ભાજપ પર ડાકોરના ઠાકોર કોપાયમાન થયા હોય તેમ ડાકોર આસપાસ ભાજપની માઠી બેઠી છે. આનંદીબેન પટેલ જુથના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ 20 સપ્ટેમ્બર 2018ના દિવસે ડાકોરના ઠાકોરના દર્શન કરીને બહાર નિકળ્યા તેની સાથે જ તેમની સામે કાળા વાવટા બતાવીને વિરોધ કરાયો હતો. ભાજપના નેતાઓ પ્રજાને પીડતી સમસ્યાઓને નજર અંદાજ કરી રહ્યાં હોવાથી ભાજપનો ચારેબાજુ વિરોધ થઈ રહ્યો છે.
પ્રદૂષણ ફેલાવતી નિકો સલ્ફ કંપનીના યુનિટના ઉદઘાટન કરવા જતાં લોકોએ વિરોધ કર્યો હતો. મંત્રી પાછા જાઓ કંપની બંધ કરોના વિરોધમાં બેનરો અને કાળા વાવટા સાથે આસપાસના રહીશો દ્વારા અને સ્થાનિક મહિલાઓ, બાળકો તેમજ યુવકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રીની સંમતિથી પોલીસે મહિલાઓના ટોળાંને બળજબરીથી વિખેરી નાખ્યા હતા. મંત્રીના લીધે ભાજપ સંગઠનમાં પણ અસંતોષ ફેલાઈ ગયો હતો.
શું છે નિકોટિન વિવાદ
ડાકોરમાં આવેલી નિકોટિન અને કૃષિ પેદાશો બનાવતી નિકો સલ્ફ નામની ફેકટરીના પ્રદૂષણને લઈ અહીંના પીવાના પાણી દૂષિત અને દુર્ગંધ મારતા બન્યા છે. આ કંપનીના પ્રદુષણના કારણે હવામાં પાર્ટિકલ્સ સતત ઉડતાં આસપાસના લોકોને દુર્ગંધ સાથે ચામડીના રોગોના ભોગ બનવું પડે છે. જેને લઈ આ કંપની બંધ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરિયાદ કરી છતાં તેને મંત્રી કૌશિક પટેલ આવતાં ડાકોરના લોકો ભાજપ પર ભડકી ઉઠ્યા હતા. પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. કંપની બંધ કરવી તો બાજુ પર રહી પણ તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ભાજપની રૂપાણી સરકારમાં પોતાનું રાજ ચાલે છે તે બતાવવા માટે પ્રધાનને નવા યુનિટનું ઉદઘાટન કરવા બોલાવવામાં આવ્યા હતા. તેથી ભાજપના લોકો પણ મંત્રી પર ભડકી ઉઠ્યા હતા.
માટી કૌભાંડ છતાં કંપનીની સેવામાં મંત્રી હાજર
ડાકોર નજીક રખિયાલ ગામની હદમાં આવેલ નિકો સલ્ફ કંપની દ્વારા રખિયાલ ગામના તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરાયું હતું. જે માટી આ કંપનીના નવા યુનિટમાં ભરતી કરવા વપરાઈ હતી. આવું મોટું કૌભાંડ હોવા છતાં પ્રધાન કૌશિક પટેલ ઉદઘાટન કરવા માટે હાજર થઈ ગયા હતા. સત્તાવાળાઓને જાણ કર્યાને પોણા બે માસ વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન ભરી ભીનું સંકેલવાની પેરવી થતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
તંબાકુ યુક્ત કેફી પાણી રોજ લોકો પીવે છે
ડાકોર મુકામે નિકો સલ્ફ કંપનીના પ્રદૂષણથી સ્થાનિકોનુ આરોગ્ય જોખમાય રહ્યું હોવાની ફરિયાદ થોડા સમય અગાઉ ઉઠી હતી. સ્થાનિકોએ કંપનીમાં ઝેરી રસાયણનુ ઉત્પાદન થતુ હોવાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થતુ હોવાની અરજી જિલ્લા કલેક્ટરને કરી હતી. કંપની દ્વારા અધિકારીઓ સાથે સાંથગાઠ અને પૈસાના જોરે સર્ટીફીકેટ બનાવડાવ્યા હોવાનો આક્ષેપ યાત્રાધામવાસીઓ કરી રહ્યાં છે. આ કંપની તમાકુનો ભુકો તથા ચુનો બન્ને ભેગા કરી ઝેરી દવાનું ઉત્પાદન કરે છે. ચૂનો તથા તમાકુ ભેગા કરવાથી ખૂબ જ દુર્ગંધ ફેલાઈ છે. આ ઉપરાંત હવામાં તમાકુ અને ચૂનાની રજકણો ભળતી હોવાને કારણે શ્વાસના, ગળાના, ચામડીના રોગો થયા છે. કંપનીનુ કેમીકલ કૂવા અને બોરમાં ભળતાં પીવાના પાણીનોં કલર પીળો અને કથ્થઈ થઈ જાય છે. તેમજ પાણીમાં ફીણ બને છે. પાણીમાં તમાકુનો સ્વાદ આવે છે.
