ટેસ્ટ ઓફ ઈન્ડિયા – અમૂલનું 450 કરોડનું ચીજ કૌભાંડ, 19 મહિનામાં તપાસ ન થઈ

૩૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અમૂલ ડેરીના ૭૪મા સ્થાપના દિવસ અને ૧૪૪મી સરદાર પટેલ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં અમૂલડેરીની નવી યોજનાઓ, બીજા રાજ્યોમાં પ્લાન્ટ નાંખવા કે વિસ્તરણની માહિતી દૂધ મંડળીઓના સૌ પશુપાલકોને આપી હતી. પશુપાલકોને વિશ્વાસ અપાવ્યો હતો કે આવનારા બે વર્ષો ડેરીઉધોગના રહેશે તેમજ દૂધના વધુ સારા ભાવો ચૂકવાવામાં આવશે. આર.સી.ઈ.પી. સંબધિતે એવું કોઈ પગલું નહીં ભરાય કે જેથી ભારતના પશુપાલકોનું હિત જોખમાય. દૂધ ઉત્પાદન વધારવું પડશે તેથી સારી નશ્લની ઓલાદો રાખવી, લીલા તથા સૂકા ઘાસચારાનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. ૨૫ થી ૩૦ સારી નશ્લના પશુઓ રાખી વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત કરી માસિક રૂ.૫૦ હજારથી વધુની આવક કરી શકે છે. એવું અમૂલની સમાચાર યાદીમાં જણાવાયું હતું.

મુખ્ય મહેમાન ડૉ.આર.એસ.સોઢી, રામસિંહ પરમાર, સંઘના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર હાજર તો હતા પણ તેઓએ કરોડો રૂપિયાના અમૂલ ડેરી કૌભાંડ અંગે તપાસ કરીને કોની સામે પગલાં લેવાયા તે અંગે કોઈ જાણકારી આપી ન હતી.

તસવીર – રામસિંહ પરમાર, સંઘના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર

અમૂલ ડેરી કૌભાંડમાં કોઈ પગલાં નહીં 

અમૂલમાં રૂ.450 કરોડનું ચીજ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એપ્રિલ 2018માં બહાર આવ્યું હતું. આ કૌભાંડને પગલે 31મી માર્ચના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે. રત્નમે રાજીનામું ધરી દીધું હતું. તેમાં તપાસ કરવાની સીધી જવાબદારી ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને સહકાર પ્રધાનની સરકારની હોવા છતાં તેમાં કોઈ તપાસ થઈ નહીં અને જે કૌભાંડ થયું હતું તેના પર પડદો પાડી દેવાયો છે. 19 મહિના થયા છતાં ભાજપની સરકાર કે અમૂલે શું પગલાં ભર્યા તે જાહેર કર્યું નથી.

સહકાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, અમૂલ ડેરી તપાસ કરી રહી છે. જેમાં ગુજરાત સરકારના સહકાર વિભાગ કોઈ હસ્તક્ષેપ કરવા માગતો નથી. આમ અમૂલ ડેરી અને હવે સરકાર પણ આ મોટા કૌભાંડથી હાથ ઊંચા કરીને સફેદ દૂધના ધંધાને કાળો કરી કહી રહી છે.

મંજૂરી વગર 800 કરોડના કામ

2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ.800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. 2012માં ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. એ વખતે ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતા. 2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા કૌભાંડ શરુ થયું હતું.

અમૂલનું ચીજ ખરીદી કૌભાંડ 

કરોડો રૂપિયાના ચીજ ખરાદી કૌભાંડમાં કેરળની એક કંપની પાસેથી બારોબાર ચીઝની ખરીદી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા દૂધ સહકારી ઉત્પાદન સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમના પર કરોડોનાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારની તપાસથી બચવા માટે કે. રત્નમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. અમૂલ ડેરી છુપાવવા માંગતી હતી જે આખરે સફળ રહી છે. અને અમૂલના ઓડિટ રિપોર્ટમાં એવું સ્પષ્ટ કહેવાયું છે કે હિસાબ બરાબર છે. તેમાં કોઈ ગોટાળા થયા નથી.

કોણ છે કે. રત્નમ ?

