– પ્રો. હેમંતકુમાર શાહ
એચ. કે. આર્ટ્સ કોલેજ,
અમદાવાદ.
અમદાવાદમાં ગઈ કાલે એલ ડી આર્ટ્સ કોલેજ ખાતે જે ઘટના બની તેના સંદર્ભમાં અધ્યાપકોએ આજે કાળી પટ્ટી લગાડીને વિરોધ નોંધાવ્યો. પરંતુ શું એટલા માત્રથી આવી ઘટનાઓ બંધ થશે ખરી? કરછ યુનિવર્સિટીમાં અને ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બનેલી ઘટનાઓ હજુ તાજી જ છે. કેટલાક મુદ્દા આ સંદર્ભમાં મહત્ત્વના જણાય છે:
(૧) કોલેજોમાં એડમિશન માટેની જે ઓનલાઇન અને ઓફ્લાઈન પ્રક્રિયા છે તે કેટલી યોગ્ય છે તેને વિષે ખૂબ જ ઝડપથી વિચારવું જોઈએ. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં કોલેજોને સ્વાયત્ત બનાવવાની વાત પર ભાર મૂકાયો છે. ત્યારે એડમિશન માટેની કેન્દ્રીકૃત વ્યવસ્થા કેટલી યોગ્ય છે?
(૨) એડમિશન માટે દાદાગીરી કરનારાં તત્ત્વો સામે આચાર્યો અને અધ્યાપકો શા માટે નમતું જોખે?
(૩) એબીવીપી હોય કે એનએસયુઆઈ, તેમના નેતાઓ કહે તેમ એડમિશન આપવા માટે કોઈ પણ કોલેજ બંધાયેલી નથી. પણ ક્યારેક આચાર્યો અને ક્યારેક ટ્રસ્ટીઓ તેમના અંગત સંબંધો અને મહત્ત્વાકાંક્ષા ખાતર એ નેતાઓને શરણે જાય છે એ શું હકીકત નથી?
(૪) ઘણી વાર અનેક બાબતોમાં વિદ્યાર્થી નેતાઓની ધમકીઓને કોલેજૉના આચાર્યો અને ટ્રસ્ટીઓ પણ વશ થઈ જાય છે. ‘આંગળી આપો એટલે પહોંચો પકડાય’ એવી ગુજરાતી કહેવત છે તે કામ નથી કરતી શું? એક વાર ધમકીને વશ થાવ એટલે તોફાની નેતાઓને ફાવતું જડે એમ ન બને?
(૫) તોફાની વિદ્યાર્થી નેતાઓને ઘણા અધ્યાપકો પણ અને આચાર્યો પણ ટેકો આપે છે એવું શું નથી બનતું? એનાં કારણો ઘણાં હોઈ શકે છે.
(૬) જેમ તોફાની અને ગુનાઇત પ્રવૃત્તિ કરનારી વ્યક્તિઓ વિધાનસભાઓ અને લોકસભામાં ચૂંટાય છે એમ યુનિવર્સિટીની સેનેટમાં પણ ઘણી વાર એવા જ વિદ્યાર્થી નેતાઓ ચૂંટાય છે એવું શું નથી બનતું?
(૬) સૌથી મોટો પ્રશ્ન તો કાયદાના શાસન અંગેનો છે. આજકાલ સમગ્ર દેશમાં જે અંધાધૂંધી પ્રવર્તે છે તેનું જ નાનું પ્રતિબિંબ એલ ડી આર્ટ્સ કોલેજની ગઈ કાલની ઘટના છે. તોફાની તત્ત્વો એમ માને છે કે તેમની રાજકીય વગ છે એટલે તેમને કશું થવાનું જ નથી. પોલિસ, કાયદા કે અદાલતનો ડર કોઈ તોફાનીને રહ્યો નથી એનું જ આ પરિણામ છે. વળી, પોલિસ કે સરકાર તોફાનીઓની વહારે જ આવશે એવી ખાતરી આચાર્યો અને અઘ્યાપકોને છે. દેશની સમગ્ર શાસન વ્યવસ્થાનો આ માહોલ છે. એટલે તેમને માટે તો जाए तो जाए कहां જેવો ઘાટ છે. આ વાત કંઇ આજની છે એવું નથી, દાયકાઓ જૂની છે, પણ વર્તમાનમાં આવી ઘટનાઓનો ગુણાકાર થઈ ગયો છે. આ રીતે તોફાનીઓ માટેનું રસીકરણ થયું છે અને શિક્ષણ જગતનું ખસીકરણ થયું છે! શિક્ષણ જગત જ્યારે સરકાર અને સત્તાધીશોનું ઓશિંગણ બને ત્યારે આવું જ થાય એ સમજવાની તૈયારી અને સાચું લાગે તે વ્યક્ત કરવાની હિંમત સૌએ દાખવવાની આવશ્યકતા છે. ડર છોડીએ અને કોઈ હોદ્દાની લાલચમાં ના ફસાઇએ તો જ હિંમત આવે. જ્યારે શિક્ષણ જગતમાં બનેલી એક ઘટના વિશે અવાજ નથી ઊઠતો ત્યારે કોઈ પણ કોલેજ, અધ્યાપક, આચાર્ય કે કુલપતિનો નંબર એમાં લાગી શકે છે એ બધા ભૂલી જાય છે એમ લાગે છે.
(૭) વ્યક્તિગત રીતે કોઈની ઉપર આરોપ મૂકવાનો આ સમય નથી પણ સમગ્ર વ્યવસ્થાને જે લૂણો લાગ્યો છે એનો સવાલ છે. વ્યવસ્થાઓ બદલાવી જોઈએ અને અધ્યાપકો, આચાર્યો, તેમનાં મંડળો, યુનિવર્સિટીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધીશો પોતાનાં વલણો બદલે તો જ કંઇક સુધારાને અવકાશ છે, બાકી તોફાનીઓની ગુલામી નક્કી છે.
તા. ૧૨.૦૭.૨૦૧૯