ડાબર ઇન્ડિયા, ધૂળમાં પડેલો હીરો : ટૂંકા ગાળામાં પણ નફો અપાવી શકે

અમદાવાદ, રવિવાર
ડાબર ઇન્ડિયાના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. શહેરી વિસ્તારોની સીમાઓ વટાવીને ગ્રામીણ વિસ્તારમાં પણ તેના ઉત્પાદનોની ડિમાન્ડ વધી રહી છે. હેલ્થ પ્રોડક્ટ્સ વેચતી આ કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો આ હકીકતની ચાડી ખાય છે. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું કુલ વેચાણ નવ ટકા વધીને રૂા.2273.29 કરોડ થયું હતું. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનો ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન 1.5 ટકા વધ્યો છે. આમ તેનો કુલ ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન વધીને 20.1 ટકા થયો છે. કંપની દ્વારા ખરીદવામાં આવતા કાચા માલ અને કરવામાં આવતા પગાર ખર્ચ પછીનો ઓપરેટિંગ પ્રોફિટ રૂા.457.64 કરોડનો થયો છે.

ભારતના 44000 ગામડાંઓમાં તેના પ્રોડક્ટ્સના વેચાણ માટેનું નેટવર્ક તૈયાર છે. આમ શહેરી બજાર ઉપરાંત ગ્રામીણ બજારને કેપ્ચર કરવાના તેના પ્રયાસોના સારા પરિણામ કંપનીને મળી રહ્યા છે. પરિણામે કંપનીનો નફો સતત વધતો રહેવાની આશા બળવાન બની રહી છે. જોકે આ વરસે ચોમાસું સારુ ગયું. છે. તેથી ખેડૂતોના હાથમાં ખર્ચવા માટે સારા પ્રમાણમાં પૈસા રહેવાની સંભાવના છે. તેથી ઓક્ટોબરથી ડિસેમ્બર કે તે પછીના ગાળામાં કંપનીને સારુ વેચાણ મળી રહેવાની ધારણા છે.

સપ્ટેમ્બર 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત આગામી પાંચમી નવેમ્બરે મળનારી બોર્ડની મિટિંગમાં જાહેર કરવામાં આવશે. તેની સાથે જ વચગાળાનું ડિવિડંડ આપવાની જાહેરાત પણ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહેલી મંદીની અસર તેમના પ્રોડક્ટના વેચાણ પર પડતી જોવા મળી રહી છે. તેમ છતાંય તુર્કસ્તાનના બજારમાં તેનો બજાર હિસ્સો વધી રહ્યો છે. તેમાં 40 ટકાનો વિકાસદર જોવા મળ્યો હતો. આંતરર રાષ્ટ્રીય બજારમાં આગામી મહિનાઓમાં માર્કેટમાં વધારો થવાની સંભાવના છે. કંપનીના માર્કેટમાં 9 ટકા સુધીનો વિકાસ જોવા મળી શકે છે.

કંપનીએ ડીએચએલમાં કરેલા રૂા50 કરોડના રોકાણ ડૂબી જવાની સંભાવના વધી છે. આ સંજોગોમાં ડીએચએલના રૂા.50 કરોડના રોકાણ સામે કંપનીએ જૂન 2019ના અંતે થયેલી આવકમાંથી જ રૂા.20 કરોડની જોગવાઈ કરી દીધી હોવાથી તેના ઓપરેટિંગ માર્જિનમાં રૂા. 20 કરોડ ઓછા થયો છે. આમ આગામી છ માસ બાદ કંપની આ માટેની પૂરી પ્રોવિઝન કરી દે તેવી સંભાવના છે. પરિણામે તેની અસર તેના આર્થિક પરિણામો પર જોવા મળશે નહિ. જૂન 2018માં આ પ્રકારની કોઈ જ જોગવાઈ કરવાની કંપનીને ફરજ પડી નહોતી. જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની વાત કરવામાં આવે તો કંપનીએ રૂા.363.12 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

