થરા, તા.૦૭
થરા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં બુધવારે વિકલાંગના કાર્ડ કાઢવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 12 થી 4નો સમય ફાળવાયો હતો. જેમાં હાડકાં, ગળા, કાન, માનસિક રીતે લાચાર દર્દીઓની ચકાસણી કરી તેમના નામની નોંધણી કરી દિવ્યાંગતાના પ્રમાણપત્રો ઇસ્યૂ કરવા અંગે કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સુઇગામ, થરાદ અને થરા તેમજ આજુબાજુના દર્દીઓ આવ્યા હતા. જેમાં 80 ટકા હાડકાના દર્દીઓ હતા. પરંતુ ઓર્થોપેડિક ડોક્ટર હાજર ન રહેતાં તંત્ર દ્વારા કોઇ જાણ કરવામાં આવી ના હતી. જેને લઇને દર્દીઓને કલાકો સુધી બેસી રહીને પણ પોતાના નામની નોંધણી કર્યા વિના ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો. દર્દીઓમાં રોષ ફેલાયો હતો.
આ બાબતે આંબલુણથી આવેલ ઈશ્વરભાઈ વાલાભાઈ પરમાર જેમને ઉપાડીને લવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘મારા ભાઇએ પોતાનો પગરખાં પોલીસ કરવાનો ધંધો બંધ રાખી વિકલાંગ કેમ્પમાં નામ નોંધણી કરવા માટે લાવ્યો હતો. કલાકો સુધી બેસી રહ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઇ જાણ કરવામાં આવતી નથી કે હાડકાના તબીબ આવવાના નથી. અમે લોકો ધંધા-રોજગાર બંધ કરાવ્યા હતા.’ આ બાબતે કેમ્પ પર હાજર અધિકારી મુકેશભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે ‘હાડકાના તબીબ આવવાના હતા એ આવ્યા નથી અને ઘણીવાર આવું બને છે કે જિલ્લામાં માત્ર સરકારી ઓર્થોપેડીક તબીબ એક હોવાથી ઘણી વાર આવા કેમ્પોમાં આવી શકતા નથી.’