તેલીબીયા તેલબજારની મંદીની સાયકલ પૂર્ણતાને આરે: પામતેલ તેજીની આગેવાની લેશે

અમદાવાદ,તા:૦૩

તેલીબીયા અને ખાદ્યતેલ બજારે મંદીની એક સાયકલ પૂર્ણ કરી લીધી છે, નબળા ઉત્પાદન અને વધતા દરે બાયોડીઝલ વપરાશ પર સવાર થઈને ૨૦૨૦ની તેલીબીયા મોસમમાં તેજી આવી રહી છે. જો કોઈ અણધાર્યા સંયોગો ઉભા નહિ થાય તો માર્ચ ૨૦૨૦ સુધીમાં બુર્સા મલેશિયા ડેરીવેટીવ્ઝ ત્રિમાસિક વાયદો ૨૫૦૦ રીંગીટની ઊંચાઈ વટાવી તેજીની આગેવાની લે તેવી શક્યતા છે. સોયાતેલના ભાવ ૭૦૦ ડોલર એફઓબીથી ઉપર જવાની સંભાવના છે. જો કે સોફ્ટ ઓઈલ સામે પામઓઇલના વર્તમાન ડિસ્કાઉન્ટ વધુ સંકળાઈ જવાની ધારણા છે. મધ્ય સપ્ટેમ્બરમાં મુંબઈ ખાતે યોજાયેલી ગ્લોબ ઓઈલ ઇન્ડીયા ૨૦૧૯ કોન્ફરન્સ પછી www.commoditydna.com એડિટર ઇબ્રાહિમ પટેલ સાથેની એક મુલાકાતમાં, ગોદરેજ ઇન્ટરનેશનલ લંડનના ડીરેક્ટર દોરાબ મિસ્ત્રીએ તેલીબીયા બજારનું વિહંગ અવલોકન વ્યક્ત કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેલીબીયા બજારનું ૨૦૨૦નું વર્ષ વ્યાપક ઉતાર ચઢાવ સાથે તેજી તરફી ઝુકાવવાળું રહેશે, આ માટે તેમણે સંખ્યાબંધ કારણો ગણાવ્યા હતા. હવામાનમાં અલ-નીનોની અસર પામોઈલ ઉત્પાદક દેશોમાં ઓક્ટોબર એન્ડ સુધી રહેવાની છે. આ જોતા ૨૦૨૦નુ પામઓઈલ ઉત્પાદન અસર પામશે. અમેરિકા ચાઈના ટ્રેડ વોર અટકવાના કોઈ સંકેત નથી મળી રહ્યા, અમેરિકન સોયાબીન ખેડૂતોએ આ ઝઘડામાં અબજો ડોલરનું નુકશાન સહન કર્યું છે, તેઓ હવે સોયાબીન વાવેતર  માટે જમીન ફાળવવા બાબતે સો વાર વિચાર કરશે. યુરોપમાં બ્રેક્ઝીટ પછીની આર્થિક સ્થિતિ વિચિત્ર થવાની છે. ચીન જે અત્યાર સુધી વિશ્વમાં સૌથી વધુ તેલીબીયા આયાત કરતુ, તે હવે ખાદ્યતેલની આયાત કરશે.

ભારતમાં અતિવૃષ્ટિને લીધે ખરીફ તેલીબીયા પાકની નબળાઈ જોતા, ખાધતેલની આયાત, વર્તમાન વર્ષની ૧૫૬ લાખ ટનથી વધીને ૧૬૩ લાખ ટન થવાની શક્યતા વધી ગઈ છે. સન ઓઈલ સેલરો મોટાપાયે સ્પર્ધામાં ઉતર્યા છે, તેઓ ખુબ જ સ્પર્ધાત્મક ભાવ ઓફર કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં સોયા તેલ સામે સન ઓઈલને વધુ પ્રીમીયમ મળવાની શક્યતા પણ એટલી જ છે. અલબત્ત, આ પ્રીમિયમનો આધાર ભારત, ચીન અને ઈરાન આયાત માટે કેટલા ઉત્સુક રહેશે તેના પર છે. જાગતિક ખાધ્યતેલની માંગ, ૨૦૧૮-૧૯ જેટલી જ ૨૦૧૯-૨૦મા ૭૦ લાખ ટન વધશે, પણ સપ્લાય વધારો ૩૫ લાખ ટન રહેવાની શક્યતાથી માંગ પુરવઠા વચ્ચેનો ગાળો, ભાવને ઉંચે જવામાં મદદ કરશે.

ઇન્ડોનેશિયા અને બ્રાઝીલે બાયો ડીઝલમાં વેજ ઓઈલનો વપરાશ વધારવા નિર્ધાર વ્યક્ત કર્યો છે. ૨૦૧૯મા બાયોડીઝલ ઉત્પાદનમાં ૪૫૦ લાખ ટન ખાધતેલનો વપરાશ થયો હતો. આગામી વર્ષે પામ મિથાઈલ એસ્ટર (પીએમઈ)માં જ ૧૭૦ લાખ ટન પામોઈલ વપરાવાનો અંદાજ છે. ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં ઇન્ડોનેશિયા બેઝલ-૩૦નો પૂર્ણ અમલ કરી શકે તેવી સ્થિતિ અત્યારે નથી, પણ બીજા ત્રિમાસિકમાં જો આ શક્ય બનશે તો તે નિકાસ જકાત પુન: નાખતા અચકાશે નહિ. યુરોપમાં ૨૦૧૯નો રાયડા પાક નબળો આવ્યો છે, યુરોપીયન ક્નોલા (રાયડા)એ ચીનની નિકાસબજાર લગભગ ગુમાવી દીધી છે.

હવે એ જોવાનું છે કે યુરોપ કેટલા કાનોલા પીલાણ અને નિકાસ કરશે. અલબત્ત સોયા અને સનઓઈલ કરતા રાયડાતેલને ઊંચું પ્રીમીયમ પ્રાપ્ત થશે, એ નક્કી છે. પ્રોત્સાહક ચોમાસાને લીધે ભારતમાં શિયાળુ પાક માટે જમીનમાંનો ભેજ રાયડા પાકને સમૃદ્ધિ બક્ષશે. અલબત્ત, વિશ્વબજારમાં તેલીબીયા ખોળની માંગ નબળી પડી હોવાથી ભારતની પીલાણ મિલોનાં માર્જીન ઘટી શકે છે. પણ સર્વાંગી રીતે જોઈએ તો ભારતની તેલીબીયા ઈકોનોમી માટે આગામી વર્ષ તંદુરસ્ત ગણી શકાય. દોરાબ મિસ્ત્રીનું માનવું છે કે આગામી વર્ષે ક્રુડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૬૦થી ૮૦ ડોલર આસપાસ રહેશે. યુએસ ફેડરલ રીઝર્વ ઇઝી મની પોલીસી અપનાવશે. આ બધા વચ્ચે ૨૦૨૦મા વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર ધીમો પડશે. અમેરિકન રાજકારણમાં ઉથલપાથલ અને ડોલરનું મુલ્ય ઘટવા જેવી બાબતો પણ તેલીબીયા બજારના અન્ડર ટોનને અસર કરશે.