અમદાવાદ, તા. 19.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એક ડાયમંડ જ્વેલરીના શો રૂમના બિલ્ડીંગના કમ્પાઉન્ડમાંથી જ તેના સેલ્સમેનના હાથમાંથી રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ અને સોનાની બુટ્ટીઓ સહિત રૂ. 7.14 લાખની મત્તા સાથેનું પાકીટ બે ગઠિયા ઉઠાવી ગયા હતા. બકરી પોળમાં રહેતા ધર્મેશભાઈ સોની નવરંગપુરા વિસ્તારમાં સ્વતિક ચાર રસ્તા પાસે હોટલ પ્રેસિડેંટની બાજુમાં માધવ કોમ્પ્લેક્સમાં ‘ગોલ્ડ રૂફ’ નામના ડાયમંડ જ્વેલરીના શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ અને તેના મેચિંગની સોનાની બુટ્ટીઓને રિપેરિંગ કરાવવા માટે સીજી રોડ પર આવેલા સુપર મોલમાં ગયા હતા. જ્યાંથી શો રૂમ આવી રહ્યા હતા ત્યારે તેમના શો રૂમની બિલ્ડીંગના સંકૂલમાં મોંઢા પર રૂમાલ બાંધીને આવેલ એક શખ્સે તેમને અતુલ એપાર્ટમેન્ટ ક્યાં આવેલ છે તેમ પૂછીને તેમના બગલમાં દબાવીને રાખેલા પાકીટને ઝૂંટવીને કમ્પાઉન્ડની બહાર નાસી ગયો હતો. પાકીટમાં રહેલ રિયલ ડાયમંડના સોના જડિત બે પેંડલ તેમજ સોનાની બુટ્ટી મળીને કુલ રૂપિયા 7.14 લાખની મત્તાની બે ગઠિયા ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.