ટ્રાફિક વિભાગે ચાર વર્ષમાં અમદાવાદીઓને 78 કરોડના ઈ-મેમો આપ્યા, માત્ર 24 કરોડની વસુલાત

અમદાવાદ, તા.16
શહેર ટ્રાફિક વિભાગે છેલ્લા ચાર વર્ષમાં ટ્રાફિક સીગ્નલ જમ્પના 78 કરોડ રૂપિયાના દંડના ઈ-મેમો ઈસ્યુ કર્યા છે, પરંતુ વસૂલાત માત્ર 24 કરોડની જ થઈ શકી છે. ભૂતકાળમાં ઈ-મેમોની વસૂલાત માટે માધવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. જો કે, આ વખતે ટ્રાફિક પોલીસે દંડની રકમ નહીં ભરનારા શખ્સોને એક મોકો આપી રહી છે. નોટિસ બાદ પણ જો 10 દિવસમાં દંડની રકમ નહીં ભરવામાં આવે તો વાહન ચાલકનું લાયસન્સ અને આરસી બુક રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

પશ્ચિમ અમદાવાદના ટ્રાફિક ડીસીપી અજીત રાજ્યાણે માહિતી આપતા જણાવ્યું છે કે, જાન્યુઆરી-2015થી ઓક્ટોબર-2019 સુધીના સમયગાળામાં કુલ 78 કરોડ રૂપિયાના ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. જે પૈકી 54 કરોડ રૂપિયાની વસૂલાત થઈ શકી નથી. પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી 35 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 વાહન ચાલકને ટ્રાફિક વિભાગ નોટિસ ફટકારશે. 1400 લોકોને નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવાનો રહેશે અથવા તો સંબંધિત ટ્રાફિક વિભાગના અધિકારીને મળી રજૂઆત કરવાની રહેશે. 10 દિવસમાં દંડ નહીં જમા કરાવનારા ચાલકના વાહનની આરસી બુક અને લાયસન્સને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ડીસીપી રાજ્યાણે એક દાખલો આપતા જણાવ્યું હતું કે, એક કાર ચાલકને 111 ઈ-મેમો મળ્યા છે. જેના દંડની રકમ 38 હજાર જેટલી થાય છે. ટ્રાફિક વિભાગ ઈ-મેમાના દંડની વસૂલાત માટે સ્પેશિયલ રિકવરી સ્કવૉડ બનાવશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ આ કામગીરીમાં જોડાશે.

ખાનગી કંપનીની બસો માટે જાહેરનામામાં સુધારો કરાયો

ખાનગી કંપનીના કર્મચારીઓને લાવવા-લઈ જવા માટે વપરાતી બસોમાં સીટની સંખ્યાને લઈને અનેક વખત ટ્રાફિક પોલીસ સાથે કંપનીને ઘર્ષણ-વિવાદ થતો હતો. અગાઉ પોલીસ કમિશનરે 30 સીટોની ક્ષમતા ધરાવતી ખાનગી બસોને શહેરના માર્ગો પર દોડાવવા માટે મજૂંરી આપી હતી. જો કે, આ જાહેરનામામાં સુધારો કરી પોલીસ કમિશનર એ.કે.સિંઘે 33 સીટની ક્ષમતા ધરાવતી બસોને અમદાવાદ શહેરના માર્ગો પર ચલાવવાની મજૂંરી આપી છે.

21 જંકશન પર 24 કલાક ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેશે

ટ્રાફિક નિયમોના પાલન માટે તેમજ લોકજાગૃત્તિ માટે પશ્ચિમ અમદાવાદના 21 જંકશન પર 24 કલાક માટે ટ્રાફિક સિર્નલ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આશ્રમ રોડ પર આવેલા ઉસ્માનપુરા, ઈન્કમટેક્સ, માઉન્ટ કાર્મેલ, ડીલાઈટ-વલ્લભસદન, નહેરૂબ્રિજ, ટાઉનહોલ, પાલડી, મહાલક્ષ્મી, મહાલક્ષ્મી પાંચ રસ્તા, સી.જી.રોડ પર આવેલા પરિમલ ગાર્ડન, પંચવટી, બોડીલાઈન, ગીરીશ કોલ્ડ્રીંકસ, સ્વસ્તિક, સ્ટેડીયમ અને એસ.જી.હાઈ-વે પરના વાયએમસીએ કલબ, કર્ણાવતી કલબ, પ્રહલાદનગર, પકવાન, હેબતપુર તથા કારગીલ જંકશન પર રાઉન્ડ ધ કલોક ટ્રાફિક સિગ્નલ ચાલુ રહેશે.