ડેમને 137 મીટર સુધી ભરવાની કેન્દ્રએ પરવાનગી ન આપતાં ખેડૂતોને ઓછું પાણી મળશે

નર્મદા નદી ત્રણ વર્ષ બાદ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદીનાં ઉપરવાસ તેમ જ ભરૂચની આસપાસનાં વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 131 મીટર પહોંચી જતાં તેનાં દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, ડેમને 137 મીટર સુધી ભરવાની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેની મંજૂરી ન આપતાં 131 મીટર પર પાણીની સપાટી આવતાં દરવાજા ખોલવા પડ્યાં છે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણયને કારણે દરવાજા ખોલ્યા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં નદીનાં પાણી સમુદ્રમાં વહી રહ્યાં છે અને તેનાં કારણે ખેડૂતોને ઓછું પાણી મળશે. આમ કેન્દ્ર સરકારનાં જક્કી વલણના કારણે ગુજરાતનાં ખેડૂતોને સિંચાઈનું જરૂરી પાણી ઉપલબ્ધ નહિ થઈ શકે એવી નોબત આવી ગઈ છે.

પાણી સમુદ્રમાં વહી જતાં ખેડૂતોને પાણી ઓછું મળશે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. જ્યારે આ બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. પાણીની આવક વધુ હોવાનાં કારણે પાણી સીધું સમુદ્રમાં વહી રહ્યું છે. કારણ કે કેન્દ્ર સરકારે 137 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી આપી નથી. અને તેનાં કારણે ખેડૂતોને તેમનાં પાક માટે સિંચાઈનું પાણી ઓછું મળે એવી શક્યતાઓ નકારી શકાય નહિ.

સરદાર સરોવર ડેમનાં ગેટ નંબર 14 પ્રથમ ખોલવામાં આવ્યો હતો, ત્યારબાદ 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલવામાં આવ્યા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર આટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની સપાટી 131 મિટર વટાવતાં દરવાજા ખોલવાની નોબત ઊભી થઈ છે. હાલ ડેમની સપાટી 131.20 મીટર પર છે. દર કલાકે ઉપરવાસમાં પડી રહેલા વરસાદનાં કારણે 32 સે.મી.નો વધારો થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકારે પરવાનગી ન આપી

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ડેમને 137 મીટર સુધી ભરવાની કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકાર અને નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની આડોડાઈનાં કારણે ડેમને 131 મીટર ભરવાની જ પરવાનગી આપવામાં આવી હતી. જેનાં કારણે ડેમનાં દરવાજા ખોલવા પડ્યા હતા. હાલમાં બંધમાં પાણીની આવક 180788 ક્યૂસેક છે અને જાવક 89582 ક્યૂસેક છે.

નર્મદા નદીની આસપાસનાં વિસ્તારોમાં એલર્ટ

દરમિયાનમાં નર્મદા નદીમાં બંધમાંથી પાણી છોડવામાં આવતાં નદી બન્ને કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદી પર આવેલા ગોરા બ્રિજને સાવચેતીનાં ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. બંધમાંથી પાણી છોડવાનું હોવાથી વહીવટી તંત્રએ મોડી રાતથી જ ભરૂચ અને તેની આસપાસનાં નીચાણવાળા વિસ્તારોને તેમજ ૨૦ ગામોને એલર્ટ કર્યા હતાં. આ ઉપરાંત નર્મદા નદીનાં કિનારે આવેલાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ અને નર્મદાનાં કાંઠા વિસ્તારનાં ગામોને પણ એલર્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે નદીકાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
નર્મદા ડેમમાંથી ભારે પાણી છૂટતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવાય છે અને ચોમાસામાં આ પૂલની રેલિંગ પણ કાઢી લેવાય છે. નર્મદા ડેમની નજીકમાં આવેલો આ સૌથી પહેલો બ્રિજ છે અને જે પથ્થરોથી જ બનેલો છે.

ગોલ્ડન બ્રિજ પાસે નદીની સપાટી વધી

બંધમાંથી પાણી છોડવામાં આવવાનું શરૂ થતાં નર્મદા નદી વર્ષો બાદ બે કાંઠે વહેવા લાગી છે. અને તેનાં કારણે નર્મદા નદીમાં પણ જળસ્તર ઉંચું આવી રહ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં ગોલ્ડન બ્રિજ પાસે જે રીતે નદીમાં પાણીની આવક થઈ રહી છે તેનાં કારણે સપાટી પણ વધી રહી છે. ગોલ્ડન બ્રિજ પર નર્મદાનાં પાણીની સપાટી 19 ફૂટ પર પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તો આ બ્રિજની સાવચેતી માટેની સપાટી 22 ફૂટ છે. અને તેની ભયજનક સપાટી 24 ફૂટ હોવાનાં કારણે ભરૂચમાં વહીવટી તંત્ર પણ સજ્જ થયું હોવાનાં અહેવાલો છે. કેમ કે જે રીતે નર્મદાનાં પાણીની સપાટી વધી રહી છે તેમ તેમ ગોલ્ડન બ્રિજની સપાટી પણ ભયજનક સપાટી પાસે પહોંચે એવી શક્યતાઓ હોવાનાં કારણે તે બંધ કરવાની તૈયારી પણ તંત્રએ આરંભી દીધી છે.