ડેન્ગ્યુથી પાલનપુરના પોલીસ પુત્ર અને કાણોદરની બાળકીનું મોત થયું

પાલનપુર, તા.૨૯

પાલનપુરમાં રોગચાળાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શંકાસ્પદ ડેન્ગ્યુથી પાલનપુરના 14 વર્ષના પોલીસ પુત્ર અને કાણોદરની 8 વર્ષની બાળકીનું મોત નિપજી ગયું હતું. કાણોદરની સરફરાજઅલી હસનની દીકરી મેરીસાની તબિયત બગડતાં પાલનપુર સિવિલમાં સારવાર અપાયા બાદ અમદાવાદ લઇ જવાઇ હતી. જ્યાં એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

આ ઉપરાંત પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ કર્મી કપિલ પંડ્યાના 14 વર્ષ પુત્ર કવિની તબિયત લથડતા પાલનપુર સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં તપાસ કરીને લોકોને ડેન્ગ્યુના મચ્છરથી જાગૃત કરવામાં આવ્યા છે અને જ્યાં પાણી ભરાયા હોય તે પાણી સાફ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. પાલનપુર અર્બનમાં સ્ટાફ ઓછો હોવાથી બહારના આરોગ્યનો સ્ટાફ લાવી કામગીરી કરવામાં આવી છે.

વડગામના હોતાવાડામાં 1 બાળકી તેમજ છાપીમાં બે શંકાસ્પદ ડેન્ગ્યુના કેશ મળવા સાથે એક નવ વર્ષીય કિશોર જયવીર અનિલભાઈ પરમારને ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતા પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. છાપીના કિશોરને તાવ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી હતી. જો મેડિકલ ઓફિસર દીપકભાઈ પરમારને શંકાસ્પદ જણાતા તેઓએ પાલનપુર રીફર કરતા ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો હતો.

પાલનપુરમાં તબીબો અને વેપારીઓને દંડનીય કાર્યવાહી કરતા રૂપિયા 14,100 નો દંડ ફટકાર્યો હતો. જેમાં બ્રિજેશભાઇ નાસ્તા હાઉસ રૂ.200, ડો. રાજેન્દ્ર જોષી રૂ.1000, તુલસી ગેસ્ટ હાઉસ રૂ.1000, ડો. મુનિર મનસુરી રૂ.1000, ડો. નરેશભાઈ શાહ રૂ.1000, ગુરુકૃપા પાર્લર રૂ.200, વૃંદાવન એક્સ-રે રૂ.1000, પાર્વતી પ્રોવિઝન સ્ટોર્સ રૂ.5000, ન્યુ બાલાજી સ્ટોર્સ રૂ.200, રામાણી સ્ટોર્સ રૂ.500, સૂરજ હોસ્પિટલ રૂ.1000, ઉષા સર્જિકલ હોસ્પિટલ રૂ.1000, કર્ણાવતી હોસ્પિટલ રૂ.1000 ને દંડ ફટકાર્યો હતો.

જિલ્લા મેલેરિયા અધિકારી ડો. નરેશ ગર્ગએ જણાવ્યું કે, શંકાસ્પદ કોંગો ફિવરના પગલે ધાનેરા દાંતા અને ડીસા ત્રણ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જે તમામ નેગેટિવ આવ્યા છે. જિલ્લામાં ઇતરડી તાવનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.