૨૦૧૩નું વર્ષ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું રહ્યું. ચૂંટણીઓથી ભરચક વર્ષમાં ડુંગળીનો મુદ્દો દેશભરમાં છવાયેલો રહ્યો. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં રૃપિયા ૧૦૦ના કિલો ભાવે ન મળતી ડુંગળીના હાલમાં રૃપિયા ૧૦ના કિલોએ પણ કોઈ લેવાલ નથી. આવી સ્થિતિ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ડુંગળી સરકારના ગળાનો ગાળિયો બને તો નવાઇ નહીં. શેરડી ઉગાડતા ખેડૂતોની વોટબેન્કને તથા રાજકીય રીતે મૂલ્યવાન ખાંડઉદ્યોગને રીઝવવા સરકારે રૃપિયા ૬૬૦૦ કરોડનું પેકેજ જાહેર કરી સાચવી તો લીધા પરંતુ ડુંગળીના ખેડૂતોને નારાજ કરવા પણ કૃષિમંત્રી શરદ પવારને પોષાય તેમ નથી. પરિણામે જ શરદપવારે ડુંગળીમાં મંદીનો માર અને મહારાષ્ટ્રના ખેડૂતોની નારાજગી ધ્યાને લઇ ડુંગળી પરના તમામ નિકાસ નિયંત્રણો દૂર કરાય તેવી શક્યતા વ્યક્ત કરી મોકો જોઇ ચોક્કો લગાવી દીધો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ કેન્દ્ર સરકારને પણ ડુંગળીના ભાવનું કમઠાણ પોષાય તેમ નથી. ડુંગળીના ભાવ કિલોએ રૃપિયા ૧૦૦એ પહોંચ્યા ત્યારે છૂટક બજારમાં ભાવ જાળવી રાખવા કેન્દ્ર સરકારે નિકાસ ભાવમાં વધારો કરી ૧૧૫૦ પ્રતિ ડોલર કરી દીધા હતા. જેમાં તબક્કાવાર ત્રણ વાર ઘટાડો કરી નિકાસ ભાવ ૧૫૦ ડોલર પ્રતિ ટન કર્યા છે. પાકિસ્તાને પણ નિકાસભાવ ૪૦૦ ડોલરથી ઘટાડીને ૨૦૦ ડોલર કર્યા છે. છતાં નિકાસ વેગ પકડતી નથી. જેનું મુખ્ય કારણ એ પણ છે કે વૈશ્વિક ડુંગળીના ખરીદદારોને વર્તમાન લઘુત્તમ નિકાસ ભાવ અંગે વિશ્વાસ નથી. તાજેતરમાં બે વાર નિકાસભાવમાં ઘટાડા બાદ સરકાર ફરી ઘટાડો કરે તેવી ધારણાએ નવા નિકાસ વેપારો પણ અટકી પડયા છે. નવેમ્બરથી એપ્રિલ સુધી પાકતી ડુંગળી વધુમાં વધુ ૨૦ દિવસ સુધી જ સંગ્રહી શકાતી હોવાથી હાલના તબક્કે ડુંગળીના ભાવમાં વધારો થવાના કોઇ કારણો ન હોવાથી ડુંગળીના ભાવો લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી મુદ્દો બને તો નવાઇ નહીં.
દેશમાં ડુંગળીના ભાવનું ચક્ર પૂર્ણ થયું છે. ખરીફ પાક હેઠળના વિસ્તારો અને પાછોતરો ખરીફ પાક પણ આશરે ૧૦થી ૧૫ ટકા ઉંચો હોવાની અપેક્ષા છે. ગત ડિસેમ્બરમાં ડુંગળીની નીચી કિંમતોના પગલે નાશિકમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ખેડૂતોએ હરાજી પણ રોકી દીધી હતી. દેશભરમાં હવે ડુંગળીનો પુરવઠો પુષ્કળ રહેવાની અપેક્ષા છે. કારણ કે ખેડૂતોએ રવી સીઝનમાં પણ સારા ભાવને ધ્યાને લઇ પુષ્કળ વાવેતર કર્યું છે. ગુજરાતમાં ડુંગળીનો રવી સીઝનમાં સરેરાશ વાવેતર વિસ્તાર ૫૩,૬૦૦ હેક્ટર છે. ૨૦૧૨માં ૨૩મી ડિસેમ્બર સુધીમાં ૧૩,૬૦૦ હેક્ટરમાં થયેલા વાવેતર સામે ચાલુ રવી સીઝનમાં વાવેતરનો આંક ઉંચકાઇને ૭૧,૮૦૦ હેક્ટરે પહોંચ્યો છે. આમ સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં પણ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો થવાથી ઉત્પાદન વધે તેવા પૂરતા સંજોગો છે. ડુંગળી હાલમાં જ કિલોએ છૂટક બજારમાં ૧૦થી ૧૨ રૃપિયે કિલો મળી રહી છે. ડુંગળીના ભાવમાં ચાલુ વર્ષે ૨૮૦ ટકાનો વધારો થયો છે. ભૂતકાળમાં ડુંગળીના રાજકારણે સરકારો ઉથલાવી હોવાના દાખલાઓ મોજૂદ હોવાથી ડુંગળીના ભાવ વધતાં દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે ડુંગળીના વેચાણ કેન્દ્રો શરૃ કરાવ્યા હતા. ડુંગળીમાં સંગ્રહખોરીને પગલે ઉંચકાયેલા ભાવ બાદ ખેડૂતોને હાલમાં ડુંગળીના વેચાણમાં પડતર કિંમત પણ મળતી ન હોવાથી ખેડૂતોના રોષનો સામનો ન કરવા અને નિકાસમાંગ વધારવા સરકાર નિકાસ પરની એમઇપી દૂર કરવાના પગલાં ભરી રહી છે.
દેશમાં ડુંગળીનું કુલ ર્વાિષક ઉત્પાદન ૧૬૦થી ૧૭૫ લાખ ટન છે. છેલ્લા દસકાની સ્થિતિ પર નજર કરીએ તો ૧૦ વર્ષે પૂર્વે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન બીજા નંબરે હતું અને કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૨૦થી ૨૫ ટકા હતો જે હાલમાં ઘટીને ૧૦ ટકાની પણ અંદર આવી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત કુલ ઉત્પાદનમાં બીજા સ્થાનેથી ગબડી ત્રીજા અને ગત વર્ષે ચોથા સ્થાને આવી ગયું છે. રાજ્યના કુલ ઉત્પાદનના ઘટાડાની સ્થિતિમાં ગુજરાત માટે આશ્વાસન લેવા જેવી બાબત એ છે કે વીઘાદીઠ ઉત્પાદકતામાં ગુજરાત પ્રથમ નંબરે છે. ગુજરાતમાં થતા હેક્ટરદીઠ ૨૫ ટન ઉત્પાદન સામે અન્ય રાજ્યોનું ઉત્પાદન ૨૦ ટન છે. જ્યારે દેશમાં સૌથી વધુ ડુંગળી પકવતા મહારાષ્ટ્રની હેક્ટરદીઠ ઉત્પાદકતા ૧૬ ટનની છે. આમ ડુંગળીની ખેતીમાં મહારાષ્ટ્ર એ અગ્રણી રાજ્ય હોવાથી કૃષિમંત્રી શરદપવાર પણ લોકસભાની ચૂંટણી સુધી ડુંગળીના ખેડૂતોને છંછેડવા માગતા નથી. પરંતુ ડુંગળીના ભાવની આ જ સ્થિતિ રહી તો લોકસભાની ચૂંટણીમાં ડુંગળી મુદ્દો બની રહે તેવા ઉજળા સંજોગો છે. આશરે ૧૨૫ કરોડ જેટલી દેશની જનતાને રડાવતી ડુંગળીનું પણ એક રોટેશન રચાયેલું છે. ચોમાસાના અંતને નવા વર્ષની શરૃઆત ગણીએ તો ઓક્ટોમ્બરમાં મહારાષ્ટ્રના પુના, ધુલીયા, અહમદનગર, કોલ્હાપુર વિસ્તારમાં નવો પાક નીકળે છે. જે સમગ્ર દેશમાં પહોંચી વળે છે. ત્યારબાદ નવેમ્બરમાં રાજસ્થાનના ખેરથલ, અલ્વરનો પાક બજારમાં આવે છે. ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા, ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ સહિતના મોટા વિસ્તાર સાથે મધ્યપ્રદેશમાં પાકતી ડુંગળી એપ્રિલ સુધી દેશને ડુંગળી પૂરી પાડે છે. નવેમ્બરથી એપ્રિલ સુધી બજારમાં આવતી ડુંગળીની શેલ્ફલાઇફ ૧૫થી ૨૦ દિવસની જ હોય છે. આ ડુંગળી પાકે એટલે ખેડૂત સીધી બજારમાં વેચાણ કરે છે. ત્યારે ખેડૂતોએ જે ભાવ હોય તે ભાવે વેચાણ કરવી પડે છે. કારણ કે તે બગડી જાય છે. આ સનાતન સત્ય છે. નવેમ્બરથી એપ્રિલ સુધીમાં દેશના કોઇપણ વિસ્તારમાં પાકેલી ડુંગળી ખેડૂતના ખેતરમાંથી નીકળ્યા બાદ વધુમાં વધુ ૨૦ દિવસમાં ગ્રાહક સુધી પહોંચવી જરૃરી છે. પરિણામે ડુંગળીનો હાલની સ્થિતિ પ્રમાણેનો ઓછો ભાવ સરકારને ધોળા દિવસે તારા દેખાડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. – કરણ રાજપુત