કે.રત્નમની ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરતાં હતા. તેમની વરણી જ ખોટી રીતે થઈ હતી. એક બિન ગુજરાતીને આવા મહત્વના પદ પર નિયુક્તિ ન આપવી જોઈએ એવું ડેરીના કેટલાંક ડિરેક્ટર્સ તે સમયે સ્પષ્ટ રીતે માનતાં હતા. વળી, તેમની પાસે કોઈ ઉચ્ચ ડિગ્રી ન હતી. એટલું જ નહીં તેઓ માત્ર હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થયેલાં છે. આને કારણે તે સંઘના પેટા નિયમો અંતર્ગત ડિરેક્ટર પદ પર રહેવા માટે એકેય રીતે યોગ્ય ન હતા. MDનું પદ મેળવવા માટે એન્જિનિયર કે ટેક્નોલોજીસ્ટ જેવી ઉચ્ચ ડિગ્રી હોવી અનિવાર્ય છે. એટલું જ નહીં કે. રત્નમની નિમણૂક માટે સ્પેશિયલ કેસમાં પેટા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. કે. રત્નમની 2014માં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. મંજૂરી વગર થયેલા કામ અંગે 2012 થી 2016 સુધીના ઓડિટ રિપોર્ટમાં સ્ફોટક વિગતો જાહેર થઈ હોવા છતાં તેમની સામે કોઈ જ પગલાં ત્યારે પણ ભરાયા ન હતા અને 2019માં પણ ભરાયા નથી. ડેરી પર ભાજપના નેતાઓનો હવે સંપૂર્ણ કબજો છે અને જો કૌભાંડને કાયદેસરતા આપવામાં આવે તો ભાજપની બદનામી લોકસભાની ચૂંટણીને કારણે થાય તેમ હોવાથી પ્રકરણ દબાવી દેવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. 2012થી 2016 સુધીના પાંચ વર્ષમાં રૂ.800 કરોડના ડેરીના કામ સરકારની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર થયા હતા. 2012માં ખેડા જિલ્લા સહકારી સંઘમાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. એ વખતે ચેરમેન પદ પર રામસિંહ પરમાર હતા. કહેવાય છે કે રામસિંહ પરમાર નહોતા ઈચ્છતા કે રાજ્ય સરકાર તેના કોઈ પ્રતિનિધિની નિમણૂક કરે. આ માટે તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. 2014માં કે. રત્નમ મેનેજિંગ ડિરેક્ટર બનતા કૌભાંડ શરૂ થયું હતું. રત્નમે ડેરી નજીક જ રૂ.7થી 8 કરોડનો બંગલો બનાવ્યો છે. એક પગારદાર વ્યક્તિ કઈ રીતે આટલો મોંઘી મિલકત વસાવી શકે છે. રૂ.450 કરોડના કૌભાંડ અંગે રાજ્યની રૂપાણી સરકારને તમામ દસ્તાવેજો મોકલીને તપાસ કરવાનું કેટલાંક લોકોએ કહ્યું હોવા છતાં તેમની સામે કોઈ પગલાં ભરાયા નથી. કારણ કે અમૂલ ડેરી પર ભાજપનો કબજો છે. જ્યારે વિરોધી એવા વિપુલ ચૌધરીને મહારાષ્ટ્રને દાનમાં આપેલાં ખાણ દાણ અંગે પરેશાન કરી મૂકવામાં આવ્યા છે. આમ ભાજપ સરકાર પોતાનાને છાવરે છે અને વિરોધીઓની સામે પગલાં ભરે છે.

કેમ રચાયુ હતું ચીજ કૌભાંડ

2014માં કે. રત્નમ મનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. એમડી બન્યા બાદ તેમણે તુરંત કેરળની મિલ્કી મિક્સ કંપનીને ચીઝ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. અંદાજે 8700 મેટ્રિક ટન ચીઝની ખરીદી કરવામાં આવી હતી. અંદાજ પ્રમાણે રત્નમે તેના ત્રણ વર્ષના કાર્યકાળમાં રૂ. 265 કરોડની ચીઝની ખરીદી આ કંપની પાસેથી કરી હતી. બીજી બાજુ, અમૂલ પાસે શ્રેષ્ઠ ચીજ બનાવવાનો પોતાનો 1200 મેટ્રિક ટનનો પ્લાન્ટ છે. અમૂલ ડેરી આણંદના ખાત્રજ ખાતે આવેલા તેના પ્લાન્ટમાં 600 થી 700 કિલો ચીઝનું ઉત્પાદન કરે છે. છતાં બીજી કંપની પાસેથી ચીઝની ખરીદી ઊંચા ભાવે કરવામાં આવી હતી. કે. રત્નમે પોતાની માનીતી કંપનીને ચીઝને ફોર્મ્યુલા લીક કરીને આપી દીધી હતી. કો-ઓપરેટિવ સંસ્થાઓ પાસેથી ચીજ ખરીદવું જોઈતું હતું. તે ખાનગી કંપની કરતાં પણ નીચા ભાવે ચીજ આપવા તૈયાર હતા. બનાસ કેરી સસ્તું ચીજ આપી શકે તેમ હતી. ચીઝ ખરીદી માટે કોઈ જ ટેન્ડર બહાર પાડ્યા વગર કેરળની મિલ્કી મિક્સ કંપનીને ચીઝનો ઓર્ડર આપી દેવાયો હતો. એટલું જ નહીં ચેડાર ચીઝ ખરીદવા માટે આ કંપનીને બજાર કરતા પ્રતિ કિલોએ રૂ. 40થી 50 વધારે ચુકવાયા હતા.

