ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી

અમદાવાદ,૧૬

સતત ચોથા દિવસે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સ 250ની બેતરફી વધઘટે અથડાઈને અંતે સેન્સેક્સ 93 પોઇન્ટ વધીને 38,598.99ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 43.25 પોઇન્ટ વધીને 11,450ની સપાટી કુદાવીને 11,471.55ના મથાળે બંધ રહ્યો હતો

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર મુખ્ય 11 ઇન્ડેક્સમાંથી સાત ઇન્ડેક્સ તેજીમાં હતા. એફએમસીજી, આઇટી અને ફાર્મા સિવાય રિયલ્ટી શેરોમાં ખરીદદદારી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયામાં નબળાઈને પગલે આઇટી અને ફાર્મા શેરો તેજી હતા. જ્યારે બેન્ક, પાવર, ઓટો અને મેટલ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી. જોકે બેન્ક નિફ્ટી નીચલા સ્તરેથી ઇન્ટ્રા-ડે દરમ્યાન 233 પોઇન્ટ સુધર્યો હતો. જ્યારે તેલ-ગેસ શેરોમાં પણ તેજી થઈ હતી. એફરલ બેન્કના બીજા ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં ઊણાં આવતાં શેર ત્રણ ટકા તૂટ્યો હતો. બજાર શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બજારમાં બેતરફી વધઘટ થઈ હતી. બજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી થઈ હતી. એનએસઈ ખાતે 17,963.08 લાખ શેરોનાં વોલ્યુમ રહ્યા હતા, જ્યારે કુલ કામકાજ રૂ. 37,076.59 કરોડનાં કામકાજ થયાં હતાં. ગઈ કાલે એફઆઇઆઇએ રૂ. 436.02 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ પણ રૂ. 929.39 કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 16 શેરોમાં તેજી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 32 શેરોમાં તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1239 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1412 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1014 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1154 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 5 શેરો વધીને સાથે બંધ થયા હતા.

એનએસઈ પર 127 શેરો એક વર્ષની નીચલી સપાટીને સ્પર્શ્યા એનએસઈ ખાતે આશરે 127 શેરો બુધવારના સેશનમાં 52 સપ્તાહતની નીચલી સપાટીને સ્પર્શ્યાં હતા. જેમાં જીઈ પાવર ઇન્ડિયા, જીઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ, ઇન્ડોસ્ટાર કેપિટલ ફાઇનાન્સ, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને બાસ્ફ ઇન્ડિયા હતા. આ ઉપરાંત ભારતીય ઇન્ટરનેશનલ, ધાનુકા એગ્રીટેક,ઇક્લર્કસ સર્વિસિસ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, એસએમએસ લાઇફસ્યન્સિસ તેમની 52 સપ્તાહની નીચલી સપાટીને સ્પર્શ્યા હતા.

ડોલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત

ફોરેક્સ બજારમાં ડોલર સામે રૂપિયામાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે દરમ્યાન 11.40 ઊંચા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે ઇન્ટ્ર-ડે દરમ્યાન રૂ. 71.71ના નીચલા સ્તરે સ્પર્શ્યો હતો. અંતે 11 પૈસા વધીને 71.43ના મથાળે બંધ રહ્યો હતો.

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એફઆઇઆઇની રૂા. 22,460 કરોડની વેચવાલી

હાલ પૂરા થયેલા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં શેરબજારમાં ભારે વોલેટાલિટીના માહોલ દરમિયાન ડીઆઇઆઇ દ્વારા મોટા પાયે ઈક્વિટી શેરોમાં ખરીદી કરાઈ હતી તો બીજી તરફ એફઆઈઆઈ દ્વારા એકધારી વેચવાલી હાથ ધરીને ભંડોળ પાછું ખેંચાયું હતું. વિવિધ સ્થાનિક તેમ જ વૈશ્વિક પ્રતિકૂળ પરિબળોના પગલે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવી ભારતીય બજારથી દૂર થવાનું વલણ અપનાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન એફઆઇઆઇએ રૂા. ૨૨,૪૬૦ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

બીજી તરફ વોલેટાલિટીભર્યા માહોલમાં બજાર જ્યારે પણ તૂટતું હતું તે વેળાએ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા પસંદગીના બ્લુ ચિપ શેરોમાં મોટા પાયે રોકાણ કરાયું હતું. આ સમય દરમિયાન ડીઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૂા. ૫૩,૮૨૦ કરોડની નવી ખરીદી કરી હતી.

