ડુંગળીના ભાવ વધારા માટે સરકાર અને વેપારીઓ એક બીજાને ખો આપે છે

પેટ્રોલ અને સફરજન કરતાં વધુ ઉંચા ભાવે વેચાતી ડુંગળી, ઉત્પાદન ઓછું હોવાના બહાને કાળાબજારના માર્ગે, સરકાર વેપારીઓ સામે કેમ પગલાં નથી ભરતી

ગાંધીનગર

સમગ્ર દેશ સાથે ગુજરાતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતાં રાજ્યની તમામ હોટલોમાં છૂટથી મળતી ડુંગળી અદ્રશ્ય થઇ છે. હોટલોમાં હવે મફતમાં મળતાં સલાડની સાથેની ડુંગળી પેઇડ બની ચૂકી છે. કોઇ ગ્રાહકને જોઇએ તો તેણે ડુંગળીના અલગથી રૂપિયા આપવા પડે છે.

ગુજરાતમાં પેટ્રોલ કરતાં ડુંગળી મોંઘી બની છે. અમદાવાદ અને ગાંધીનગરના ખૂમચાવાળા અને લારીવાળા પાંવ ભાજી અને ભેળપુરીમાં ડુંગળીની જગ્યાએ કોબીજનો ઉપયોગ કરી રહ્યાં છે. છૂટક શાકભાજી બજારમાં ડુંગળીનો ભાવ ક્વોલિટી પ્રમાણે 80 થી 100 રૂપિયા જોવા મળે છે. સરકાર એવું કહે છે કે ડુંગળીનું ઉત્પાદન ઓછું છતાં અને માંગ કરતાં પુરવઠો ઓછો હોવાથી ડુંગળીના ભાવ વધ્યાં છે પરંતુ ખેડૂત સંગઠનો તેનો ઇન્કાર કરી રહ્યાં છે. ડુંગળી મોંઘી થવાનું કારણ જથ્થાબંધ વેપારીઓ છે. વધારે નફો કમાવવાના આશયથી તેઓ ડુંગળીનો ભાવ વધારી દેતા હોય છે. અગાઉ પણ 2013માં દલાલોએ ડુંગળીને ગોડાઉનમાં ભરી દઇને કૃત્રિમ અછત ઉભી કરી હતી. આવી અછત ઉભી થાય કે કરવામાં આવે ત્યારે રાજકીય નેતાઓ લાભ લેવા દોડી આવે છે. જેને પરિણામે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 100 થી 120 પહોંચી ગયો હતો.

ડુંગળીની માંગમાં 50 ટકાનો ઘટાડો થયો છે, કેમ કે હોટલોમાં ડુંગળીનો ઉપયોગ ઓછો થયો છે. સામાન્ય પરિવારો હવે ભોજનમાં ડુંગળીનો ઓછો ઉપયોગ કરી રહ્યાં છે. રાજ્યના જથ્થાબંધ વ્યાપારીઓએ તેમના ગોડાઉનમાં ડુંગળીનો જથ્થો છુપાવી રાખ્યો હોવા છતાં સરકારી તંત્ર કોઇ પગલાં લેતું નથી. અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ પ્રતિ કિલોએ 70 રૂપિયા થયો છે, જેથી છૂટક બજારમાં તેનો ભાવ 90 થી 100 રૂપિયે કિલો જોવા મળે છે. કેટલાંક વેપારીઓ અને ખેડૂતોનું માનવું છે કે આ વખતના પાછોતરા વરસાદને કારણે ગરીબોની કસ્તુરી મોંઘી બની છે.

શહેરમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું હતું કે, હાલ જૂની ડુંગળી રૂ.85 થી રૂ.90 સુધી વેચાઈ રહી છે. જ્યારે બજારમાં નવો માલ આવતાં નવી ડુંગળી રૂ.70ના ભાવે વેચાઈ રહી છે. ત્યારે હોલસેલ માર્કેટમાં ડુંગળીની આવક ચાલુ રહેશે તો આગામી દિવસોમાં ડુંગળીના ભાવ ઓછા થવાની સંભાવના છે. જ્યારે સામાન્ય દિવસોમાં ડુંગળીનો ભાવ રૂ.20 – 25 કિલો રહેતો હોય છે. હોલસેલ માર્કેટના વેપારીઓના મતે બજારમાં ડુંગળી બે મહિના મોડી આવી છે. જેના પગલે બજારમાં ડુંગળીની અછત સર્જાતાં ભાવ આસમાને પહોંચી ગયો છે. જ્યારે ડુંગળીનો ભાવ સફરજનથી પણ વધી જવા પામ્યો છે.

અમદાવાદ જેવા મોટા શહેરમાં ડુંગળીનો જથ્થો ઠલવાય છે, પરંતુ મોટા વેપારીઓ વધારાનો જથ્થો સાચવી રાખે છે પરિણામે બજારમાં ડુંગળી ઓછી આવતાં તેના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ કહે છે કે, ગુજરાતમાં સામાન્ય રીતે મહારાષ્ટ્રમાંથી ડુંગળી આવે છે પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે ડુંગળીના પાકમાં મોટું નુકશાન થયું છે તેથી માંગ પ્રમાણે જથ્થો આવતો નહીં હોવાથી તેના ભાવ વધ્યાં છે પરંતુ આ સ્થિતિ ઝડપથી બદલાશે, કેમ કે ભારત સરકારે બીજા દેશોમાંથી ડુંગળી આયાત કરવાનું નક્કી કર્યું છે. એ જથ્થો જ્યારે બજારમાં આવશે ત્યારે ડુંગળીના ભાવમાં ઘટાડો થશે.

ગુજરાતમાં ગયા વર્ષે 8800 હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે માત્ર 5800 હેક્ટરમાં વાવેતર થયું છે. આ વખતે ગુજરાતમાં ડુંગળીની મોટી માત્રામાં આયાત કરવી પડે તેમ છે. હાલ તો રાજ્યની મોટાભાગની હોટલોએ મફતમાં મળતી ડુંગળીના દામ નક્કી કર્યા છે. શહેરની હોટલો તેમજ રેસ્ટોરન્ટમાંથી ડુંગળી ગાયબ થયેલી જોવા મળે છે.

ક્વોલિટી પ્રમાણે ડુંગળીના ભાવ હોય છે

વેપારીઓ કહે છે કે હોલસેલ માર્કેટમાં ‘એ’ ક્લાસની નવી લાલ ડુંગળી રૂ. 70 કિલોના ભાવે વેચાય છે, જ્યારે ‘બી’ ક્લાસની કહીએ તો આછા પીળા રંગની હોય છે જેનો ભાવ રૂ.50 કિલોના ભાવે વેચાણ થાય છે. જ્યારે માર્કેટમાં ડુંગળીની અછત થાય તો ભાવ વધી જતા હોય છે.