અમૂલ ચોકલેટ કૌભાંડ

ચીઝ જ નહીં ચોકલેટ પ્લાન્ટનું પણ મોટું કૌભાંડ અમૂલે આચર્યું હોવાનો આરોપ છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળ 16 જિલ્લા સહકારી દૂધ સંઘો આવે છે. આ સંઘ તેના 6 લાખ સભાસદોનો બનેલો છે. જેમાં ચીઝ બાદ ચોકલેટનું પણ એક કૌભાંડ સામે આવ્યું છે. મોગર ખાતે અગાઉથી ચોકલેટનો પ્લાન્ટ હતો. પરંતુ ખેડા જિલ્લા સહકારી સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચોકલેટ પ્લાન્ટના નવીનીકરણ માટે રૂ. 50 કરોડ મંજૂર કર્યા હતા. જેનું કામ 2016માં શરૂ થયું હતું. કહેવાય છે કે આ પ્લાન્ટ પર અત્યારસુધીમાં 185 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી.

અમૂલ ડેરીનાં ચેરમેન અને ભાજપના ધારાસભ્ય રામસિંહ પરમારે તે સમયે ભ્રષ્ટાચારનાં આરોપોને ફગાવી દીધા હતા. કે. રત્નમે સ્વૈચ્છીક રીતે જ રાજીનામું આપ્યું છે, કારણ કે તેવો હવે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. તેમણે જીનામું આપતા અમૂલ ડેરીએ તેમના રાજીનામાનો સ્વિકાર કર્યો છે. તેમના સ્થાને જયેન મહેતાને ઈન્ચાર્જ એમ.ડી. તરીકે નિયુકત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

8 હજાર કરોડનો ચોકલેટ પ્લાન્ટ

મોદીએ પ્લાંટનું ખાત મૂહુર્ત કર્યું હતું

ખેડાના મોગર પાસે રૂ.7890 કરોડના ખર્ચે 1 હજાર ટન ચોકલેટ બનાવી શકાય એવો જંગી પ્લાંટ શરૂં કરાયો છે. હવે અહીં રૂ,200 કરોડનો ટેક હોમ રાશન પ્લાંટ નાંખવાની તૈયારી શરૂ કરી છે.

કોણે આરોપ મૂક્યા હતા

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમુલ ડેરીના ડિરેકટર રાજેશ પાઠકે ગંભીર આરોપો મૂક્યા હતા. અમુલ ડેરીમાં ગેરકાયદેસર ભરતી, ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર તથા અમુલ દાણમાં હલકી ગુણવતા અંગે આક્ષેપ કર્યા હતા. તેની સામે ભાજપના ધારાસભ્ય રામમસિંહ પરમારે પત્રકાર પરિષદ બોલાવીને અમૂલને બદનામ કરી રહ્યાં હોવાનું જાહેર કર્યું હતું. જો કે તેમણે આજ સુધી કોઈની સામે બદનક્ષીનો કેસ શુધ્ધા કર્યો નથી. અમુલ ડેરીની સામાન્ય સભામાં એજન્ડાની કાર્યસુચીમાં અસ્પષ્ટતા અને ચોકકસ વિગત દર્શાવવામાં આવતી ન હોવાના આરોપો પણ છે. ડેરીના ડીરેકટર તેજસ પટેલે પણ આરોપો મુક્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં 361 કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી થઇ છે. અમૂલ દાણમાં પ્રોટીન ઓછું આપવામાં આવી રહ્યું છે. દાણની ગુણવત્તા પુરતી હોતી નથી. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ભાજપના બે ધારાસભ્યો ભેગા મળી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

