ડીસા, તા.30
રાજય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુને વધુ વેગ મળે તે હેતુથી દરેક પાલિકાઓ મહાનગર પાલિકાઓમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવસ દરમિયાન પાલિકાના ટેમ્પો દ્વારા સમગ્ર ડીસા શહેરના તમામ વિસ્તારોમાંથી ડોર ટૂ ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી નીયમિત થતી હોય છે. પરંતુ ક્યારેક આ વાહનચાલકોની બેદરકારીથી અકસ્માત પણ સર્જાતા હોય છે.
થોડા સમય અગાઉ પાલિકાના ટેમ્પો દ્વારા એક વ્યક્તિને ગંભીર ઈજા ઓ પહોંચાડી હતી ત્યારબાદ બુધવારે ડીસાના ચાવડીવાસ વિસ્તારમાં કચરો કલેક્શન કરતી વખતે આ ટેમ્પો નજીકમાં આવેલ વીજ પોલને અથડાઈ ગયો હતો. જેના લીધે આ વીજ પોલ વચ્ચેથી તૂટી ગયો હતો. જોકે આ વિજપોલમાં વીજ પ્રવાહ ચાલુ હોઇ સમગ્ર વિસ્તારમાં વીજ દુર્ઘટના અનેં શોર્ટ સર્કિટ થાય તેવી ભીતિ સર્જાઈ હતી. જેના પગલે સ્થાનિક રહીશોએ આ મામલે ડીસા વીજ કંપનીને જાણ કરતા સમય સુચકતાના પગલે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે આ તૂટેલે વીજ પોલ પરનો વીજ પુરવઠો સ્થગિત કરી નવો વીજ પોલ નાખવાની તજવીજ હાથ ધરી દેતા આસપાસના રહીશોએ રાહતનો દમ લીધો હતો.