દંપતિને સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ દેરાસરમાં હુમલો કર્યો, યુવતિ લઈને ફરાર

અમદાવાદ, તા.૧૧

ઓક્ટોબર-2016માં પ્રેમ લગ્ન કરનારા શાહ યુવકની પત્નીને તેના પરિવારજનોએ સમાધાનના બહાને નવરંગપુરા દેરાસરમાં બોલાવી કારમાં ઉપાડી ગયા છે. આ અંગે અપહ્યુતના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પત્નીના સંબંધીઓ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપીઓને ઝડપી લેવા તથા અપહ્યુતને છોડાવવા પોલીસે અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં તપાસ શરૂ કરી છે.

થલતેજ સૂરધારા સર્કલ પાસે શ્રી રત્ન કોમ્પલેક્ષમાં ચશ્માની દુકાન ધરાવતા ભાવિન અતુલભાઈ શાહ(ઉ.28 રહે. મહાલયા બંગલોઝ, કારગીલ પેટ્રોલ પંપ પાછળ, સોલા)ને તેમની જ સોસાયટીમાં રહેતી પલક ભાવેશભાઈ દેસાઈ સાથે પ્રેમ થઈ ગયો હતો. ભાવિન અને પલક વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને જણાએ ઓક્ટોબર-2016માં કાંકરીયા આર્ય સમાજ ખાતે હિન્દુ વિધિ મુજબ લગ્ન કરી રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું. ગત 7 સપ્ટેમ્બરના રોજ પલક તેના ઘરેથી ભાગીને ભાવિન શાહની ચશ્માની દુકાને પહોંચી હતી અને ત્યાંથી બંને જણા રાજકોટ ચાલ્યા ગયા હતા. ત્રણ દિવસ રાજકોટમાં રોકાણ કર્યા બાદ ભાવિન અને પલક અમદાવાદ પરત ફર્યા હતા અને મણીનગરમાં રોકાયા હતા. પ્રેમ લગ્ન કરીને ભાગી ગયેલા ભાવિન શાહ સતત તેમના પિતાના સંપર્કમાં હતા.

ગઈકાલે સવારે અતુલભાઈ શાહે તેમના પુત્ર ભાવિનને ફોન કરી પલકના માતા-પિતા સાથે શાંતિથી વાત કરવા હરજીભાઈ દેસાઈએ વાત કરી છે. અગિયારેક વાગે પલકને સાથે લઈને આવવા પિતાએ ભાવિનને કહ્યું હતું. ભારે વરસાદના કારણે ચાર વાગે મળવાનું નક્કી થયું હતું. ભાવિનના કાકા મનિષભાઈ ગાડી લઈને મણીનગરથી દંપતિને લઈને નવરંગપુરા બસ સ્ટેન્ડ સામે આવેલા જૈન દેરાસર ખાતે લાવ્યા હતા. દેરાસર ખાતે ભાવિનના માતા-પિતા, કાકા, પિતરાઈ ભાઈ, બહેનના સસરા, કાકા સસરા અને દેરાસરના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ શાહ હાજર હતા. જ્યારે પલક દેસાઈના પક્ષે હરજી દેસાઈ અને ધરમશી દેસાઈ હાજર હતા.

દેરાસરની ઓફિસમાં હરજી દેસાઈ સાથે ભાવિન અને પલક વાતચીત કરી રહ્યા હતા તે સમયે દસેક શખ્સોએ લાકડીઓ-પાઈપ વડે હુમલો કર્યો હતો. ભાવિનના માતા-પિતા સહિતના સંબંધીઓ પર હુમલો કર્યા બાદ જીતુ દેસાઈ, પલકના કાકાનો છોકરો બાસુ રબારી, જીગર રબારી અને એક અજાણ્યો શખ્સ દેરાસરની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. જેથી ભાવિન ડરના કારણે ઓફિસ છોડી બહાર ભાગી ગયો હતો.

દરમિયાનમાં હુમલો કરનારા શખ્સો પલકને બળજબરીથી પોતાની સાથે કારમાં ઉપાડી ફરાર થઈ ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ ગઈ છે.