ટોરેન્ટ પાવરની ગુનાહીત બેદરકારી સામે કાર્યવાહી કરવા કમિશનરને લેખિત રજૂઆત

અમદાવાદ,તા.૫
અમદાવાદ શહેરમાં અમપાના શાસકો પણ ટોરેન્ટ પાવરની દાદાગીરીથી વાજ આવી ગયા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ટોરેન્ટ પાવર દ્વારા જાહેર રોડ પર નાંખવામાં આવેલા ખુલ્લા વીજવાયરો અને કેબલો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એક પત્ર દ્વારા એવી રજૂઆત કરી છે કે,શહેરના ભાગવત ચોક-જમાલપુર,સપ્તઋષિ સ્મશાન,બહેરામપુરા,પાલડી ચાર રસ્તા અને આરબીઆઈ,ગાંધીબ્રિજ પાસે ટોરેન્ટ પાવર દ્વારા અમપાની લેખિત પરવાનગી લીધા વિના હાઈવોલ્ટેજ વીજળીના ખુલ્લા વાયરો અને કેબલોનુ ગેરકાયદેસર જોડાણ જાહેર રોડ પર કરવામાં આવ્યુ છે.ખુલ્લા વીજવાયરોને લઈને કરંટ લાગવાથી કોઈના મૃત્યુ કે અકસ્માતની સંભાવના વધી જાય છે.આ પરિસ્થિતિમાં વીજ અધિનિયમ-૨૦૦૩ની કલમ-૬૭,૬૮,૧૪૬,૧૪૯,૧૬૧ અને બીપીએમસી એકટની કલમ-૨(૫૨),૨૦૩,૨૩૦,૨૩૫,૨૩૯,૪૭૮ અને ૪૦૧ મુજબ આ પ્રકારના ખુલ્લા વીજવાયરો અને કેબલો તાકીદે દૂર કરાવી ટોરેન્ટ પાવર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે.