ડીસામાં હનુમાન મંદિર તોડી પાડ્યું

બનાસકાંઠાના ડીસા શહેરના વેલુંનગરની બહારની બાજુ ભારે આસ્થા ધરાવતું ઇચ્છાપૂર્ણ હનુમાનજીનું મંદિર પુલ બનાવવા નડતર રૂપ જણાતું હોઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગુરુવારે તોડી પાડ્યું હતું. ધાર્મિક સ્થળ તોડવાની વાત વાયુવેગે આસપાસમાં પ્રસરી ઉઠતા અનેક શ્રદ્ધાળુંઓ દોડી આવ્યા હતા.

લોકો વિરોધ ન કરે તે માટે હાઇવે ઓથોરિટી દ્વારા મોટો ચુસ્ત પોલોસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો. પછી  મન્દિર તોડી પાડવામાં આવ્યું હતું. જેથી આસપાસ વસતા ધાર્મિક અને શ્રદ્ધાળુંઓમાં ભારે દુઃખ સાથે નારાજગી જોવા મળી હતી.  આ બાબતે ઉપસ્થિત શ્રદ્ધાળુંઓએ મન્દિર તોડી પાડતા પૂર્વે અન્યત્ર જગ્યાએ ખસેડી લઈ બાદમાં તોડી પાડવામાં આવ્યું હોત તો લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહેતી તેવી ચર્ચા જનસમુદાયમાં રોષ સાથે સાંભળવા મળી હતી. પણ જાહેરમાં એક પણ હિન્દુ દ્વારા વિરોધ કરવાની હિંમત ન હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને ધાર્મિક સંસ્થાઓએ મૌન રહેવાનું નકકી કરી લીધું હતું.

નેશનલ હાઇવે ઓથોરિટીએ તાજેતરમાં ફ્લાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેમાં ડીસા માર્કેટયાર્ડથી બનાસ નદી સુધી ઓવરબ્રિજ નિર્માણ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે ઓવરબ્રિજની સાથે સાથે સર્વિસ રોડ પણ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.