અમદાવાદ, તા.૧
દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ અમૂલ બળવંતરાય ભટ્ટે બેઠક બાદ કહ્યું, મંદિર વિકાસ પ્રોજેકટ માટે કનસલ્ટન્ટની નિમણૂંક કરાઈ છે. એમનો રિપોર્ટ આવ્યા બાદ રાજય સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાશે. મંદિર પ્રોજેક્ટમાં મંદિર તરફથી શું કામગીરી કરાશે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, મંદિર તરફથી તેમના હસ્તક જે પ્લોટો આવેલા છે એ અમપા અને કલેકટરને હસ્તગત કરાશે. ઉપરાંત આ વિસ્તારમાં આવેલી મંદિરની મિલ્કતોમાં ભાડુઆતો પણ છે તેમને અન્યત્ર ખસેડવાની જવાબદારી મંદિર તરફથી કરાશે બાકી કોઈ કામગીરી તેમના તરફથી કરવામાં નહીં આવે. મંદિર વિકાસ પ્રોજેક્ટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. જેમાં પહેલા મંદિર પરિસર અને ગાર્ડનની કામગીરી કરાશે. આ કામગીરી દોઢ વર્ષમાં પૂરી કરાશે. બીજા ફેઝમાં જળયાત્રાના રૂટમાં જે કેટલાક બાંધકામો છે તેમને અન્યત્ર વૈકલ્પિક જગ્યા આપી સ્થળાંતરિત કરાશે. ત્રીજા ફેઝમાં સોમનાથ ભુધરના આરાનો વિકાસ કરી બનારસ પેટર્ન મુજબ જગદીશ મંદિરથી રીવરફ્રન્ટ સુધીની કામગીરી પૂરી કરાશે.
આ પ્રોજેકટમાં ટીપી સ્કીમ નંબર-એક વેરિડ કરવાની થશે તો કેટલી મિલ્કતો અન્યત્ર ખસેડવી પડશે એવા એક પ્રશ્નના જવાબમાં ચેરમેને કહ્યું, એનો સર્વે કરાશે. હાલ તરત તો નદીના જે છાપરા પ્રકારના બાંધકામો છે એ તેમજ મંદિરની માલિકીની કેટલી મિલ્કતો દૂર કરવી પડે એમ છે એ જોવાશે. અને એ મિલ્કતો દૂર કરવાની કામગીરી અમપા દ્વારા કરાશે. આ વિકાસ કરવા પાછળનો મુખ્ય હેતુ શો છે એવા એક પ્રશ્નના જવાબમાં ચેરમેને કહ્યું, જગદીશ મંદિર સાથે આ શહેર અને રાજ્યના લાખો ભાવિકોની શ્રદ્ધા સંકળાયેલી હોઈ આ દરખાસ્ત મંજૂર કરાઈ છે.
રોડ રીસરફેસના કામો શરૂ કરો હવે બહુ થયું
આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ઝીરો અવરમાં સભ્યો દ્વારા શહેરમાં પેચવર્કના કામો પૂરા થયા છે. ચોમાસું પણ હવે પુરૂં થયું છે ત્યારે ઝડપથી રોડ રિસર્ફેસના કામો હાથ ધરવા તંત્રને સુચના આપવામાં આવી છે. તેમણે કહ્યું, પંદર દિવસમાં અમદાવાદ શહેરમાં કયા વિસ્તારમાં કેટલા કિલોમીટરના રોડ રિસર્ફેસ થયા એની વિગતો જાહેર કરાશે. ઉપરાંત દિવાળીમાં ફટાકડા ફૂટ્યા બાદ શહેરમાં જોવા મળતા ઠેર ઠેર કચરાના ઢગલા ઉપાડવા અને રાત્રિ સફાઈ સઘન બનાવવા પણ સૂચના અપાઈ છે.