ડ્રગ્સનો કેસ કરવાની ધમકી આપી તોડનો પ્રયાસ કરનારી નકલી પોલીસ ઝડપાઈ

અમદાવાદ, તા.૨૫

ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા સ્ટુડન્ટસને દાસ્તાન સર્કલ પાસે ડ્રગ્સ કેસના નામે ડરાવી સાત હજાર રૂપિયાનો તોડ કરવા નિકળેલા બે નકલી પોલીસવાળાની ધરપકડ કરવામાં આવી છે. નિકોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી 20 વર્ષીય દિપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ (બંને રહે. નિકોલ)ની પૂછપરછ હાથ ધરી છે.

ટયૂશનમાંથી છૂટીને ઘર તરફ જઈ રહેલા એક કિશોર અને ત્રણ કિશોરી નરોડા-કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે ઉભા રહી વાતચીત કરતા હતા. દરમિયાનમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી તમે અહીંયા શું કરો છો તેમ કહી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી આ બંને શખ્સોએ રૂપિયા પડાવવાના ઈરાદે એક કિશોર અને કિશોરીના મોબાઈલમાં ફોટા પાડી લઈ તમે ડ્રગ્સ લો છો, તેમ કહી પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી આપી હતી. જો કે, કિશોર અને કિશોરી ડર્યા વિના નિકોલ પોલીસ સ્ટેશન ખાતે જવા માટે તૈયાર થતા તેમની સાથે બંને શખ્સો પણ નિકળ્યા હતા.

બંને અજાણ્યા શખ્સોએ સ્કુલ સ્ટુડન્ટસને નિકોલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં લઈ ગયા બાદ ત્યાં જ ઊભા રહેવાની સૂચના આપી સાહેબને મળીને આવું છું. તેમ કહી સાત હજાર રૂપિયાની માગણી કરી હતી. કિશોર પાસે રૂપિયા ન હોવાથી આ બંને શખ્સોએ છેવટે 3500 રૂપિયા લઈ લેવાની પણ તૈયારી બતાવી હતી. જેથી સ્કુલ સ્ટુડન્ટે પોતાના ઘરેથી રૂપિયા લઈ આવવાનું કહીને ઘરે ગયો હતો. ઘરે જઈને કિશોરે પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આથી કિશોરના પિતાએ નિકોલ પોલીસનો સંપર્ક કરી વાત કરતા પોલીસે ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.