ત્રણ કંપનીઓ 20 ગામોને નુકશાન કરે છે
મહેમદાવાદના અડબોલી અને પહાડીયા ગામેમાં આ સમસ્યા સામે આવી છે. ગામમાં આવેલી ક્રાફ્ટ લીમીટેડ કંપની સામે લોકોનો રોષ ચરમ સીમાએ પહોંચ્યો છે. કંપનીમાં લેમિનેશન શીટ તથા તેને લગતી પ્રોડ્ક્ટ્સ બનાવવામાં આવે છે. આ કંપની દ્વારા ખોટા પુરાવાઓ એ ભ્રષ્ટાચાર આચરીને ફેક્ટરી ઉભી કરવામાં આવી હોવાનો આક્ષેપો ગ્રામજનો કરી રહ્યાં છે. અને કંપનીમાં આવેલા રેસિન પ્લાન્ટ દ્વારા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. તેમજ ફેક્ટરી ગામથી 100 મીટરના અંતરે જ આવેલી છે. જેના કારણે પ્રદુષણની સીધી અસર ગ્રામજનોને થઈ રહી છે. ગ્રામજનોના મતે કંપીની દ્વારા જી.પી.સી.બીમાં ખોટી હકીકતો રજૂ કરી પ્રમાણપત્ર મેળવવામાં આવ્યા છે. વધુમાં આ કંપનીએ આજુબાજુની જમીન પર ક્વાટર તથા અન્ય બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા છે. ફેક્ટરીની પાસે મંદિર તથા વાત્રક નદી આવેલી છે.
બાળકો અને ફળોની વાડી કરમાયા
તેમજ કંપનીના નજીકના વિસ્તારમાં જ શાળા આવેલી છે. જેથી બાળકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. કંપની દ્વારા રેઝીન પ્લાન્ટના ધુમાડા કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોના પાક પર પણ માઠી અસર થાય છે. અને ગામમાં થતાં ફળોના ઉત્પાદન પર મોટી અસર સર્જાય છે.
જોખમી કચરો ઠલવાય છે
ખેડા જિલ્લાના માતર તાલુકાના નગરા, ત્રાજ, ત્રણજા, અસલાલી, માંછેલ, માલવાળા, લીબાંસી ગામોમાં ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નગરા ગામે કલસ્ટર એનવાયરમેન્ટ પ્રાઈવેટ લિમીટેડ દ્વારા જોખમી ઘન કચરાના નિકાલ માટે પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉપર જણાવેલા કેટલાક ગામોમાં ભારે નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. નગરા પાસે આવેલી આ કંપની દ્વારા કચરા અને વેસ્ટેજ ઠાલવાઈ રહ્યા છે હવામાં પણ મોટા પાયે પ્રદૂષણ થઈ રહ્યુ હોવાનું લોકો જણાવી રહ્યા છે.
કંપનીની મનમાની
હવા પ્રદૂષિત થતી હોવાના કારણે આસપાસના કેટલાય ગામોમાં તેની માઠી અસર થઈ છે. ગંધ ફેલાય જાય છે. રાતના સમયે લોકો શ્વાસ લઈ શકતા નથી. મોટી સંખ્યામાં નગરા સહિતના આસપાસના ગામમાં વસતા લોકો હાજર થઈ સરકાર અને કંપની વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ સૂત્રોચાર કર્યા હતા. યાત્રાધામ ડાકોરના ૩થી વધુ ગામો ખાનગી કંપનીની મનમાની સામે લડત ચલાવી રહ્યાં છે. જાખેડ, રખિયાલ અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કંપનીનો ત્રાસ લોકો માટે મોટો પડકાર બન્યો છે.