનો ગુનો નોંધાયો છે. પોલીસે ભેજાબાજ દેવાંગ ચૂડાસમાની તપાસ શરૂ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.