ટ્રાફિકના નિયમો બદલાતાં અને દંડના અનેક ગણા વધારાથી ફફડી ગયેલા વાહનચાલકોની દોડધામ

રાજકોટ,તા.13

વાહન ચાલકો માટે નવા નિયમોની અમલવારીનો સરકારે પ્રારંભ કરાવતાં દેશભરમાં વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ છે. પીયુસી, આર.સી. બૂક, વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના  કાગળિયા હાથવગા કરવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડી કરી મૂકી છે. રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે હેલ્મેટની રેંકડીઓમાં પણ મંડાઇ ગઇ છે.બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ પણ હવે હેલ્મેટનો ધંધો શરૂ કરીને તગડી કમાણી કરવા માંડી છે. આરટીઓ કચેરીમાં પણ એચએસઆરપી નંબર પ્લેટો, લાયસન્સ અને આરસી બૂક માટે વાહન ચાલકોની લાંબી કતારો લાગવા માંડી છે. સોમવારથી રાજ્યની સાથેસાથે રાજકોટમાં વાહન વ્યવહારના નવા નિયમોની અમલવારી થવાની હોઇ એ પહેલા વાહન ચાલકો વાહનને લગતા બધા દસ્તાવેજો મેળવવા માંડ્યા છે અને હેલ્મેટ ખરીદવા માંડ્યા છે. પીયુસી સેન્ટરો પર લાંબી કતારો જામી રહી છે.પીયુસી સેન્ટરના સંચાલકોને પણ તડાકો પડ્યો છે. પાછલા  ચાર દિવસમાં વાહન ચાલકો પીયુસી માટે વધુને વધુ આવી રહ્યા છે. લેમિનેશન વગર પીયુસી કઢાવવાના ૨૦ રૂપિયા અને લેમિનેશન સાથે ૩૦ રૂપિયા લેવામાં આવે છે. અમુક જગ્યાએ પીયુસી સેન્ટર પર વધુ રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે.મહિલાઓ પણ લાંબી લાબી કતારમાં ઉભી રહેતી હોય તેમ દેખાઇ આવે છે. અમુક વાહન ચાલકોએ નવા કાયદાને આવકાર્યો હતો તો મોટા ભાગનાએ આ હેરાનગતિ સિવાય બીજુ કંઇ ન હોવાનો સૂર વ્યકત કર્યો હતો. જો કે ભારે ઉહાપોહ પછી સર પીયુસી કઢાવવાની મુદ્દત ૩૦ સપ્ટેમ્બર સુધી અને એચએસઆરપી નંબર પ્લેટ માટેની મુદ્દત ૧૬ ઓકટોબર કરવામાં આવી છે.