ત્રણ સેશનમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૯૩ પોઇન્ટ અને સેન્સેક્સ ૬૨૬ પોઇન્ટ ઉછળ્યા

અમદાવાદ,તા:૧૫ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક થઈ હતી. સતત ત્રીજા દિવસે શેરબજાર તેજી સાથે બંધ રહ્યું હતું. આઇટી સિવાયના તમામ સેક્ટરના શેરોમાં તેજી થઈ હતી. ખાસ કરીને ઓટો, બેન્ક અને મેટલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ શેરોમાં પણ લેવાલીથી સેન્ટિમેન્ટ તેજીમય વાતાવરણ હતું. જેથી સેન્સેક્સ 292 પોઇન્ટની તેજી સાથે 38,506.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 87.15ની તેજી સાથે 11,400ની સપાટી કુદાવીને 11,428.30ના મથાળે બંધ રહ્યો હતો.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ પર ચીને હસ્તાક્ષર કર્યાના અહેવાલો હતા. ચીને આ અહેવાલોને સમર્થન આપ્યું હતું. જેથી મેટલ શેરોમાં જોરદાર ઉછાળો હતો. જેથી તાતા મેટાલિક, તાતા સ્ટીલ, જેએસપીએલ, વેદાંતા અને હિન્ડાલ્કોમાં તેજી થઈ હતી. આ સાથે બેન્કિંગ શેરોમાં પણ લાવ-લાવથી બેન્ક નિફ્ટી 373 પોઇન્ટ વધીને 28,555.10ના મથાળે બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી સાથે નિફ્ટી ઓટો 2.23 ટકા, નિફ્ટી એફએમસીજી 1.10 ટકા, નિફ્ટી મેટલ 1.56 ટકા, નિફ્ટી મિડિયા 1.31 ચકા  અને નિફ્ટી રિયલ્ટી 0.65 ટકા વધ્યો હતો.  છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 193 પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ત્રણ દિવસમાં 542 પોઇન્ટ વધ્યો હતો. ત્રણ દિવસમાં સેન્સેક્સ 626 પોઇન્ટ વધ્યો હતો.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 24 શેરોમાં તેજી થઈ હતી અને એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 50માંથી 41 શેરોમાં તેજી થઈ હતી. મુંબઈ શેરબજારમાં 1228 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1428 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક  એક્સચેન્જ પર 951 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1176 શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે બેન્ક નિફ્ટીના 12એ 11 શેરો વધીને સાથે બંધ થયા હતા.

જિંદાલ ડ્રિલિંગ 13 ટકા વધ્યો, વીએ ટેક વાબેગ 18 ટકા તૂટ્યો

જિંદાલ ડ્રિંલિંગના શેરોમાં ભારે તેજી થઈ હતી. કંપનીને ઓએનજીસી પાસેથી ત્રણ વર્ષનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. જેથી આ સમાચારે શેરોમાં  તેજી હતી. જેથી શેર અંતે 12.42 ટકા વધીને 81ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે વીએ ટેક વાબેગમાં ભારે વેચવાલી થઈ હતી. છેલ્લાં 10 ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં વેચવાલી ચાલુ છે. સપ્ટેબર, 2012 પછી આ શેર સૌથી નીચલા સ્તરે છે. આ શેર 18.4 ટકા તૂટીને રૂ. 189ના ભાવે બંધ હતો.

બજાજ કન્ઝ્યુમર શેરોમાં બ્લોક ડીલ

મુંબઈ શેરબજાર પર બજાજ કન્ઝ્યુમર કેરના આશરે 3.2 કરોડ શેરો (કુલ ઇક્વિટીના 22 ટકા) શેરદીઠ રૂ. 194.05ના ભાવે બ્લોક ડીલ થયો હતો. જોકે શેર 52 સપ્તાહની સપાટીની નજીક સરક્યો હતો. વળી આ શેર 14.77 ટકા ઘટીને 195.55ના મથાળે બંધ રહ્યો હતો.

એફપીઆઇએ ઓક્ટોબરમાં રૂ. 6,200 કરોડ પાછા ખેંચ્યા

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ ઓક્ટોબરમાં બે સપ્તાહમાં ભારતીય કેપિટલબજારમાંથી રૂ. 6,200 કરોડ પાછા ખેંચી લીધા છે. વૈશ્વિક મંદીના ભણકારા અને ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સેન્ટિમેન્ટ ખરડાયું હતું. ડિપોઝિટરીના લેટેસ્ટ આંકડા અનુસાર એફપીઆઇએ 1થી 11 ઓક્ટોબર દરમિયાન ઇક્વિટીમાં રૂ. 4955.2 કરોડની નેટ વેચવાલી કરી હતી. ડેટ માર્કેટમાંથી તેમણે રૂ. 1,261.9 કરોડની નેટ વેચવાલી કરી હતી. આમ, ડેટ અને ઇક્વિટી મળીને કુલ રૂ. 6,217.1 કરોડની નેટ વેચવાલી કરી હતી.

આવકની દ્રષ્ટિએ ઓટો કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો નબળાં રહેશે

ચાલુ  નાણાકીય વર્ષના અગ્રણી ઓટો કંપનીઓનાં બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો આવકની દ્રષ્ટિએ નબળાં રહેવાની શક્યતા છે. સુસ્ત માગ અને જંગી ડિસ્કાઉન્ટને પગલે ઓટો કંપનીઓની કમાણીમાં પર ભારે અસર પડી છે. ટોચની આઠ ઓટો કંપનીઓના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે સરેરાશ ૪૬.૨૦ ટકાનો ઘટાડો જોવાશે, એમ બજારના નિષ્ણાતો જણાવે છે.

છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ઓટો કંપનીઓના સ્થાનિક બજારના વેચાણમાં જોરદાર ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો ઓટો કંપનીઓ માટે સતત છઠ્ઠા એવાં ત્રિમાસિક પરિણામો હશે, જેમાં નફામાં દ્વિઅંકી ઘટાડો જોવા મળવાની સંભાવના છે. જે ટોચની આઠ ઓટો કંપનીઓનાં પરિણામોનાં અંદાજ કાઢવામાં આવ્યા છે તેમાં બજાજ ઓટો, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ, ટીવીએસ મોટર્સ, મારુતિ, મહિન્દ્રા, આઇશર તથા હીરો મોટોકોર્પનો સમાવેશ થાય છે.  ઓટો કંપનીઓનાં નબળાં વેચાણ આંક, જંગી ડિસ્કાઉન્ટસ તથા કામકાજ પાછળના ઊંચા ખર્ચથી કંપનીઓના માર્જિન્સ પર દબાણ છે. સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રણ મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં ૨૮.૭૦ ટકા ઘટાડો નોંધાયો છે. જે છેલ્લા સાત ત્રિમાસિકમાં સૌથી નીચો આંક છે. આ જ રીતે કોમર્શિયલ વાહનો, થ્રી વ્હીલર્સ તથા ટૂ વ્હીલર્સના વેચાણમાં અનુક્રમે ૩૫ ટકા, ૬ ટકા અને ૨૦.૫૦ ટકા ઘટાડો નોંધાયો છે.

સરકારી બેન્કોની કૃષિ ક્ષેત્રે ગ્રોસ એનપીએ વધીને રૂ. એક લાખ કરોડને પાર

દેશના કૃષિ ક્ષેત્રમાં જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટસ (એનપીએ)નો આંક વધીને રૂપિયા એક લાખ કરોડને પાર કરી ગયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)ના આંકડા પ્રમાણે ચાલુ વર્ષના જુલાઈના અંતે કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ એનપીએ વધીને રૂપિયા 1.04 લાખ કરોડ રહી હતી, જ્યારે કૃષિ ક્ષેત્રને કુલ ધિરાણ આંક રૂપિયા ૯.૪૦ લાખ કરોડ રહ્યો હતો. આમ કુલ ધિરાણથી ગ્રોસ એનપીએ ૧૧ ટકાથી વધુ રહી હતી. વર્ષ 2૦૧૮ના જૂનના અંતે કૃષિ ક્ષેત્રમાં ગ્રોસ એનપીએનો આંક રૂપિયા ૮૬,૦૩૨ કરોડ રહ્યો હતો. આમ એક વર્ષના ગાળામાં એનપીએમાં વીસ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લાં બે વર્ષમાં આ ક્ષેત્રની એનપીએમાં ૩૦ ટકા જેટલો વધારો થયો છે.