મે 2019માં જાહેર કરવામાં આવેલા ડાબર ઇન્ડિયાના 2018-19ના નાણાંકીય વર્ષના ચોખ્ખા નફામાં 6.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2017-18ની કુલ આવક રૂા.7748 કરોડ હતી તે 2018-19ના વર્ષમાં વધીને રૂા.8533 કરોડ થઈ છે. આમ કુલ આવકમાં 10.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો રૂા.1446 કરોડનો રહ્યો હતો.2017-18ના નાણાંકીય વર્ષનો તેનો ચોખ્ખો નફો રૂા.1358 કરોડનો હતો. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સના તેના બિઝનેસમાં વર્ષ દરમિયાન સરેરાશ 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો. પરિણામે કંપનીના બોર્ડે રૂા.1ની ફેસ વેલ્યુ ધરાવતા તેના શેર્સ પર રૂા.1.50નું ડિવિડંડ આપવાની જાહેરાત કરી હતી. લોકો પાસે રોકડની અછત હોવાથી માર્ચ 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેની ડિમાન્ડમાં માત્ર 4.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ત્રિમાસિક ગાળામા તેનું વેચાણ 4.7 ટકા વધતા તેની કુલ આવક રૂા. 2128 કરોડની થઈ હતી. આ ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 6.5 ટકાના ઘટાડા સાથે રૂા.370 કરોડનો રહ્યો હતો. તુર્કસ્તાનમાં આવેલી ડાબર ઇન્ડિયાની સબસિડિયરી મેસર્સહોબી કોઝમેટીને કરન્સી માર્કેટમાં આવેલી વધઘટને કારણે અંદાજે રૂા.75.34 કરોડનો ફટકો પડ્યો હતો. આ રકમ તેના ત્રિમાસિક ગાળાના પરિણામોમાં એડજસ્ટકરી દેવામાં આવતા તેના ત્રિમાસિક નફામાં 6.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 2018-19ના વર્ષમાં ડાબર ઇન્ડિયાના એફએમસીજીના બિઝનેસમાં 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
નાણાંની અછતને પરિણામે ભારતમાં અને અન્ય વિસ્તારોમાં ડિમાન્ડ ઓછી થઈ રહી હોવા છતાંય કંપનીએ ભારતના ગ્રામીણ વિસ્તારમાં તેના પ્રોડક્ટ્સનું વેચાણ વધારવા માટે ઊભા કરેલા નેટવર્કને પરિણામે ગ્રામીણ વિસ્તારમાં તેનું વેચાણ શહેરી વિસ્તાર કરતાં બમણી ગતિએ વધી રહ્યું છે. ડાબર ઇન્ડિયાના શેરનો વર્તમાન બજાર ભાવ રૂા. 466.50ની આસપાસનો છે. છેલ્લા બાવન અઠવાડિયાની વાત કરવામાં આવે તો સ્ક્રિપના ભાવે રૂા. 357નું તળિયું અને રૂા.469નું ટોપ જોયું છે. તેનું બજાર મૂડીકરણ રૃા.82.504 કરોડનું છે. તેનો પીઇ રેસિયો 63.82નો છે. તેની બુક વેલ્યુ રૃા.22.04ની છે. તેની શેરદીઠ કમાણી રૂા.7ની છે. રૂા.1ની ફેસ વેલ્યુ ધરાવતી આ સ્ક્રિપ પર માર્ચ 2019ના અંતે શેરદીઠ રૂા.1.50નું ડિવિડંડ જાહેર કરવામાં આવ્યું હતું. નવેમ્બરમાં નવું ડિવિડંડ જાહેર થવાની સંભાવના છે. છતાંય પલટાતા બજારના સંજોગોમાં લેવાલી કરનારાઓએ સમજીને પોતાની જોખમ લેવાની તાકાતને ધ્યાનમાં રાખીને વેપાર કરવો જોઈએ.