રાજ્યનાં ખેડૂતોની સમસ્યાનો અંત હજુ આવ્યો નથી, ત્યાં પશુપાલકોની સમસ્યાઓની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં વિવિધ ડેરીઓ દ્વારા પશુપાલકોને તેમનાં ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ નથી મળતાં જેનાં કારણે પશુપાલકોની સ્થિતિ પણ ખેડૂતોની માફક કફોડી બનવા તરફ આગળ વધી છે. આવું જ કંઈક બનાસકાંઠાનાં ડીસાનાં માણેકપુરા ગામમાં પશુપાલકોએ કેટલાંક સમયથી ડેરી બંધ હોવાનાં કારણે દૂધ રસ્તા ઉપર ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાનાં ડીસાનાં માણેકપુરા ગામનાં પશુપાલકો છેલ્લાં કેટલાંક સમયથી દૂધનાં વેચાણ માટે સ્થાનિક ડેરી પર જતાં હતાં, પરંતુ ડેરી બંધ હોવાનાં કારણે તેમને તેમનું ઉત્પાદન દૂર આવેલી ડેરીમાં વેચવા જવું પડતું હતું. અને તેનાં કારણે તેમને ભારે નુકસાન પણ ઉઠાવવું પડતું હતું. માણેકપુરાનાં પશુપાલકોએ આજે એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને ડેરી તાકીદે શરૂ કરવાની માંગણી કરી હતી. પશુપાલકોએ આશ્ચર્યજનક કાર્યક્રમમાં પોતાનાં દૂધનાં કેન રસ્તા ઉપર ઢોળી દઈને ડેરી સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે પશુપાલકોએ કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી સ્થાનિક ડેરીનાં સંચાલકો દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવી રહ્યું છે. અમારા ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ તો પહેલાં આપતાં જ નહોતાં, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી ડેરી અચાનક જ બંધ કરી દીધી હતી. જેનાં કારણે અમારે દૂરનાં વિસ્તારમાં આવેલી ડેરીમાં અમારું દૂધ આપવા જવું પડતું હતું, અને ત્યાં પણ અમને પોષણક્ષમ ભાવ નહોતો આપવામાં આવતો. જેનાં કારણે અમારે રોજનું ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.
પશુપાલકોએ જો ડેરી સંચાલકો કે બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર આ મામલે યોગ્ય નિરાકરણ નહિ લાવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે