શહેરના મેયર ડૉ. જગદીશ પટેલે જેનું ઓપનિંગ કર્યું તે તાપી રિવરફ્રન્ટ પર પરછાઈ એક્ઝીબિટર્સ દ્વારા બનાવવામાં આવેલા સનસિટી ફેન્ટસી પાર્કમાં પાર્કિંગના દરોમાં આડેધડ વસૂલી કરી સહેલાણીઓના ખિસ્સા હળવા કરવામાં આવી રહ્યાં છે. અહીં ટેન્ડરમાં નક્કી કરેલી રકમ કરતા બમણી રકમ પેટા પાર્કિંગ કોન્ટ્રાક્ટર સુમન એન્ટરપ્રાઈઝ દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે અને તે માટેના બોર્ડ પણ ત્યાં લગાડવામાં આવ્યા છે. જ્યારે, સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનના અધિકારીઓ આ મામલે મૌન છે. રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર જયેશ સોલંકીએ કહ્યું હતું કે, પાર્કિંગ ચાર્જ પેટે ટેન્ડરમાં નક્કી કરેલી રકમ જ વસૂલવાની હોય. તેના કરતા વધુ રૂપિયા ન લઈ શકાય. તેઓ આ મામલે ટેન્ડરનો અભ્યાસ કરી જરૂરી પગલાં લેવાનું પણ કહી રહ્યાં છે. જોકે, ત્યાં સુધી તો સુરતીઓ લૂંટાતા જ રહેશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા બાપુનગર ઝૂંપડપટ્ટી ખસેડી તેની જગ્યાએ તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ બે વર્ષમાં જાળવણીના અભાવે તે ગંદુગોબારું બની ગયું હતું અને અહીં અસામાજિક તત્ત્વોએ તેમનો અડ્ડો જમાવી દીધો હતો. પરિણામે પાલિકાએ અહીં ફેન્ટસી પાર્ક બનાવવાનું નક્કી કર્યું હતું અને તે ચલાવવા માટે પરછાઈ એક્ઝીબિટર્સને કોન્ટ્રાક્ટ આપી તેને લીવ એન્ડ લાઈસન્સ હેઠળ રૂપિયા 2.20 લાખ ત્રિમાસિક અને દર વર્ષે તેમાં વધારો કરવાની શરતે આપ્યું હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા બાપુનગર ઝૂંપડપટ્ટી ખસેડી તેની જગ્યાએ તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું હતું, પરંતુ બે વર્ષમાં જાળવણીના અભાવે તે ગંદુગોબારું બની ગયું હતું અને અહીં અસામાજિક તત્ત્વોએ તેમનો અડ્ડો જમાવી દીધો હતો. પરિણામે પાલિકાએ અહીં ફેન્ટસી પાર્ક બનાવવાનું નક્કી કર્યું હતું અને તે ચલાવવા માટે પરછાઈ એક્ઝીબિટર્સને કોન્ટ્રાક્ટ આપી તેને લીવ એન્ડ લાઈસન્સ હેઠળ રૂપિયા 2.20 લાખ ત્રિમાસિક અને દર વર્ષે તેમાં વધારો કરવાની શરતે આપ્યું હતું.
ટેન્ડરમાં પરછાઈ એક્ઝીબિટર્સને પાર્કિંગ ચાર્જ પણ વસૂલવાનો હવાલો આપી દેવાયો હતો અને ટેન્ડરમાં મહાનગરપાલિકાએ પહેલા બે કલાક માટે ટુવ્હીલના પાંચ રૂપિયા, થ્રીવ્હીલના રૂપિયા 10, ફોરવ્હીલના રૂપિયા 20 જ્યારે મીડલ અને હેવી વ્હીકલના રૂપિયા ૫૦ નક્કી કરાયા છે અને ત્યારબાદના ચાર કલાક માટે ટુવ્હીલના રૂપિયા10, ફોરવ્હીલના રૂપિયા 20નો દર રખાયો છે, જ્યારે થ્રી વ્હીલના રૂપિયા 15, મીડલ અને હેવી વ્હીકલના રૂપિયા 80 નક્કી કરાયા છે. પરંતુ પરછાઈ એક્ઝીબિટર્સે જેને પેટા કોન્ટ્રાક્ટર આપ્યો છે તે સુમન એન્ટરપ્રાઈઝે તદ્દન નવું જ લિસ્ટ ચીપકાવ્યું છે અને તેમાં પહેલા બે કલાક નહીં પરંતુ સીધો પહેલા ત્રણ કલાકનો દર લખાયો છે અને તેમાં ભાવો બમણા એટલે કે ટુવ્હીલર પાર્કિંગ માટે પહેલા ત્રણ કલાકના રૂપિયા 10, લાઈટ વાહનો અને ફોર વ્હીલ માટે રૂપિયા 30 અને મીડલ તેમજ હેવી વ્હીકલ માટે રૂપિયા 90ના દરો નક્કી કરી તે મુજબ ગત 15-20 દિવસથી ભાડું વસૂલવાનું શરૂ કરી પોતાના ખિસ્સા ભરવા માંડ્યા છે.
ઉલ્લેખનીય છે કે પરછાઈ એક્ઝીબીટર્સને વર્ષ 2016માં કામ સોંપાયું ત્યારે તેને દોઢ વર્ષમાં તૈયાર કરીને શરૂ કરવાની શરત મુકાઈ હતી, પરંતુ આ કામ વર્ષ 2019 સુધી ખેંચાયું અને ફેખ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તેનું ઓપનિંગ મેયરના હસ્તે કરાયું. જોકે, આ કામ પણ અધૂરું જ રહ્યું છે અને તાપી રિવરફ્રન્ટનો માત્ર એક જ ભાગ શરૂ કરી શકાયો છે. જ્યારે હજી પણ બે ભાગમાં કામ બાકી છે. કહેવાય છે કે પરછાઈ એક્ઝિબીટર્સ પર ભાજપ શાસકોના ચાર હાથ છે. ડે. મેયર નિરવ શાહના દબાણ હેઠળ આટલું કામ પણ થયું અને એક ભાગ ખુલ્લો મુકાયો, પરંતુ બીજી તરફ હકીકત એ પણ છે કે પ્રોજેક્ટમાં મોડું કરવા છતા રાંદેર ઝોને તેની સામે નોટિસ સિવાય કોઈ પગલાં લીધા નથી. પરિણામે મહાનગરપાલિકાએ લાખોની આવક ગુમાવવાનો વારો આવ્યો છે.