ડેરી ગંભીર પણ નથી

મુંબઈ મોકલાઈ રહેલો અમૂલ ઘીનો રૂ.1.11 કરોડનો જંગી જથ્થો અમદાવાદના અસલાલી પાસે લૂંટી લેવાયો હતો. કન્ટેનરના નિંદ્રાધીન ડ્રાઈવરને માર મારી, બંધક બનાવીને 21,000 કિલો ઘી ભરેલી ટ્રક લૂંટી જવાઈ હતી. બારેજા પાસે કન્ટેનરમાંથી ઘીનો જથ્થો બીજી ટ્રકમાં ઠાલવી લેવાયો હતો. મહેસાણા અને કચ્છના બે રીસીવરને પકડી પાડી 1.11 કરોડનું અમુલ કંપનીનું ૨૧ ટન શુદ્ધ ઘી બજારમાં પગ કરી જાય તે પહેલાં કબજે કરવામાં આવ્યો છે. આવું વારંવાર થઈ રહ્યું હોવા છતાં ડેરી આ અંગે ગંભીર નથી. રાજકોટમાં નમૂના ચકાસતા અમુલ ડાયમન્ડમાં દર્શાવાયેલા 7 ફેટની સામે ફેટ નિકળ્યા હતા. અમુલ ગોલ્ડમાં 6 ફેટ હોવા જોઈએ પણ 5.2 ફેટ નિકળ્યા હતા. રાજકોટની બીજી ડેરી અમુલ માહી, ગોકુલ બ્રાન્ડમાં કેવી રીતે લોકો છેતરાય રહ્યા છે. દુધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે છતાંય રાજ્યનું આરોગ્ય વિભાગ ચુપ છે.

નકલી અમૂલ ધી

બનાસકાંઠાના ડીસામાં બીજી વખત નકલી ઘી ની ફેક્ટરી હમણાં જ ઝડપાઇ છે. બનાસકાંઠા પોલીસે ડીસા તાલુકાના નાની ભાખર ગામેથી નકલી ઘી ની ફેક્ટરી ઝડપી પાડી હતી. મોટા પ્રમાણમાં અહીં અમૂલ અને સાગર બ્રાંડ ઘીના પાઉચ મોટા પ્રમાણમાં પકડી પાડ્યા હતા. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આવું અનેક સ્થળે થઈ રહ્યું છે. છતાં અમૂલ પોતાની બ્રાંડનો વિશ્વાસ વધારવા માટે આવા લેભાગુ લોકોની સામે પગલાં ભરતી નથી કે તેની તપાસ કરવા માટે વ્યવસ્થા તંત્ર નથી. બીજા એક કિસ્સામાં રાજકોટના કોઠારીયા રોડ પર શિવધામ સોસાયટી-૩માં રામેશ્વર ડેરીના ગોડાઉનમાં અમુલ બ્રાન્ડના નકલી ઘીના પેકીંગ કરી તેનું વેંચાણ કરતાં પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં અમૂલ બ્રાન્ડના ઘીના 10 ડબ્બા રૂ.48 હજાર, 500 એમએલ અમૂલ ઘીના 1090 પાઉચ કે જેની કિંમત રૂ.2,07,100 તથા 1 લિટર અમૂલ ઘીના 61 પાઉચ કે જેની કિંમત રૂ.23180 પકડી પાડ્યા હતા. જે કુલ મળીને રૂ.2,78,280નું અમૂલ ઘી મળી આવ્યું હતું. જે અંગે અમૂલે જાણ કરવી જોઈતી હતી પણ તે જાણ તેમણે પોલીસને કરી ન હતી. પોલીસે ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ.ના રાજકોટ બ્રાન્ચના મેનેજને બોલાવીને આ જત્થો બતાવ્યો ત્યારે તેમને ખબર પડી હતી. આવું જ અરવલ્લી જિલ્લાના મોડાસામાં અમૂલનું નકલી ઘી 113 પાઉચ એક કારમાંથી પોલીસે પકડી પાડ્યું હતું. આ અંગે સાબર ડેરીના જવાબદાર અધિકારીઓને જાણ કરતા મોડાસા આવ્યા હતા. અમુલ ડેરીના સીક્યુરીટી અને ખંભોળજ પોલીસે ઉમરેઠ તાલુકાના ઘોળી ગામના નહેરના નાળા પરથી અમુલની દૂધની ટેન્કરમાંથી દૂધ ચોરી કરવાનું કૌભાંડ પકડાયુ હતું. ઉપરાંત સસ્તા દરે ઘીનો જથ્થો વેચાણ અર્થે ક્યા વેપારીઓ પાસે આવે છે તેવી અંગત તપાસના આધારે ગાંધીધામ-કચ્છના અંજાર, વર્ષામેડી ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી પાંચ ટન ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફાર્મહાઉસમાં ઘીનો જથ્થો તેના માલિક યતિન પ્રભુભાઈ કોળીએ ઉતરાવ્યો હોવાની વિગતો મળતાં પોલીસે યતિન કોળીની ધરપકડ કરી હતી.

