ઢબુડી પર અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ ધનજી પટેલ પર કાયદાનો સકંજો સતત કસાઈ રહ્યો છે, તેવામાં અંધશ્રદ્ધાનો વેપલો ચલાવનારી ઢબુડી પર અમદાવાદના ચાંદખેડામાં વધુ એક કેસ નોંધાયો છે, ધનજી ઓડે સરકારી નોકરી મળી જશે તેમ કહી એક યુવતીની માતા પાસેથી રૂ.2 લાખ પડાવી લીધા હોવાનું જણાયું છે.

બધાં દુઃખોનું સમાધાન આપતો ધનજી ઉર્ફે ઢબુડી પાસે સરકારી નોકરીની લાલસામાં એક યુવતીની માતા મૃણાલિનીબહેન ઢબુડીનાં દર્શન માટે પહોંચી હતી, જેને ધનજીએ પોતાની વિદ્યાથી સરકારી નોકરી અપાવી દેવાનું કહ્યું હતું. ત્યાં હાજર ધનજીના અનુયાયીએ આ માટે મૃણાલિનીબહેનને 11 રવિવાર ભરવા જણાવ્યું હતું, અને જો સરકારી નોકરીનું ફળ જોઈતું હોય તો રૂ.2 લાખથી 5 લાખનું દાન આપવું પડશે તેમ પણ જણાવ્યું હતું.

મૃણાલિનીબહેને વધુમાં જણાવ્યું કે, તેમના અનુયાયીએ સીધા તેમના નિવાસે જવાનું કહેતાં અમે તેમના ચાંદખેડાના નિવાસે પહોંચ્યા હતા, જ્યાં હાજર તેમના અનુયાયીઓએ અમને ઉપરના પાંચમા માળે જવા દીધા નહોતા. તેમના અનુયાયીઓના જણાવ્યા પ્રમાણે ઢબુડી કચ્છ જવા નીકળવાનો હોવાથી અમે તેના પાર્કિંગમાં ત્રણથી ચાર કલાક દર્શન કરવા ઊભા રહ્યા હતા. જ્યાં થોડીવારમાં આવેલા ધનજીએ અમને જણાવ્યું હતું કે, ઝડપથી ફળ પ્રાપ્ત કરવા રૂ.2થી 5 લાખ ચડાવો તો તમારું કામ થઈ જશે, જેથી અમે રૂ.2 લાખનો ચેક તેમને આપ્યો હતો, જે તેમણે વટાવી લીધો હતો. જે અંગે રવિવારે તેમના એક અનુયાયી કે.જે. મિસ્ત્રીએ અમને રિસિપ્ટ પણ આપી હતી.

નાણાં લીધા બાદ ઢબુડી અને તેના અનુયાયીઓએ તેમને રીતસર અવગણ્યા હતા અને તેમના તરફ ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું. આખરે છેતરપિંડી થયાનું જણાતાં પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.