ડાંગની સંસ્કૃતિનો અણમોલ કલા વારસો જળવાઈ રહે તેમજ છુપી કલા પ્રતિભાઓને યોગ્ય મંચ પુરો પાડી પ્રેરણા,પ્રોત્સાહન અને માર્ગદર્શન તેમજ સ્વાતંત્ર્યની ઉજવણીના ઉમદા હેતુથી જિલ્લાનાં મુખ્ય મથક આહવા (રંગ ઉપવન) ખાતે તા.૨૬મી જાન્યુઆરી ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે કલા મહોત્સવ-૨૦૧૮ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “પ્રયાસ” ગૃપ ઓફ મલ્ટીએક્ટિવીટીઝ, આહવા ના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રીમતિ મનીષાબેન- ર્ડા.વિનોદભાઈ ગાંધી, અતિથી વિશેષ શ્રીમતી અંજલીબેન-શ્રી દેવર્ષિભાઈ પંડયા,શ્રીમતિ યાસ્મિનબેન-શ્રી હનિફભાઈ ધાનાણી,પી.પી.સ્વામીજી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ માં વિવિધ રંગારંગ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
મુખ્ય મહેમાન પદેથી ર્ડા.વિનોદભાઈ ગાંધીએ સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે,જીવનમાં કલાનું ખુબ જ મહત્વ છે.દરેક વ્યક્તિમાં કોઇ ને કોઇ કલાઓ છુપાયેલી જ હોય છે.પરંતુ આ કલાઓને બહાર લાવવાનો પ્રયાસ એક આપણી સૌની સામાજીક જવાબદારી છે.એમના પ્રયાસમાં ક્યાંક ટીકા પણ હશે પરંતુ એમને ટેકાની જરૂર છે માટે કલાની કદર કરી આપણે સૌએ તેમનું સન્માન કરવું જોઈએ.આપણી સંસ્કૃતિના કલા વારસાનું જતન કરીએ.પ્રયોશા પ્રતિષ્ઠાનના પૂજ્ય પી.પી.સ્વામી તેમજ ગાંડાભાઈ પટેલે આર્શીવચન આપતા જણાવ્યું હતું કે “પ્રયાસ” ગૃપે જે પહેલ કરી છે તે ખરેખર સરાહનીય છે.આવુ પુણ્યનું કામ બીરદાવવુ જોઈએ.
“પ્રયાસ” ગૃપના ડાયરેકટરશ્રી ઉત્પલ પુરોહિતે કહયું હતું કે નૃત્ય,સંગીત તેમજ ખેલ ક્ષેત્રે આગળ આવવાનો પ્રયાસ કરનારને એક પ્લેટફોર્મ મળે અને આવા વ્યક્તિત્વને પ્રેરણા,પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડવાનો અમારો પ્રયાસ છે.સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ઠાકર્યા નૃત્ય કરી કડકડતી ઠંડી હોવા છતા દર્શકોને ડોલાવી દીધા હતા.ગીતાંજલી શાળાના નાના બાળકોએ માઈમ,સરકારી વિનયન કોલેજ આહવાની યુવતિઓએ ગરબો,વિજ્ઞાન કોજની કન્યાઓએ મોબાઈલની આડઅસર ઉપર સંદેશ દર્શાવતી મૂક કોમેડી,દીપદર્શન શાળાના વિદ્યાર્થીઓએ સમૂહ ગીત કૃતિ દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા જ્યારે ગાયક કલાકારોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.આ કાર્યક્રમમાં ર્ડા.શ્વેતા ગાંધી અને વિજય વ્યવહારે એ એંકરની ભૂમિકા બખૂબ નિભાવી હતી.જ્યારે આહવાના યુવાન પ્રદીપ સોલંકીએ મ્યુઝિક ડાયરેકટર તરીકે સેવા આપી કલાકારોને કંડારવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. જ્યારે દેવલપાડાના રામુભાઈ(તબલા),હરીભાઈ(કી બોર્ડ) અને નિસર્ગ ચૌધરી (ગિટાર) બજાવી સંગીતની સૂરાવલી રેલાવી હતી.અગ્રણી નગરજનો,શ્રેષ્ઠીઓ સહિત વાસુર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશીએ કલાકારોની કલાઓને રોકડ પુરસ્કાર આપી બિરદાવી હતી. ર્ડા.એજી.પટેલ,આસી..ટી.ડી.ઓ નરેશ પટેલ સહિત આહવાનગરના કલારસિકોએ તમામ કલાકારોને તાડીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. અંતમાં સૌ કલાકારોને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.