તસ્કરોના ટાર્ગેટ પર એટીએમ, ઘીકાંટા અને સરખેજમાં ચોરીનો પ્રયાસ

અમદાવાદ, તા.26

ના તહેવારોમાં તસ્કરોએ એટીએમને ટાર્ગેટ કર્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અગિયાર દિવસમાં તસ્કરોએ સરખેજમાં બે અને ઘીકાંટામાં એક એમ કુલ ત્રણ એટીએમ તોડ્યા છે. દસ દિવસ અગાઉ સરખેજના એસબીઆઈના એટીએમને કાપી તસ્કરો 9.39 લાખ ચોરી ગયા છે. જ્યારે આજે વહેલી પરોઢે સરખેજ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર એક પરપ્રાંતીય શખ્સને ડીસમીસ-પાના સાથે પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે.

હાંસોલ અરવિંદ સોસાયટીમાં રહેતા વિમલ સુથાર (ઉ.36) ઘીકાંટા નગરશેઠના વંડામાં આવેલી સિંડીકેટ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. વિમલ સુથારે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે શુક્રવારે વહેલી પરોઢ પહેલા કોઈ બે અજાણ્યા શખ્સોએ ગેસ કટરની મદદથી એટીએમ તોડી રોકડ ચોરવાનો પ્રયાસ કર્યો છે. કારંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી તરફ આજે વહેલી પરોઢ પહેલા સરખેજ પોલીસના સર્વેલન્સ સ્કવૉડના પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે સમયે એક ચોરને એટીએમ તોડતા રંગે હાથ પકડી લીધો છે. ટાટા કોમ્યુનિકેશન પેમેન્ટ સોલ્યુશન લીમીટેડનું સરખેજ ગામ સાર્વજનિક સ્કુલ સામે વાઈટ લેબલ એટીએમ આવેલું છે. એટીએમ તોડવાનો પ્રયાસ કરતા કમલેશ શ્રીનાથ સરોજ (ઉ.21 રહે મજૂર કોલોની, ડાયમંડ ટેક્ષટાઈલ કંપની કેનાલ રોડ, ચાંગોદર મૂળ રહે. ઉત્તરપ્રદેશ) પાના-ડીસમીસ સાથે ઝડપાતા સરખેજ પોલીસે ટાટા કંપનીના ફિલ્ડ ઓફિસર હરેશ પરમારની ફરિયાદ આધારે ગુનો નોંધી ધરપકડ કરી છે.

દસ દિવસ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનની સામે હિમાલયા કોમ્પલેક્ષમાં આવેલા એસબીઆઈના એટીએમમાંથી 9.39 લાખની ચોરી થયા બાદ પોલીસે નાઈટ પેટ્રોલીંગમાં એટીએમ તપાસવાનું શરૂ કર્યું છે.