રાજકીય કબજો

શું છે અમૂલનો ઇતિહાસ? 72 વર્ષ પહેલા આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. એ વખતે તેમનો ઉદ્દેશ ખેડૂતોના હિતનો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. જે રીતે છેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં રાજકીય નેતાઓએ સહકારી ક્ષેત્ર કબજે કરી લીધું છે ત્યારથી કૌભાંડ ડેરીમાં થઈ રહ્યાં છે. એક જ ડેરી નહીં તમામ ડેરીમાં આવા કૌભાંડો બહાર આવ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર એટલા માટે પગલાં ભરતી નથી કારણ કે તેમાં ભાજપના જ નેતાઓ સંડોવાયેલાં છે. અમૂલની સ્થાપનાના 72 વર્ષ બાદ હવે હિતના બદલે અહિત થયું છે. 200 લીટર દૂધથી વેચાણની શરૂઆત કરનારી અમૂલ સહકારી સંસ્થા હવે રૂ.30 હજાર કરોડ કરતા પણ વધુનો ધંધો કરી રહી છે ત્યારે તેમાં રાજકારણીઓ પોતાની બાપીકી કંપનીની જેમ ચલાવી રહ્યાં છે. કૌભાંડ બહાર આવે છે તેને ઢાંકી દે છે. પગલાં ભરતા નથી. સરકાર અને ડેરીના સંચાલકો એક બની ગયા છે. દૂધના સફેદ ધંધામાં પર કાળા ડાઘ આ રાજનેતાઓએ લગાવી દીધો છે. સહકારી ક્ષેત્ર હવે રાજકીય અખાડો બની ગયો છે. 95 ટકા સહકારી સંસ્થાઓ પર ભાજપના કાર્યકરો અને નેતાઓનો કબજો આવી ગયો છે. જે એક દિવસ સહકારી ક્ષેત્રને ડૂબાડી દેશે. અમુલ અને સાગર ડેરી હેઠળ રાજયનાં ૧૮ જિલ્લાઓમાં કો.ઓપરેટીવ મિલ્કત પ્લાંટ ચાલી રહ્યા છે. રૂ.30 હજાર કરોડની પેઢી હવે રાજકીય નેતાઓની પેઢી બની ગઈ છે. સરદારપટેલના માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલ અને ડો.વર્ગીસ કુરિયન અમુલ ડેરીનો પાયો નાંખીને ખેડા જિલ્લા દુધ ઉત્પાદન સંઘ વિશ્વ વિખ્યાત બન્યો છે. પણ તેમાં કૌભાંડો હવે વિશ્વ વિખ્યાત બને નહીં તે માટે તેના પર ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે.

ડેરીની સભા મળી

અમુલ ડેરીની સાધારણ સભા શનિવાર 30 જુન 2018ના રોજ મળી હતી. જેમાં રૂ.6246 કરોડનું ટર્નઓવર થયું હોવાનું જાહેર કરાયું છે. 2019માં પણ એવું જ કરાયું હતું. કલકત્તામાં રૂ.662 કરોડનો અને પુનામાં રૂ.375 કરોડનો ડેરી પ્લાંટ નાંખવાની જાહેરાત કરવામાં આવી છે. આસામ, તામિલનાડુમાં ડેરી શરૂ કરવામાં આવશે. અમુલનું 109 કરોડ કિલો દૂધ પેદા કરીને વિક્રમ સ્થાપિત કર્યો છે. પશુપાલકોને દુધની કિંમત રૂ.783 કિલો ફેટ પ્રમાણે ચૂકવવામાં આવે છે. મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં 28 કરોડ કોલોગ્રામ દૂઘ મળતું થયું છે. જેમાંથી 64 ટકા દૂધ વેચાય છે અને બાકીના દૂધમાંથી અન્યવસ્તુઓ માખણ, ઘી, ચીજ, પનીર, પાઉડર, દહીં, છાશ, આઈસક્રીમ, ચોકલેટ બનાવવામાં આવે છે.