ડિગ્રી એન્જિનિયરિંગમાં પહેલા રાઉન્ડમાં અંદાજે 35 હજાર અને બીજા રાઉન્ડમાં 38 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે અંદાજે 38 હજારથી વધારે બેઠકો ખાલી પડે તેવી શકયતાં છે. આ બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરવા માટે હાલમાં સરકારને ફાઇલ મોકલવામાં આવી છે. સરકારમાંથી જવાબ આવ્યા બાદ ઓફલાઇનનો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. જુલાઇના અંત સુધીમાં ઓફલાઇન રાઉન્ડ પણ પુરો કરી દેવાની તૈયારી પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

ડિગ્રી એન્જિનિયરિંગમાં અત્યાર સુધીમાં પ્રવેશના બે રાઉન્ડ પુરા કરી દેવામાં આવ્યા છે. પહેલા રાઉન્ડના અંતે 32 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. બીજા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકોનો આંકડો વધીને અંદાજે 38 હજારથી પણ વધારે થાય તેમ છે.  પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરવા માટે વિદ્યાર્થીઓને આપેલી સમયમર્યાદા પૂર્ણ થવાની તૈયારીમાં છે. આજે સાંજે એટલે કે મંગળવારે બીજા રાઉન્ડના અંતે કેટલી બેઠકો ખાલી પડી તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. હાલની સ્થિતિ જોતાં 38 હજાર જેટલી બેઠકો ખાલી પડવાની શકયતાં વર્તાઇ રહી છે. આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં હવે પ્રવેશ સમિતિએ ત્રીજો ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કર્યુ  છે. પ્રવેશ સમિતિના સભ્યોના કહેવા પ્રમાણે સમિતિ દ્વારા સરકાર સમક્ષ ત્રીજો રાઉન્ડ શરૂ કરવાની માંગણીની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સરકારમાંથી ઓફલાઇન રાઉન્ડ શરૂ કરવાની મંજુરી આપવામાં આવે તેની સાથે જ ત્રીજા ઓફલાઇન રાઉન્ડના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ત્રીજા રાઉન્ડમાં હાલમાં પ્રવેશ મેળવી ચુકેલા અને બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને જુદા જુદા દિવસોએ અને જુદા જુદા સેશનમાં પ્રવેશ માટે અમદાવાદની પ્રવેશ સમિતિ ખાતે બોલાવીને જે બેઠકો ખાલી પડી છે તે ઓફર કરવામાં આવશે. અ ઓફલાઇન પ્રવેશ કાર્યવાહીમા હાલમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે તેઓ પણ ભાગ લઇ શકશે. આગામી દિવસોમાં પ્રવેશ સમિતિ ઓફલાઇનનો છેલ્લા રાઉન્ડ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા કોલેજોને સોંપી દેવામાં આવશે.