ડીસા, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હોય તેમ એક પછી એક અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. જેમાં લૂંટ, ચિલ ઝડપ અને ચોરીની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, ત્યારે દિવાળી ટાણે તસ્કર ટોળકી સક્રિય હોય તેમ ગઇ ગુરુવારની રાત્રે ડીસાની સ્નેહકુંજ સોસાયટીમાં બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદી સહિત રોકડ રકમ મળી લાખોનો મુદ્દામાલચોરી ફરાર થયાની ઘટના સામે આવી છે. આ સનસનીખેજ ઘટનાની વિગતો જોઈએ તો સ્નેહકુંજ સોસાયટીમાં ૩૫ નંબરના મકાનના માલિક દિવાળીનો સમય હોય ખરીદી અર્થે અમદાવાદ ગયેલા હોય તેમના બંધ પડેલા મકાનને રાત્રે નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. તેમ છતાં તેમજ બુધવારે રાત્રીના સમયે ડીસા પાટણ હાઈવે રોડ પર આવેલ ભોપાનગર મેલડી માતાના મંદિર પાસેના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબ અને મધ્યમ લોકો છૂટક મજૂરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે ગતરોજ કોઈ ચોર ટોળકી પહેલેથી વોચ રાખી ચોરી કરી પલાયન થઇ ગઇ હતી, પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
ચોરીના વધુ એક બનાવમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ભોપાનગર વિસ્તાર પાસે મેલડી માતાજીના મંદિરની પાછળ રહેતા શાંતાબેન ઉકાજી ચૌહાણનો પરિવાર પણ દિવાળીની ખરીદી અર્થે બહારગામ ગયા હતા, ત્યારે ચોરોએ ઘરનો નકુચો તોડી ઘરમાં પડેલી ૫૦ હજારની રોકડ રકમ તથા દાગીના લઈ ચોર ટોળકીએ દિવાળી મનાવી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આ ઘટનાની જાણ ઘરમાલિકને થતા તેમણે તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે આવી ડોગ સ્કોડની મદદ લઇ ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોર ટોળકી ગણતરીના દિવસોમાં પકડાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી.