અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે. પ્રજા ભલે વેરા ભર્યા કરે પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માટે પગદંડી બનાવે અને પછી ટૂંકી કરાવે છે.
રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જી.આઈ.ડી.સી.માં રામોલ પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર ઈજનેરખાતા ના મહાનુભાવોએ ૭.પ મીટરની ફૂટપાથ બનાવી હતી. ડાકોર જતા પદયાત્રીઓને તકલીફ ન થાય તેવા કારણો તે સમયે આપવામાં આવ્યા હતા.
ડાકોરના પદયાત્રીઓ વર્ષમાં માત્ર ચાર-પાંચ દિવસ માટે સદ્દર ફૂટપાથ નો ઉપયોગ કરે છે. જયારે ૩૬૦ દિવસ ફૂટપાથ પર દબાણ થાય છે. તેથી ફૂટપાથની કપાત કરીને રોડની પહોળાઈ વધારવામાટે સ્થાનિક નેતાઓએ આગ્રહ રાખ્યો હતો. સ્થાનિક નેતાઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે સમજુતી થતી ન હોવાથી ફેબ્રુઆરીમાં મંજૂર થયેલ ટેન્ડરને દસ મહીના બાદ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓના હઠાગ્રહના કારણે ફૂટપાથની પહોળાઈ ઘટાડી ને ૪.પ મીટર કરવામાં આવશે. જેના માટે વધુ રૂ.ત્રણ કરોડનો ખર્ચ થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.