તબીબે મંજૂરી વિના સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ચાલુ કરતાં સીલ કરાયું

પાટણ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલી ઓમ મેટરનીટી હોસ્પિટલમાં ડો. કિરીટ સી. પટેલે મંજૂરી મળે તે પહેલાં જ સોનોગ્રાફી મશીન લાવીને તેનો ઉપયોગ શરૂ કરી દેતાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચો સાથે રાખી હોસ્પિટલમાં બુધવારે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયું હતું. આ મામલામાં તેઓ સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગની તપાસને લઈ તબીબમાં દોડધામ મચી ગઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા પીસી એન્ડ પીએનડીટી એકટ 1994 અમલમાં મૂકેલો છે. જેમાં ડોક્ટરોએ સોનોગ્રાફી મશીનનો ઉપયોગમાં આ કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. પરંતુ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં ઓમ મેટરનીટી હોસ્પિટલના ડો. કિરીટ સી પટેલ M.D,DGO દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ નં 13 નો ભંગ કર્યાનું ધ્યાને આવ્યું હતું.

તેમણે નવું સોનોગ્રાફી મશીન લાવવા માટે 1 એપ્રિલના રોજ ડીસ્ટ્રીક એપ્રોપ્રીએટ ઓથોરિટીને અરજી કરી હતી. પરંતુ મંજૂરી મળે તે પહેલા તેમણે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન લાવી તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેને પગલે જિલ્લા એડવાઇઝરી કમિટિ દ્વારા તબીબ સામે નિયમ મુજબની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી, ત્યારે 7 ઓગસ્ટના રોજ સબ ડીસ્ટ્રીક એપ્રોપ્રીએટ ઓથોરિટી વગર તાલુકા હેલ્થ ઓફિસર ડો. અક્ષય કે પ્રજાપતિ દ્વારા અન્ય પંચોની સાક્ષીમાં હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું હતું. મશીન સીલ કરવામાં આવતાં શહેરના અન્ય તબીબોમાં ફફડાટ ફેલાયો છે.