તેનીવાડા હાઇવેની હોટલ ઉપર ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઈસમને દબોચ્યો : એક આરોપી ફરાર

છાપી, તા.૧૬
જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ છાપી પીએસઆઈ આઈ.એચ હિંગોરાને મળેલ બાતમી આધારે છાપી નજીક તેનીવાડા હાઇવેની એક હોટલ ઉપર રેડ પાડતા પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઈસમ નાસી છૂટવામાં સફળ થયો હતો.
વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર અસામાજિક પ્રવૃતિઓ વધવા સાથે હોટલો ઉપર આવતા જતાં ઓઇલ ભરેલ ટેન્કરોમાંથી મોટા પ્રમાણમાં ઓઇલ ચોરી કરવાનું ષડ્યંત્ર કાર્યરત હોવાની રાવ ઉઠવા પામી છે. દરમિયાન સોમવારે છાપી પોલીસ સહિત બોર્ડર રેન્જ ભુજ દ્રારા ઓઇલ ચોરીના ષડ્યંત્રનો પર્દાફાશ કરી રૂ. ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરમિયાન મંગળવાર રાત્રે છાપી પીએસઆઈની સૂચનાથી એએસઆઈ ગણપતભાઈ પોકો ધીરેનભાઈ અને મહેશભાઈએ તેનીવાડાની અંબિકા હોટલ ઉપર રેડ કરી કુલ બે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે ઇસમો પૈકી એકને ઝડપી પાડી ડીઝલ લીટર ૨૪૦ સહિત બે ટેન્કર બે જીપ ગાડી સહિત કુલ રૂ. ૧૯,૬૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી અભેસીંગ સુરાજી રાજપૂત રહે. રજોસણા તા. વડગામની અટકાયત કરી ઓઇલ ચોરીના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો. છાપી પોલીસે હાઇવે વિસ્તારમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે ડીઝલ ચોરીમાં સંડોવાયેલ અન્ય એક ઈસમ અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યો હતો. જેને ઝડપવા પોલીસે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

છાપી પીએસઆઈ સહિત છ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા

સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છાપી પોલીસ મથકના પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ અને એલસીબી પોલીસ પાલનપુરના બે એએસઆઈને ફરજમાં બેદરકારી દાખવતા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગગલ દ્રારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર ટેન્કરોમાંથી ઓઇલ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા ભુજ રેન્જ આઈજી દ્રારા નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેથી છાપી પોલીસ સહિત એલસીબી દ્રારા રેડ પાડવામાં આવી હતી. જોકે રેડ દરમિયાન કઈ હાથ ન લાગતા રેડ નિલ બતાવવામાં આવી હતી. દરમિયાન છાપી પોલીસે સોમવાર રાત્રે તેનીવાડા હાઇવે ઉપર આવેલ મહાદેવ હોટલના માલિકના ઘરના વાડામાંથી ૩૮૫ કિલો દિવેલ (કિંમત ૩૮૫૦૦ )ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરમિયાન આરઆરસેલે ભુજ દ્રારા મહાદેવ હોટલના કંપાઉન્ડમાં ટેન્કરમાંથી દિવેલનો જથ્થો ચોરી કરતા બે ઈસમોને રંગેહાથ ઝડપી ટેન્કરમાંથી ઓઇલ ચોરીના ષડ્યંત્રનો પર્દાફાશ કરતા રૂ. ૪૪ લાખ ઉપરાંતનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા છાપી પીએસઆઈ આઈ.એચ હિંગોરા એએસઆઈ ગણપતભાઈ ભીખાભાઇ પીસી ધીરેનભાઈ હીરાભાઈ તેમજ પીસી મહેશભાઈ હરિભાઈ સહિત એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ મોહનસિંહ ભીખાજી તેમજ ખુમાજી રામાજીને તેઓની ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. છાપી પીએસઆઈ સહિત છ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસ બેડામાં ચણભણાટ સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

નવા પીએસઆઈ એ ચાર્જ સંભાળ્યો

છાપી પોલીસ મથકના પીએસઆઈને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફરજ મોકૂફ કરાતા તેમની જગ્યાએ નવા પીએસઆઈ આર.પી.ઝાલાની નિમણૂક થતા તેઓએ બુધવારે ચાર્જ સંભાળ્યો હતો.

આરોપી ઓ બે દિ’ ના રિમાન્ડ ઉપર

તેનીવાડા મહાદેવ હોટલ ઉપર ઓઇલ ચોરીમાં ઝડપાયેલ બન્ને આરોપીને ના. વડગામ કોર્ટમાં છાપી પોલીસે રજૂ કરતા ના. કોર્ટે બન્ને આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મજુંર કર્યા હતા.