ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરીની સરકારી કોલેજોમાં બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓએ નછૂટકે પ્રાયવેટ કોલેજોમાં પ્રવેશ લેવો પડે તેવી સ્થિતિ

ડિપ્લોમા એન્જિનિયરિંગમા હાલમાં ખાલી પડેલી ૩૯ હજાર જેટલી બેઠકો માટે આગામી તા.૧૦મી અને ૧૧મીએ ઓફલાઇન રાઉન્ડ કરવામાં આવશે. આ ઓફલાઇન રાઉન્ડ માટે હાલમાં માત્ર ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓે સંમતિ આપી છે. આ ઓફલાઇન રાઉન્ડ શરૂ થાય તે પહેલા પૂરક પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દેવાયુ હતુ. જેમાં અંદાજે ૭ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. પ્રવેશ પ્રક્રિયામાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ત્રણ રાઉન્ડ પછી ખાલી પડનારી બેઠકો  અને તેમા પણ માત્ર સ્વનિર્ભર કોલેજોમાં જ પ્રવેશ આપવાના વિચિત્ર નિયમના કારણે હાલમાં સરકારી કોલેજોમાં પણ ૯ હજાર બેઠકો ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓએ નછૂટકે સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ લેવો પડે તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે.

ડિપ્લોમા-ડિગ્રી ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયામાં બેઠકોની સામે વિદ્યાર્થીઓની સંખ્યા અનેકગણી હતી ત્યારે કેટલાક નિયમો ઘડવામાં આવ્યા હતા. હવે હજારોની સંખ્યામાં બેઠકો ખાલી પડતી હોવાછતાં સત્તાધીશો જડ નિયમોમાં બાંધછોડ કરવા તૈયાર નથી. હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં ૩૯ હજાર બેઠકો ખાલી છે. આગામી તા.૧૦-૧૧ દરમિયાન ઓફલાઇન રાઉન્ડ કરાશે. ઓફલાઇન રાઉન્ડમાં ભાગ લેવા હાલમા માત્ર ૧૬ હજાર વિદ્યાર્થીઓએ સંમતિ આપી છે. સૂત્રો કહે છે ઓફલાઇન રાઉન્ડમાં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સમાવેશ થઇ શકે તેમ હતો. પરંતુ પ્રવેશમાં માત્ર પ્રથમ પ્રયાસે પાસ હોય તેમને જ તક આપવાના નિયમના કારણે આ વિદ્યાર્થીઓને હાલમાં તક મળી નથી. ઓફલાઇન રાઉન્ડ પછી ખાલી પડનારી બેઠકો પર પૂરક પરીક્ષામાં પાસ, રજિસ્ટ્રેશન ન હોય તેવા વિદ્યાર્થીઓને તક આપવામાં આપવામાં આવશે. પરંતુ આ કાર્યવાહીમાં પણ નિયમ એવો છે કે સરકારી કોલેજોની ખાલી બેઠકો પર સીધા પ્રવેશ અપાતા નથી.

ઓફલાઇન રાઉન્ડ પછી પણ સરકારી કોલેજોની ૮ હજાર જેટલી બેઠકો ખાલી પડે તેમ છે. પરંતુ પૂરક પરીક્ષામા પાસ થયેલા ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ બેઠકોનો લાભ લઇ શકે તેમ નથી. એટલે કે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ ફરજિયાત સ્વનિર્ભર કોલેજોના શરણે જવુ પડે તેમ છે. સૂત્રો કહે છે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઓફલાઇનમાં જ રજિસ્ટ્રેશન છૂટ આપવામાં આવી હોત તો સરકારી કોલેજોની ખાલી બેઠકોમાં ઘટાડો થાત અને વિદ્યાર્થીઓને આ બેઠકો પર પ્રવેશ મળી શકે તેમ હતો. હાલમાં પ્રવેશ સમિતિએ સરકારી કોલેજની ખાલી બેઠકો પર ઇચ્છુક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરે તો યોગ્ય થાય તેમ છે.