ફેબ્રુઆરીથી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.330 કરોડના 13,834 કામો થશે. જેમાં 14,000 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવાનું ફરી એક વખત નક્કી કર્યું છે. મુખ્ય પ્રધાને આ માટે એક બેઠક બોલાવીને સમિક્ષા કરી હતી. સુજલામ સુફલામ નેટવર્ક આધારિત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય અને જળસ્તર ઊંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભું કરવાનું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ હતું.
તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડીસીલ્ટીંગ, નવા તળાવ, નવા ચેકડેમ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, હયાત ચેકડેમની મરામત, નહેરોની મરામત અને જાળવણી, નદીઓને પુન:જીવિત કરવામાં આવી રહી છે. તાલુકા દીઠ જળસંચયના કામોમાં 5 મોટા તળાવો વિકસાવવામાં આવશે. અત્યાર સુધીમાં 2088 કામો પુર્ણ થયા છે તથા 2988 કામો ચાલી રહ્યાં છે.
રૂપાણીએ 2018નો હિસાબ જાહેર ન કર્યો
2018માં 11,000 લાખ ઘનફુટ પાણીના સંગ્રહ કરવાના કામ થયા હતા. ગુજરાતની હયાત પાણીની સંગ્રહ ક્ષમતા દોઢ ગણી વધારી હતી. ગુજરાતના 13 હજાર તળાવો ઉંડા કરાયા હતા. 32 નદીઓને પુન:જીવન કરાઈ હતી. 5500 કિલોમીટરની નહેરો સાફ થઈ હતી. પીવાના પાણીના ભૂંગળામાંથી 33 હજાર વાલ્વમાંથી પાણી નિકળતું હતું તે બંધ કર્યું હતું. સિંચાઇને અભાવે જે કૃષિ શક્ય નહોતી બનતી તે હવે શક્ય બનશે. ભવિષ્યની પેઢી પાણીની તંગીથી મુક્ત બને તે માટે સમગ્ર રાજ્યમાં 2 લાખ લોકોનો શ્રમયજ્ઞ, 15 હજાર જે.સી.બી. ટ્રેકટર દ્વારા કામ થયું છે.
આ કામ પૂરા થયા હોત તો આજે પાણીની તંગી ન હોત. તેમ છતાં આ કામ કરીને તે કેટચલા સફળ રહ્યાં તેની વિગતો રૂપાણી સરકારે જાહેર કરી નથી.