રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તબીબી શિક્ષણના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાના પરિણામે આજે રાજ્યમાં તબીબી, ડેન્ટલ અને ફીજીયોથેરાપીની ૧૧૭ કોલેજોમાં ૧૧૪૬૫ બેઠકો ઉપલબ્ધ છે. જેમાં એમ.બી.બી.એસ.ની ૫૫૦૦, ડેન્ટલની ૧૩૪૦ અને ફિઝિયોથેરાપીની ૪૬૨ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ નર્સિંગની ૧૬૨૪૦, હોમીયોપેથીની ૩૬૫૦ અને આયુર્વેદની ૧૯૬૨ મળી કુલ-૩૩૩૧૭ બેઠકોનો સમાવેશ થાય છે.
એ જ રીતે મેડીકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી કોલેજો ખાતે અનુ સ્નાતક ડિગ્રી/ડિપ્લોમા અને સુપર સ્પેશિયાલિટીની ૩૪૭૧ બેઠકો ઉપલબ્ધ છે. જેમાં અનુસ્નાતક ડિગ્રી/ડિપ્લોમામાં પણ અનુસ્નાતક સુપર સ્પેશ્યાલીટી મેડિકલ બેઠકો ૧૯૪૪, ડેન્ટલ અનુસ્નાતકની ૨૫૩ અને ફિઝિયો અનુસ્નાતકમાં ૨૨૫ બેઠકો, નર્સિંગમાં ૭૯૩, હોમીયોપેથીમાં ૧૮૭ બેઠકોમાં અનુસ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.
જી.એમ.ઈ. આર.એમ. સોસાયટી હેઠળ સોલા-અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, પાટણ, વલસાડ, જુનાગઢ, હિંમતનગર અને વડનગર ખાતે એમબીબીએસની ૧૭૦ બેઠકોની વાર્ષિક પ્રવેશ ક્ષમતા સાથે મેડિકલ કોલેજ શરૂ કરાઇ છે. બ્રાઉનફિલ્ડની નવી નીતિ અનુસાર પાલનપુર અને દાહોદ ખાતે ૧૭૦ બેઠકો અને અમરેલી ખાતે ૧૫૦ બેઠકો તથા ગ્રીન ફિલ્ડ હેઠળ ૧૫૦ની ક્ષમતાવાળી નડિયાદ અને વિસનગર ખાતે મેડિકલ કોલેજ શરૂ કરી દેવાઇ છે.