તીડથી બચવા ઢોલ વગાડો, મોટેથી બુમો પાડો: પરસોત્તમ રૂપાલા

કચ્છમાં તીડનું આક્રમણ બાડમેરથી રણ રસ્તે થયું છે, કચ્છમાં રાજસ્થાનથી રણ રસ્તે થયેલા તીડનાં આક્રમણ’ને પગલે કચ્છના ખેડૂતોમાં ચિંતા, ભય અને ઉચાટ પ્રવર્તી રહ્યા છે, ત્યારે રાજય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન પરશોત્તમ રૂપાલા પરિસ્થિતિનો તાગ મેળવવા કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે પહોંચ્યા હતા. કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષ પછી સારો વરસાદ પડ્યો છે જેને પગલે પાકનું વાવેતર ખૂબ જ સારું થયું છે, પરંતુ સરહદી વિસ્તારના લખપત, અબડાસા, ખાવડા અને ખડીર વિસ્તારમાં તીડના ટોળાઓ દેખાતાં ખેડૂતોના પાકનો સોથ વળી જવાની ચિંતા ઉભી થઇ છે.

રૂપાલાએ તીડના કારણે ઉદ્દભવ થયેલી પરિસ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથેચર્ચા કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી પાસેથી તંત્ર દ્વારા તીડના ઉપદ્રવને ડામવા કરાયેલા પ્રયત્નો વિશે જાણકારી મેળવી હતી.

રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના બાડમેરમાં તીડનો ઉપદ્રવ થયો છે, ત્યાં પણ પરિસ્થિતિ કાબૂ હેઠળ છે, કચ્છમાં તીડનું આક્રમણ બાડમેરથી રણ રસ્તે થયું છે, પણ કચ્છમાં શરૂઆતથી જ તંત્રની સજાગતાને કારણે તીડના ઉપદ્રવની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ખેતીને કે પાકને મોટું કોઈ નુકસાન થયું નથી. ખેતરમાં અને ઘાસિયા મેદાનમાં જ્યાં તીડ જોવા મળ્યા છે, ત્યાં પૂરતા પ્રમાણમાં સતત દવાનો છંટકાવ કરીને તીડનો નાશ કરાઈ રહ્યો છે.

ખેડૂતોને પણ તીડના ટોળાને ભગાડવા માટે ઢોલ વગાડવા, મોટેથી બુમો પાડવાના દેશી ઉપાયોની સમજ તેમજ દવા છંટકાવ માટે હેકટર દીઠ 1500 રૂપિયા (એક હજાર પાંચસો રૂપિયા)ની સહાય જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા અપાઈ રહી છે. ખેડૂતોને મદદરૂપ બનવા ગ્રામસેવકો અને તલાટીઓને ગામમાં હાજર રહેવા સૂચના અપાઈ છે. છતાંયે જો તીડના ઉપદ્રવથી પાકને કોઈ નુકસાન થશે તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના સંકલનમાં રહીને ખેડૂતોને મદદ કરવામાં આવશે.