ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ 39 હજાર જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી. જે વિદ્યાર્થીઓ ખાલી પડેલી બેઠકોમાં ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તેમને સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયામાં હાજર રહેવાની મંજુરી આપી છે.
પ્રવેશ સમિતિ દ્વારા તા.10 અને 11મી એમ, બે દિવસ ઓફલાઇન રાઉન્ડ કરવાનુનક્કી કરાયુ હતુ. હાલમાં રાજયમાં ચારેબાજુ વરસાદ અને પૂરની સ્થિતિના કારણે તા.10મીથી શરૂ થનારી ઓફલાઇનની પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂર્ણ કયા બાદ ખાલી પડેલી બેઠકો ભરવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવે છે.
ભારે વરસાદથી અંતરિયાળ વિસ્તારના વિધાર્થીઓને મુશ્કેલી
પ્રવેશ સમિતિના સભ્યો કહે છે હાલમાં અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. હાલમાં 1700 વિદ્યાર્થીઓએ અમદાવાદ પ્રવેશ સમિતિમા હાજર રહેવા મંજુરી આપી છે ત્યારે આટલી મોટી સંખ્યામાં સમગ્ર રાજયના જુદા જુદા શહેરો અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ આવવુ શકય નથી.
જો કોઇ વિદ્યાર્થીઓ- વાલીઓ આવવા પ્રયાસ કરે અને વરસાદના કારણે ફસાઇ જાય અથવા તો અન્ય મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે સરકારના આદેશ પ્રમાણે પ્રવેશ સમિતિ દ્વારા તા.10 અને 11મીએ થનારા ઓફલાઇન રાઉન્ડ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પ્રવેશ સમિતિ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. હવે પછીનો ઓફલાઇન રાઉન્ડ તા.15મી ઓગસ્ટ પછી શરૂ કરવામાં આવશે.