અમદાવાદ,તા.09
માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના મૂલ્યનિષ્ઠ કોર્પોરેટર જતીન ઝવેર પટેલે એક વર્ષ અગાઉ માર્ગ બનાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન – આઈઓસી પાસેથી બીટયુમીન (ડામર) ખરીદવામાં આવ્યો હોવાનું કૌભાંડ રજૂ કર્યું હતું. જે ડામર ખરીદ કર્યો ન હતો તેના બોગસ બીલ પકડીને કમિશનર સામે ભાજપના આ પ્રમાણિક કોર્પોરેટરે રજુ કર્યા હતા. કૌભાંડની તપાસ બાદ 7 કર્મચારીઓને કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.
અમને હવે કોઈ માહિતી નથી આપતું
બોગસ બીલ રજુ કરી અમપાની તિજારીને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડવા સુધીના ગંભીર કૃત્યને બહાર લાવનારા માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ જતીન પટેલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું, ભાઈ હવે હું અધ્યક્ષ નથી રહ્યો. એટલે કોઈ માહિતી આપતું નથી. કૌભાંડને બહાર લાવી અમપાના નાણાં બચાવવાના કૃત્યની આ તંત્રમાં કોઈને કદર નથી. મને કહે છે, આર ટી આઈ કરો. બોલો અમારે શુ કરવાનું. ડામર કૌભાંડને એક વર્ષ થયું છતાં અમપા કમિશનર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. આઈઓસીના ડામર ખરીદીનું કરોડોનું કૌભાંડ બહાર આવી શકે તેમ હોવા છતાં ફાઈલો પરથી ધૂળ ખંખેરવામાં આવતી નથી. ભાજપના જ ભ્રષ્ટ નેતાઓ આ કૌભાંડ બહાર ન આવે એવું ઈચ્છી રહ્યાં છે.
આજે એક વર્ષ બાદ સમગ્ર પ્રકરણને ખુદ ભાજપના લોકો ભુલી જવા પામ્યા છે
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે તુટેલા રસ્તાઓને તાકીદે રીસરફેસ કરાવવા ગુજરાત વડી અદાલત દ્વારા કડક આદેશ કરાયો હતો. દરમિયાન જે રસ્તાઓ ખામી યુક્ત જણાતાં તુટેલા રસ્તાઓ ફરીથી ઠેકેદાર પાસે જ કરાવવા વડી અદાલતનો આદેશ હતો. જતીન પટેલના ધ્યાનમાં એક એવુ બીલ આવ્યુ જેને લઈને એમને શંકા ગઈ હતી. બાદમાં તેમણે પોતે ગોતા, બોડકદેવ,થલતેજમાં રીસરફેસ કરાઈ રહેલા રોડની કામગીરીની તપાસ કરી હતી. તપાસ બાદ સીધા તેઓ એ સમયના કમિશનર મુકેશ કુમારને મળ્યા હતા. તેમણે કમિશનરને સાફ શબ્દોમાં કહ્યું, આ બીલની તપાસ કરાવો. મને શંકા છે આ બીલ બોગસ છે. કમિશનર મુકેશકુમારે ત્રીજી ઓગસ્ટ-૨૦૧૭ના દિવસે રોડ કોન્ટ્રાકટરો દ્વારા જેટલા પણ બીલો પેમેન્ટની ઉઘરાણી માટે આવ્યા હોય એની યાદી બનાવવાનું કહેતા ૫૦૦ જેટલા બીલો માર્ગ મકાન વિભાગ પાસે આખરી મંજૂરી માટે આવીને પડયા હતા. મુકેશકુમારે આ બીલોનના કરોડો રૂપિયા વિજીલન્સ તપાસ પુરી ન થાય ત્યાં સુધી ન કરવા વિભાગને સુચના આપી હતી. જેમાંથી ૪૦ બીલો પુનઃ ચકાણી માટે માટે આઈઓસીને મોકલવામાં આવતા આઈઓસીએ ૩૯ બીલો બનાવટી હોવાનુ કહી અમપા તંત્રને પરત મોકલ્યા હતા. આમ 99 ટકા બિલો બોગસ કૌભાંડી નિકળ્યા હતા.
પોલીસ કાર્યવાહી કરાઈ
અમપા કમિશનર મુકેશકુમારની સુચનાથી ઠેકેદારો જી. પી. ચૌધરી અને આકાશ ઈન્ફ્રાસ્ટ્રકટર સામે પોલીસ ફરીયાદ કરવા ઉપરાંત બંનેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા.
૪૬ રોડ મામલે મુકેશકુમારે સાતને સસ્પેન્ડ કર્યા
મુકેશકુમારે કુલ સાત ઈજનેરોને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં ડેપ્યુટી સિટી ઈજનેર મનોજ સોલંકી, એસીઈ હીરેન બારોટ, અતુલ પટેલ, નવીન પટેલ, કૃણાલ ગજ્જર, નિકુંજ સાડેસરા અને ભાવિન પટેલને ગોતા, બોડકદેવ અને થલતેજમાં રોડના નબળા કામ અને બેદરકારી સામે સસ્પેન્ડ કર્યા હતા.
કોન્ટ્રાકટર બેદરકાર કેમ?
અમપા દ્વારા શહેરના જે રોડના કામ કોન્ટ્રાકટકરોને આપવામાં આવે છે એમાં ઈ.એમ.ડી.માત્ર પાંચ કે દસ લાખ લેવામાં આવતી હોવાથી કોન્ટ્રાકટરો બેફામ અને બેદરકાર બની જાય છે. એક અધિકારીએ કહ્યુ,એક કરોડના કામમાં કોન્ટ્રાકટરની ડીપોઝીટ જપ્ત કરવાની ધમકી કામ લાગતી નથી.
અમદાવાદ મહાનગરપાલિકામાં ચાલી રહેલા અંધેર વહીવટમાં દલા તરવાડીની પેલી ઉકતિ રીંગણા લઉ બે ચાર જેવી પરિસ્થિતિ છે. વહીવટીતંત્રમાં છેકથી છેક સુધી ભ્રષ્ટાચાર અને કટકી કૌભાંડોનો સીલસીલો યથાવત છે.ભાજપનો તંત્ર ઉપર કોઈ કાબુ નથી.