આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની જિલ્લાનાં પદાધિકારીઓની એક બેઠક 27-3-19 ના રોજ મળેલી હતી. આ બેઠકમાં અમરેલી લોકસભાની બેઠક માટેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ બેઠકમાં એકી અવાજે પોતાનો સુર વ્યકત કર્યો કે આ.રા. હિન્દુ પરિષદનાં અખિલ ભારતીય સ્થાપક પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયાને અમરેલી લોકસભાની સીટ ઉપર હિંદુસ્થાન નિર્માણ દળનાં ઉમેદવાર તરીકે લડવા માટે આમંત્રણ આપવું. ડો. પ્રવિણભાઈએ પોતાનું ઘરબાર, કુટુંબ અને પોતાના દિકરા-દિકરીને પણ હિંદુસમાજની સેવા માટે છોડી દીધેલ છે. તેઓ આ જિલ્લાનાં લીલીયા તાલુકાનાં સાંજણટીંબા ગામનાં વતની છે, એટલે એ રીતે પણ આ તેમનું વતન છે. એટલે આ માટે ચાલુ બેઠકમાં જ ડો. પ્રવિણભાઈનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે પણ આ બાબતે સક્રિય વિચાર કરવાનું આશ્વાસન આપેલું છે. જો તેઓ અમરેલી સીટ ઉપર ઉભા રહે તો તેઓ ચોક્કસ પણે જંગી બહુમતીથી જીતી જાય એ પણ હકીકત છે.
ડો.પ્રવિણ તોગડિયાને સમગ્ર દેશમાં પ્રવાસ કરવાનો થતો હોવાથી તેઓ અમરેલીથી ચૂંટણી લડી શકે તેમ નથી. એવું તેમણે જણાવ્યું હતું. હવે ડો.તોગડિયા અને નરેન્દ્ર મોદી રાજકીય રીતે સામ સામે આવી ગયા છે. ડો.તોગડિયા ગુજરાતમાંથી 13 જેટલી બેઠક પર પોતાના ઉમેદવાર મૂકવાના છે. ભાજપના મત કાપવા માટે આ ઉમેદવાર ઊભા રખાશે પણ ખરેખર તો તે ભાજપને મદદ કરી રહ્યાં છે. અગાઉ પણ આવો જ અનુભ કેશુભાઈ પટેલના પક્ષ દ્વારા થયો હતો.
1978નાં વર્ષમાં પ્રવીણ તોગડિયા પોતાના વતન ગારીયાધારથી મેડિકલનો અભ્યાસ કરવા માટે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં આવ્યા હતા. સંઘી વિચારધારાને કારણે તેઓ સંઘમાં જવા લાગ્યા હતા. ત્યાં તેમની પહેલી મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી.
1980ના દાયકાની શરૂઆતથી તેઓ મિત્ર બની ગયા હતા. મોદી અને તોગડિયા એક જ વિચારધારા ધરાવતા હોવાને કારણે તેમની મિત્રતા ગાઢ બની હતી. મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરી તોગડિયાએ ડૉકટર તરીકે પ્રેકટીસ શરૂ કરી પણ તેમની સંઘમાં અવરજવર ચાલુ રહી.
વર્ષ 1985માં અમદાવાદમાં કોમી તોફાન શરૂ થયાં ત્યારે પ્રવીણ તોગડિયાને વિશ્વ હિંદુ પરિષદની જવાબદારી સોંપવામાં આવી હતી. તોગડિયાના કામથી સંઘ અને પરિષદ બંન્ને પ્રભાવિત હતાં. જેના કારણે મંત્રીમાંથી ગુજરાતના પ્રમુખ અને ત્યાર બાદ રાષ્ટ્રીયસ્તરે તેઓ અત્યંત ઝડપથી પહોંચી ગયા હતા.
વર્ષ 1990ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત થઈ અને ચારે તરફ પ્રવીણ તોગડિયાનો જય જયકાર થવા લાગ્યો. તે પહેલાં એટલે કે 1987માં નરેન્દ્ર મોદી પણ સંઘમાંથી ગુજરાત ભાજપના મહામંત્રી તરીકે આવી ગયા હતા.
નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાનું એક જ લક્ષ્ય હતું કે, ગુજરાતમાં ભાજપની સરકાર બને. 1995માં પહેલી વખત ભાજપની સરકાર રચાઈ તેમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા પણ નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયાનો દરેક નાના મોટા નિર્ણયોમાં અભિપ્રાય લેવાતો. તોગડિયાના અમદાવાદના સોલા ખાતે આવેલા બંગલા બહાર લાલ લાઇટવાળી કારની કતાર લાગી રહેતી હતી.
મોદી અને તોગડિયા સરકારનો ભાગ નહીં હોવા છતાં સત્તાનાં સૂત્રો તેમની પાસે હતાં તે ગુજરાતના અધિકારીઓને ખબર હતી. 1998માં ફરી વખત ભાજપની સરકાર આવી ત્યારે પણ તેમનો દબદબો તેવો જ રહ્યો હતો. ડિસેમ્બર 2002માં તોગડિયાએ ભાજપ માટે 100થી વધુ જનસભાઓ કરી હતી. વર્ષ 2002માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા પ્રવીણ તોગડિયા પાસે રહેલી તમામ સત્તાઓ આંચકી લેવાઈ હતી. ‘મને કોઈ પૂછતું નથી’ તેવા ભાવને કારણે પ્રવીણ તોગડિયા નારાજ થયા હતા.
આમ તેમના સંબંધોમાં 2002નાં વર્ષથી તિરાડ પડવાની શરૂઆત થઈ હતી. તેમના વચ્ચે અંતર તો ત્યારે વધ્યું જયારે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા. ત્યારે પ્રવીણ તોગડિયાને મળતી ઝેડ પ્લસ સિક્યૉરિટી હટાવી લેવામાં આવી હતી.
પછી 2018માં તેમને વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાયા અને તેમણે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની સ્થાપના કરી હતી. 2019માં તેમણે હિંદુસ્થાન નિર્માણ દળ નામના રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારો ઊભા રાખવાનું નક્કી કર્યું હતું. જો કે તેનાથી ભાજપથી જે હિંદુ મતદારો નારાજ હોય તે કોંગ્રેસ તરફ જવાના બદલે તેમની તરફ આવે તો કોંગ્રેસ જીતે નહીં એવી રાજકીય ચાલ તેમના દ્વારા સંઘ રમતું હોવાનું માનવામાં આવે છે. જે રીતે ગોરધન ઝડફિયા, કેશુભાઈ પટેલ અને હાર્દિક પટેલનો ઉપયોગ જાણતા કે અજાણતા ભાજપની તરફેણમાં થયો તેવો ઉપયોગ તોગડિયાનો થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.