ડિપ્લોમાં ઇજનેરીના વિદ્યાર્થીઓએ તા.૩૧મીથી ૩ સુધીમાં સંમતિ આપવાની રહેશે.

ધો.૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે અત્યાર સુધીમા પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. બે રાઉન્ડ પછી ૩૯ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે હવે આગામી દિવસોમા ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. આ માટે વિદ્યાર્થીઓને તા.૩૧મીથી તા.૩ ઓગસ્ટ સુધી સંમતિ આપવાની સૂચના પ્રવેશ સમિતિ દ્વારા આપવામા આવી છે.

ડિપ્લોમા ઇજનેરીમાં કુલ ૬૭૫૧૭ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ઓનલાઇન પ્રવેશના બે રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. બે રાઉન્ડના અંતે સરકારી કોલેજોમાં ૮૯૫૬ બેઠકો ખાલી પડી છે. જયારે સ્વનિર્ભર ઇજનેરી કોલેજોમાં ૩૦૪૬૦ બેઠકો ખાલી પડી છે. આમ, બન્નેની ભેગી મળીને અંદાજે ૩૯ હજાર બેઠકો ખાલી છે. આ ખાલી બેઠકો માટે હવે નિયમ પ્રમાણે ઓનલાઇન રાઉન્ડ કરવાનુ પ્રવેશ સમિતિએ નક્કી કર્યુ છે.

જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી ચુક્યા છે તે અને જેમને પ્રવેશ મળ્યો નથી તે તમામ વિદ્યાર્થીઓ પૈકી જેઓ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છતાં હોય તેઓએ આવતીકાલ તા.૩૧મીથી લઇને ૩ ઓગસ્ટ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં આ માટેની સંમતિ આપવાની રહેશે. કેટલા વિદ્યાર્થીઓએ સંમતિ આપી છે તેની યાદી આગામી તા.૫મી ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તા.૫મીએ જે આગળની પ્રક્રિયા એટલે કે ઓફલાઇન રાઉન્ડમાં કયા દિવસે કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે રૂબરૂમાં બોલાવવામાં આવશે તેની વિગતો પણ જાહેર કરવામાં આવશે.

ઓફલાઇન રાઉન્ડ થયા પછી જે બેઠકો ખાલી પડશે તે ભરવા માટે જે તે કોલેજોને સોંપી દેવામાં આવશે. ધો.૧૦ના આજે જાહેર કરાયેલા પૂરક પરીક્ષાના પરિણામમાં જે વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે તેઓ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા દેવા અંગે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. પરંતુ અગાઉ જે વિદ્યાર્થીઓનો મેરિટલીસ્ટમાં સમાવેશ થયો હતો તે તમામ વિદ્યાર્થીઓ ઇચ્છે તો સંમતિ આપી શકશે.