વિશ્વ બેન્ક, મૂડીઝ બાદ આઇએમએફે જીડીપી દર ઘટાડીને 6.1 ટકા કર્યો

વિશ્વ બેંક બાદ અને મૂડીઝ પછી ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડએ મોદી સરકારને આંચકો આપ્યો છે. આઇએમએફએ ભારતના નાણાકીય વર્ષ 2019-20માં રહેનારા વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. આઇએમએફે જે આંકડા જારી કર્યા છે તેમાં ભારતનો વિકાસ દર 7.3 ટકા ધટાડીને 6.1 ટકા કરી નાખ્યો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં આઇએમએફએ નાણાકીય વર્ષ 2019-20માં આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી. તેમાં 0.30 ટકાનો ઘટાડો કર્યો હતો. તેના સંદર્ભમાં આઇએમએફનું કહેવું છે કે કોર્પોરેટ અને રેગ્યુલેટરી અનિશ્ચિતતાઓ અને કેટલાક નોન-બેંકિગ નાણાકીય સંસ્થાઓની કમજોરીના કારણે ભારતનો આર્થિક વિકાસ દર અનુમાનથી વધારે ખરાબ છે.

પાંચ વર્ષમાં 570 આઇપીઓ, પાંચમાં જ લિસ્ટિંગ સમયે 100 ટકા રિટર્ન

આઇઆરસીટીસીના શાનદાર લિસ્ટિંગ પછી આઇપીઓની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આઇઆરસીટીસી પહેલાં માત્ર પાંચ જ આઇપીઓ લિસ્ટ થયા છે, જે 100 ટકા કરતાં વધુ વધ્યો હતો. પાછલાં પાંચ વર્ષમાં 570 આઇપીઓ આવ્યા છે, જેમાંથી માત્ર પાંચ આઇપીઓમાં જ તેજી જોવા મળી છે. પાછલાં પાંચ વર્ષમાં મોટા ભાગના શેર પેની શેરોમાં ફેરવાઈ ગયા છે. 2006માં તાંતિયા કન્સ્ટ્રક્શન્સનો શેર 260 ટકા પ્રીમિયમે રૂ. 180ના ભાવે લિસ્ટ થયો હતો જે હાલ રૂ. 1.40ની આસપાસ હતો. એવી રીતે 2013માં જીસીએમ સિક્યોરિટીઝ અને 2005માં લિસ્ટ થયેલો એફસીએસ સોફ્ટવેર સોલ્યુશન્સ ઇશ્યુ પ્રાઇસની તુલનામાં 200 ટકાથી વધુ પ્રીમિયમે લિસ્ટ થયા હતા. જોકે આ શેરો હાલ રૂ. 9.40ના સ્તરે છે. જ્યારે એફસીએસ સોફ્ટવેર 0.20 પૈસાના ભાવે છે. આ સિવાય પણ ઘણા શેર પેની શેરો બની ગયા છે.

બીએસઈ પર મુહૂર્ત ટ્રેડિંગ 27મી ઓક્ટોબરે

બીએસઈએ શેરબજાર માટે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન માટે મુહૂર્ત ટ્રેડિંગના સમયની જાહેરાત કરી છે. એક્સ્ચેન્જે આપેલી માહિતી અનુસાર 27 ઓક્ટોબરે રવિવારે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ટ્રેડિંગ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને 7:15 સુધી ચાલશે.