તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત

આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો

ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે

ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા જેવું રાજ્ય પણ ગુજરાત કરતાં વધુ ખર્ચ કરે છે.

સ્વાસ્થ્ય સેવા માટે સરકારી ખર્ચ (2015-16)ના આંકડા પ્રમાણે દેશના 20 મોટા રાજ્યો પૈકી હિમાચલ પ્રદેશ પ્રત્યેક નાગરિકની માંદગીની સારવાર પાછળ વર્ષે 2316 રૂપિયાનો ખર્ચ કરે છે. માત્ર પાંચ વર્ષ પહેલાં જે રાજ્યની રચના થઇ છે તે તેલંગાણા રાજ્ય પ્રત્યેક વ્યક્તિની સારવાર પાછળ વાર્ષિક 1980 રૂપિયાનો ખર્ચ કરે છે.

કેરળ રાજ્ય 1627 રૂપિયા સાથે ત્રીજાસ્થાને છે. આતંકવાદીઓના ભયના ઓથાર હેઠળ જીવતી જમ્મુ-કાશ્મિરની જનતા માટે સરકાર 1533 રૂપિયાનો ખર્ચ કરે છે. ઉત્તરાખંડમાં 1461 રૂપિયા, કર્ણાટકમાં 1266 રૂપિયા અને ગુજરાતમાં 1239 રૂપિયાનો ખર્ચ થાય છે.

જો કે ગુજરાત સરકારનું આરોગ્ય બજેટ વધતાં 2014-15ના આરોગ્ય ખર્ચના આંકડામાં સુધારો થયો છે. 2016-17માં પ્રતિ વ્યક્તિ વાર્ષિક 1185 રૂપિયા, 2017-18માં 1310 રૂપિયા, 2018-19માં 1479 કરોડ અને 2018-19માં 1596 રૂપિયા થયો હોવાનું બજેટના આંકડા જણાવે છે.

દેશના 20 રાજ્યો પૈકી નિતીશકુમારનું બિહાર સૌથી ઓછો 425 રૂપિયાનો ખર્ચ કરે છે. દેશના વિવિધ રાજ્યોના બજેટમાં આરોગ્ય પાછળના ખર્ચાના આંકડા જોઇએ તો ગુજરાતના આંકડા પણ ઓછા છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પ્રમાણે 2020 પછી કુલ બજેટના 8 ટકા બજેટ આરોગ્ય માટે ફાળવવું ફરજીતાય બનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતે પણ તેની ટકાવારી વધારવી પડશે. હાલ ગુજરાતની ટકાવારી 5.5 છે જેમાં 2.5 ટકાનો વધારો કરવો પડશે.

આરોગ્ય માટે સરકાર ઓછું ખર્ચ કરતી હોવાથી લોકોને તેમના ખિસ્સામાંથી માંદગીનો ખર્ચ કરવો પડે છે. વિદેશમાં કેનેડા જેવા કેટલાક દેશો એવા છે કે તેના નાગરિકોના આરોગ્યનો સમગ્ર ખર્ચ સરકાર ઉપાડે છે. ગુજરાત સરકારનું ચાલુ વર્ષનું કુલ બજેટ 204815 કરોડ રૂપિયા છે જે પૈકી માત્ર 10756 કરોડ રૂપિયા આરોગ્ય પાછળ વાપરવામાં આવે છે. આ બજેટમાં આરોગ્યની ફાળવણી માત્ર 5.25 ટકા છે. રાજ્યમાં માથાદીઠ આરોગ્ય માટેનો વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે. એટલે કે પ્રતિ માસ ખર્ચ જોઇએ તો 137 રૂપિયા થવા જાય છે.